________________
દુઃખને દૂર કરવા પ્રયત્નો કરે છે. એ ક્યારેય સફળ નહીં થાય.
“પ્રભુ મૃગાલોઢીયાનો જીવ અત્રેથી ક્યાં જશે?''
“હે ગૌતમ, સાતેય નરકમાં ક્રમશઃ વચ્ચે તિર્યંચના ભવ કરી પરિભ્રમણ કરશે. લાખો ભવ કરી અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, દીક્ષિત બની, કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જશે.'' બસ, આ વાત સાંભળી ગૌતમના હૈયામાં હાશ થઈ. આ દૃષ્ટાંત પ્રભુએ અંતિમ દેશનામાં વિપાકસૂત્રમાં, દુઃખ વિપાક સૂત્રનું વર્ણન કરતા બતાવ્યું છે. ટૂંકમાં, જગત જીવોના દુઃખોને જોઈ તમે તમારી જાતને સુખી માનો. કે આના કરતાં હું સુખી છું. હિલ સ્ટેશને ફરવા જાવ છો તો ક્યારેક હોસ્પિટલમાં પણ મુલાકાત લેતા રહો. ખ્યાલ આવશે કે પ્રભુએ તમને કેટલું સુખ આપ્યું છે અને તેનો અંદાજ તમને આવી જશે.
જાતના દોષો જુઓ...
બહુ જ મહત્ત્વની વાત છે બીજા નંબરની કે જગતના દુઃખોને જોઈ લેવાથી દુ:ખ મુક્તિ નહીં થાય. પરંતુ જાતના (પોતાના) દોષોને જોઈ અને જાતને દોષ મુક્ત બનાવશું ત્યારે જ તમામ દુઃખ વિદાય લેશે. દુઃખો મોક્ષ અટકાવતાં નથી, જ્યારે દોષો મોક્ષ અટકાવ્યા વિના રહેતા નથી. મોક્ષના અવરોધક દોષોને તો આજે જ ધોઈ નાખવા જોઈએ. રખે એની ઉપેક્ષા કરતાં...! જગત જીવોના દોષોને જોવાનું બંધ કરી, જાતના જ દોષોને જોઈને ધોઈ નાખવા, એ જ માનવભવનું કર્તવ્ય છે. દોષ અનંતનું ભાજન છે. બીજાના દોષો જોઈને વળી મારા આત્માને દોષિત બનાવવાની ભૂલ શે કરાય ?
યાદ રાખજો, જેના પણ દોષો જોશો, તેના પર ક્યારેય સદ્ભાવ જામશે નહીં, મૈત્રી જામશે નહીં. ગુરુના દોષો જોયા તો ગુરુ પ્રત્યે ક્યારેય પણ સદ્ભાવ નહીં આવે. જીવો પોતાના દોષો જોવા તૈયાર નથી અને અન્યના દોષો જોવાનું છોડવા તૈયાર નથી. કેવી અજ્ઞાનતા? પર દોષ દૃષ્ટિવાળાને ભગવાનમાં પણ દોષદર્શન જ થાય છે. સ્વદોષ દૃષ્ટિવાળાને પોતાનામાં રહેલી ખામીના દર્શન થાય છે. આજે માણસ માત્રનો સ્વભાવ પરાયા દોષો જોવામાં ટેવાયો છે. પછી ભલેને સામી વ્યક્તિ પાસે ઘણા ગુણો હોય, પણ
૬૦
દોષ ક્યાં છે તે શોધી લેવાનું. આ દોષ દૃષ્ટિ જ માણસની માણસ પ્રત્યેની મૈત્રી જામવા દેતી નથી. જગતને જુઓ ત્યારે તમારી આંખ સામે દુઃખો દેખાવા જોઈએ અને તમારી જાત સામે નજર પડે ત્યારે દોષદર્શન થવા
જોઈએ... આ છે ધર્મિષ્ઠ વ્યક્તિના લક્ષણો. રત્નાકર મુનિએ પોતાની જાતને તટસ્થ બનીને નિહાળી હતી અને રત્નાકર પચ્ચીશીની રચનામાં પોતાનામાં રહેલા દોષોની કબૂલાત કરી હતી.
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ?
મન મારું માયા જાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે.
પોતાની જાતને ગુણી અને અન્યની જાતને અવગુણી તરીકે ઠેરવવાની નીચી દૃષ્ટિ જ, માણસને મોક્ષમાર્ગ મળવા છતાં માર્ગમાં આગળ વધવા દેતી નથી. ચાલો, આજે જ દૃષ્ટિકોણ બદલી નાખીએ અને સ્વયંના દોષો અને અન્યના ગુણો જોવાની શરૂઆત કરી દઈએ...
મહાન પુરુષોના ગુણો જુઓ...
સાધનાના ક્ષેત્રે મહત્ત્વનો અને અતિ આવશ્યક ગુણ એ છે કે ગુણીજનોના ગુણ જોવાની દૃષ્ટિ, જગતનાં દુ:ખો જોવાની દૃષ્ટિ કેળવવી સહેલી છે. પોતાના દોષોને જોવાની દૃષ્ટિ પણ હજી સહેલી છે. પરંતુ ગુણીજનોના ગુણ જોવાની દૃષ્ટિ કેળવવી ખરેખર મુશ્કેલ છે. તમારાથી વધુ ગુણવાનની પ્રશંસા સાંભળીને રાજી થવું સહેલું નથી. પોતાની ગુણ પ્રશંસાના અવસર પર આનંદવિભોર બનવું સહેલું છે, તેટલું જ અઘરું છે અન્ય ગુણીના ગુણની પ્રશંસામાં આનંદિત બનવું.
કુટુંબના સભ્યોમાં ગુણ જોવાની દૃષ્ટિ કેળવો, કુટુંબના સભ્યોમાં પ્રેમ જાગ્યા વિના નહિ રહે. ધર્મીજનોના ગુણ જોવાની દૃષ્ટિ કેળવો, ધર્મીજનો પ્રત્યે પ્રેમ જાગી જશે. સમાજના જન-જનમાં ગુણ શોધીને ગુણ નિહાળો, સમાજ પ્રત્યે પ્રેમભાવ પ્રગટ થઈ જશે. મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર અનંત ઉપકારી ગુરુદેવની ગુણ સમૃધ્ધિને જોવાની દૃષ્ટિ કેળવી લેવાથી ગોવિંદ બનવાની પાત્રતા સહજ પ્રાપ્ત થઈ જાય છે. યાદ રાખજો, ગુરુના
૬૮