Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 22
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન ધર્મમાં કેળવણીનું માહાત્મ પહેલેથી જ હતું. સ્વાધ્યાયને મહત્ત્વ આપનાર અને તાત્ત્વિક ચર્ચા કરવામાં આ ધર્મ કદી પાછળ પડ્યો નથી. એક તરફ ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળા અને બીજી તરફ સાધુઓ દ્વારા થતો ધર્મનો પ્રચાર, પરંતુ શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપનારું હોય અને સક્ષમ સમાજ રચી શકે તેવું હોય, એ દૃષ્ટિકોણ વિચારાયો છે. જૈનચરિત્રોના ગ્રંથોમાં જોઈ શકાય છે કે તીર્થકરને નાનપણમાં કેળવણી અપાય છે. તીર્થકર અજિતકુમારને કળા અને શબ્દશાસ્ત્ર વગેરે વિશે જ્ઞાન અપાતું. દરેક તીર્થકરોને જ્ઞાન અને કૌશલ આપવાની વાત ચરિત્રોમાં આવે છે. તીર્થંકર જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોય જ છે. એથી આ પ્રક્રિયાનો લાભ તેમની આજુબાજુનાં કુટુંબીજનોને મળે છે, જેમ કે – અજિતકુમારને જ્ઞાન હોવાથી સગરકુમાર ઉપાધ્યાય પાસે અધ્યયન એ કરે છે અને પોતાના સંશયો અજિતકુમારને પૂછી અંધકાર દૂર કરે છે. મોટાભાગે દરેક ઉત્તમ આત્માના જન્મ પછી મહોત્સવ સાથે ઉપાધ્યાય પાસે અધ્યયન કરાવવાનો આરંભ કરાવાય છે. ઉપાધ્યાય પાસે શબ્દશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, કળા, ન્યાય વગેરે વિશે અભ્યાસ કરે છે. તીર્થંકર પ્રભુ ક્ષત્રિય હોવાને કારણે અસ્ત્ર-શસોનો અભ્યાસ પણ કરે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આપણે જોઈ શકીએ છીએ કે તીર્થકર ભગવાનના અધ્યયનની વાત આવે છે. અભ્યાસનું વર્ણન જોઈએ તો ખ્યાલ આવે કે અધ્યયન અંગે કેટલી ઊંડી સમજ એ સમયે પણ હતી. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું અધ્યયન કર્યું, વાઘશાસ્ત્ર ગ્રહણ કર્યું, વાહનવિધિ, ચિકિત્સા, અશ્વલક્ષણ, શસ્ત્ર, ધનુર્વેદ વગેરેનું અધ્યયન કર્યું. અધ્યયનનું ક્ષેત્ર વિશાળ અને અનેક પ્રકારનાં કૌશલથી સભર જોવા મળે છે. જૈનદર્શનમાં કેળવણી વિચાર અભ્યાસ ઉપરાંત બૌદ્ધિક પુરુષો માટે જ્ઞાનપ્રશ્નો ઉત્તરના રૂપે પણ ઉપલબ્ધ હોય છે. આગળ વર્ણન આવે છે કે – ‘પોતાના મનના સંશયો દૂર કરવા માટે સાગરકુમાર અજિત સ્વામીને પૂછે છે અને અજિતકુમાર મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાન વડે તેના સંદેહને સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તત્કાળ છેદી નાખે છે. સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું.” તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. આપણે એમ વિચારી શકીએ કે જે તીર્થંકર છે તે તો સર્વકાળથી પરિચિત છે તેમને આ જ્ઞાનની શું જરૂર ! પરંતુ એક મનુષ્યના જીવનમાં આ કાળનું મહત્ત્વ સાબિત કરતી વખતે જૈનદર્શન પોતાના ભગવાનને પણ મનુષ્યરૂપમાં શિક્ષણ આપવાનું ચૂકતા નથી. આ વિચાર જ એટલો મોટો છે કે આપણને અનુભૂતિ થાય છે કે – ‘શિક્ષણને જૈનદર્શને આગવું સ્થાન આપ્યું છે.” જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી વખતે પણ અધ્યયનનો મહિમા જોવા મળે છે. પર્યુષણ મહાપર્વમાં મોટાભાગે પાંચમા દિવસે અર્થાત્ ભાદરવા સુદ-એકમના દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે, ત્યાર પછીના દિવસે ભગવાનને સ્કૂલમાં બેસાડવામાં આવે છે અને એ નિમિત્તે જ્ઞાનની પૂજા કરાય છે. આ પ્રતીકાત્મક ઉત્સવ આપણી અંદર એ વિચારને રોપી દે છે કે તીર્થકરને સ્કૂલે જવાનું હોય તો આપણે કેમ ન જઈએ ? કોઈ એક પ્રથા માત્ર ઉપદેશ દ્વારા જ નહિ, પરંતુ અમલમાં મૂકીને જ ચલણી બનાવાનો આ ચીલો જૈન ધર્મની મહત્તા સ્થાપે છે. આ પરંપરા આજકાલની નથી, પરંતુ વર્ષો જૂની છે. આપણે એક તરફ જોઈ શકીએ છીએ કે – તીર્થંકરના ઉદાહરણ દ્વારા જ શિક્ષિત થવું કે સ્કૂલે જવું એવો સંદેશ મળે છે, તો બીજી તરફ કેટલાક ગ્રંથો પણ શિક્ષણનું મહત્ત્વ સમજી એ વિશે એમાં લખાયું છે. ‘સમણસુત્ત’ માં શિક્ષણનું મહત્ત્વ અને એ અંગેની વિચારણા કરાઈ છે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70