________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર સાંપ્રત સમયમાં જેન ધર્મના શિક્ષણની રૂપરેખા
પારૂલબેન ભરતકુમાર ગાંધી
પ્રાસ્તાવિક:
કોઈ વ્યક્તિ અન્ય ધર્મ સ્વીકારે તો તે પરિવર્તન બધાને નજરમાં આવે છે. પરંતુ આજકાલ એક અન્ય પરિવર્તન ચાલી રહ્યું છે – સંસ્કૃતિ પરિવર્તન. આ પરિવર્તન એવું છે કે જે બીજાને તો નથી સમજાતું, પરંતુ વ્યક્તિને ખુદને પણ જલ્દી ખ્યાલ નથી આવતો કે હું ક્યાં જઈ રહ્યો છું. દાવાનળની જેમ ફેલાઈ રહેલા સંસ્કૃતિ પરિવર્તનના વિકૃત અને જાલિમ દૂષણને રોકવું હોય તો એક જ ઉપાય છે અને તે છે – જૈનશાળાનો વિકાસ. આ સાથે જૈન ધર્મની વૈજ્ઞાનિકતા અને વર્તમાને રહેલી તેની ઉપયોગિતાનો પ્રભાવક રીતે દેશ અને દુનિયામાં પ્રચાર-પ્રસાર કરવો પણ અત્યંત જરૂરી છે.
શીલ - સદાચાર - સંસ્કૃતિ અને સંસ્કારો આ તમામ ઉત્તમ પરિબળો સામે આજે શાસકો, શિક્ષણશાસ્ત્રીઓ અને પ્રચાર માધ્યમોએ જાણે રણશિંગુ ફૂંક્યું છે. શીલમંદિર, સંસ્કાર મંદિર અને સદાચારમંદિરને ધ્વસ્ત કરવા તેઓએ હોડ ભરી છે, જેથી ધર્મના મૂળ સંસ્કારો ધીમે ધીમે લુપ્ત થતા જવાના. આવા સમયમાં જો જૈન ધર્મને તેની લાક્ષણિકતાઓ સાથે બચાવી લેવી હોય તો એક જ ઉપાય છે કે બાળકો અને યુવાનોમાં સંસ્કાર - સંસ્કૃતિ - સદાચારનું એવી રીત દેઢીકરણ થાય કે પશ્ચિમી સંસ્કૃતિનું ગમે તેવું જોરદાર વાવાઝોડું ફૂંકાય તો પણ તેને ઊની આંચ પણ ન આવે. જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. આચારની પ્રભાવકતા હોય તે જ પોતાનું સામર્થ્ય પુરવાર કરી શકે છે. આપણા ધર્મનો ઉજજવળ ભૂતકાળ જોઈએ તો ખ્યાલ આવશે કે સેંકડો રાજાઓએ આ ધર્મના સિદ્ધાંતોથી અભિભૂત થઈ આ ધર્મને રાજયાશ્રય આપ્યો હતો. એવા અનેક
જૈનદર્શનમાં કેળવણી વિચાર સાધુ - સાધ્વીજીઓ થયા કે જેમના આચારથી પ્રભાવિત થઈ લાખો લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. જૈન ધર્મની પ્રભાવક્તા જાળવી રાખવા વર્તમાને તેનો યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર થાય એટલું જ જરૂરી નથી. એ પણ જરૂરી છે કે આચારે ધર્મ છે તે જળવાઈ રહે. પ્રચારકો એવા હોવા જોઈએ કે જેમનું જીવન પણ આદર્શ સાધુ-સાધ્વી-શ્રાવક કે શ્રાવિકાનું હોય. માત્ર દંભ અને વાતો નહિ, ધર્મનો આભૂષણ તરીકે ઉપયોગ નહિ તેમ જ તેનો મુખવટો પણ નહિ. જે વાસ્તવિકતા છે તે જ લોકોના રોમ-રોમમાં વણાઈ જવી જોઈએ. સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણની રૂપરેખા:
આજકાલ લોકોમાં ધાર્મિકતા ઓછી થતી જાય છે. જયારે ધર્મી દેખાવાનો દંભ અને ક્રિયાઓ વધતા જાય છે, ત્યારે જૈન ધર્મના પાયાના શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરી બાળકોમાં, યુવાનોમાં, મહિલાઓમાં તેનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. આ માટે પ્રથમ તો જૈનશાળાઓ, યુવકમંડળો, મહિલામંડળો, કન્યામંડળો વગેરેની સ્થાપના કરે તેમાં આ અભ્યાસક્રમ શીખવાડવો જોઈએ. અભ્યાસક્રમ નક્કી કરતી વખતે કેટલીક નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ તો જ જૈન ધર્મ મૂળ સ્વરૂપમાં ટકી
રહેશે.
(૧) સામાયિક અને પ્રતિક્રમણ એ બંને આવશ્યક છે. તે દરેકે શીખવા જ જોઈએ. જેવી રીતે જીવન જીવવા માટે ખોરાક, પાણી, હવા જરૂરી છે તેના વગર ચાલી જ ન શકે તેવી રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે સામાયિક-પ્રતિક્રમણ પાયારૂપ છે, તેના વગર ચાલી જ ન શકે. દરેક જૈન ગમે તે ફિરકાનો હોય, સામાયિક-પ્રતિક્રમણ તેણે શીખી જ લેવા જોઈએ. તો જ તેનું મહાવીરના શાસનમાં આસન જમાવી શકાય. (૨) સામાયિક અને પ્રતિક્રમણ આવશ્યક હોવાથી શીખવા જરૂરી છે.