________________
परिशिष्टम्
[૮]
श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य
ભાષાન્તર: | અતિશય કાંતિવાળા એવા શ્રીમાનું વર્ધમાનપ્રભુરૂપી મંગલકારી દીપક સજ્જનોના વિસ્તીર્ણ અને અનુપમ કલ્યાણના વિલાસને આપો ? (૧)
શ્રીવર્ધમાન તીર્થકરના (નિર્વાણ) કલ્યાણકના મહોત્સવવાળો તથા પવિત્ર લક્ષ્મીનું ફળ આપવા માટે કલ્પવૃક્ષ સરખો એવો દીવાળીકલ્પ હું કહીશ. (૨)
પોતાની શોભાથી સ્વર્ગને (પણ) જીતનારી એવી ઉજ્જયિની નામની નગરી છે અને ત્યાં પ્રતાપથી સૂર્ય સમાન સંપ્રતિનામે રાજા હતો. (૩)
(એક સમયે) તે નગરીમાં ઘણા ગુણોવાળા શ્રી આર્યસહસ્તી નામના આચાર્ય શ્રીવીરપ્રભુની જીવંતસ્વામીની મૂર્તિને નમસ્કાર કરવા માટે ગયા. (૪)
ત્યાં એક સમયે તે આચાર્યમહારાજ તીર્થંકરપ્રભુની રથયાત્રા માટે નિર્મળ સંઘ સાથે રાજમાર્ગમાં ચાલતા હતા. (૫)
(તે વખતે) તે આચાર્યમહારાજને જોઈને થયેલ છે જાતિસ્મરણજ્ઞાન જેમને એવા તે સંપ્રતિરાજાએ (તેમની) પાસે આવીને તથા ભક્તિથી નમીને (તેમને) એવી વિનંતી કરી કે, (૬)
હે પૂજ્ય ! આપ મને ઓળખો છો? એમ રાજાએ કહેવાથી તે ઉત્તમ ગુરુમહારાજે કહ્યું કે, હે સંપ્રતિરાજા ! તમોને કોણ ઓળખતું નથી ? (૭)
ત્યારે રાજાએ ફરીને કહ્યું કે, હે મહાજ્ઞાની પૂજ્ય ! વિશેષ પ્રકારે મારી ઓળખાણ પૂછું છું, એમ રાજાએ કહેવાથી તે આચાર્યમહારાજે શ્રુતજ્ઞાનથી જાણીને કહ્યું કે, (૮)
હે રાજન ! તમો પૂર્વભવમાં ઉત્તમ વૈરાગ્યવાળા અમારા શિષ્ય હતા, તથા હે વિચક્ષણ ! દીક્ષાના પ્રભાવથી તમો અહીં રાજા થયા છો. (૯)
૨. શ્રી‘જિનસુંદરસૂરિવિરચિત આ શ્રીદીપાલિકાકલ્પ ભાષાંતરસહિત પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજ (જામનગરવાળા)એ ભાષાંતર કરીને વિ.સં. ૧૯૮૨ (હાલારી), વી. સં. ૧૪૫૧, ઈ. સ. ૧૯૨૫માં છપાવીને પ્રસિદ્ધ કર્યું છે. તેમાંથી અહીં ભાષાંતર સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે.