________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - “જીવ અને તદ્દર્શક લિંગ” આ બન્નેના સંબંધનું દર્શન પૂર્વકાલમાં થયું નથી કે જેથી તે સંબંધનું સ્મરણ કરનારાને તે લિંગના દર્શનથી “જીવ છે” આવા પ્રકારનો જીવને વિષે બોધ થાય. ||૧૫૫૧॥
८
વિવેચન - પૂર્વની ગાથામાં જે કહેવાઈ ગયું છે તે જ વાત આ ગાથામાં વધારે સ્પષ્ટ કરવામાં આવી છે કે - જેમ વહ્નિ અને વહ્નિને જણાવનાર ધૂમ, તથા તે બન્નેનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં મહાનસાદિમાં સાક્ષાત્ જોયો છે. તો જ પર્વતાદિમાં ધૂમલિંગ દેખવાથી અને અગ્નિ સાથેના તેના અવિનાભાવ સંબંધના સ્મરણથી વહ્નિનું અનુમાન થાય છે. તેમ જીવ અને જીવને જણાવનાર કોઈ લિંગ, તથા તે બન્નેનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં ક્યાંય જોયેલો નથી કે જેથી તે લિંગ દેખવાથી અને તે બન્નેના અવિનાભાવ સંબંધના અનુસ્મરણથી “અહીં જીવ છે” આવો નિર્ણયાત્મક બોધ કરી શકાય. પૂર્વે લિંગ-લિંગી અને તેનો સંબંધ જોયો હોય તો જ અન્યત્ર લિંગમાત્ર દેખવાથી લિંગીનું અનુમાન થાય.
પ્રશ્ન - પૂર્વકાલમાં લિંગ-લિંગી અને તેના સંબંધનું પ્રત્યક્ષ જ્ઞાન કર્યું હોય તો જ ઉત્તરકાલે અનુમાન થાય. આ તમારી વાત બરાબર નથી. “સૂર્ય ગતિમાન છે. કારણ કે સવારે પૂર્વદિશાના ક્ષેત્રમાં, બપોરે મધ્ય આકાશમાં અને સાયંકાલે પશ્ચિમદિશાના ક્ષેત્રમાં દેખાય છે માટે, અર્થાત્ દેશાન્તરપ્રાપ્તિ જણાતી હોવાથી ગતિમાન છે. જેમકે દેવદત્ત. સારાંશ કે દેવદત્ત નામનો કોઈ માણસ જુદા જુદા કાલે જુદા જુદા ક્ષેત્રે દેખાય છે તેથી નક્કી ગતિમાન છે. તેની જેમ સૂર્ય પણ દેશાન્તર પ્રાપ્તિવાળો દેખાય છે. માટે અવશ્ય ગતિમાન છે. આવું અનુમાન સર્વે લોકો કરે છે. આ અનુમાનમાં સૂર્યની અંદર રહેલ દેશાન્તરપ્રાપ્તિરૂપ લિંગ અને ગતિવાળાપણું એ લિંગી, તથા આ બન્નેનો સંબંધ ક્યારેય પણ પૂર્વકાલમાં જોયો જ નથી. કારણ કે સૂર્ય આકાશમાં દૂર છે. છતાં જ્યારે જુઓ ત્યારે અનુમાન થાય જ છે. આવા અનુમાનને “સામાન્યતોદૃષ્ટ” અનુમાન કહેવાય છે. આવા પ્રકારના સામાન્યતોર્દષ્ટ અનુમાનથી પૂર્વકાલમાં ન જોયેલી એવી પણ સૂર્ય-ચંદ્રાદિની ગતિનું અનુમાન થાય છે તેમ જીવનો પણ કોઈ લિંગની સાથે સંબંધ પૂર્વકાલમાં ન જોયો હોય તો પણ અનુમાન સિદ્ધ થશે.
ઉત્તર - આવો પ્રશ્ન કરવો નહીં. કારણ કે સૂર્યમાં ગતિમત્ત્વ અને દેશાન્તરપ્રાપ્તિત્વ ભલે જોયેલ નથી. પરંતુ દૃષ્ટાન્તભૂત એવા દેવદત્તમાં ગતિમત્ત્વ અને દેશાન્તરપ્રાપ્તિત્વ તથા તે બન્નેનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયેલો છે. તેથી જ તેને અનુસારે સૂર્યમાં ગતિમત્ત્વની કલ્પના કરાય છે. પર્વતમાં વહ્નિની સિદ્ધિ કરવી હોય ત્યારે પણ દૃષ્ટાન્તભૂત