________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२३५
તે રાજા તથા પ્રધાનનો સંબંધ કહે છે-પૃથિવી નામની નગરીમાં પૂર્ણ નામે રાજા હતો અને તેને બુદ્ધિની સંપદાના ભંડાર સરખો સુબુદ્ધિ નામે પ્રધાન હતો. (૭૫)
એક દિવસે તે સુબુદ્ધિ પ્રધાને લોકદેવ નામના એક ઉત્તમ નિમિત્તિયાને ભવિષ્યકાલ સંબંધી વૃત્તાંત પૂછવાથી તેણે કહ્યું કે, (૭૬)
એક માસ પછી વરસાદ વરસશે અને તે વરસાદનું જલ જે પીશે, તે સઘળા ઘેલા થઈ જશે. (૭૭) વળી કેટલોક કાલ ગયા પછી ઉત્તમ વૃષ્ટિ થશે, તેનું પાણી પીવાથી તુરત લોકો સારા થશે. (૭૮)
પછી પ્રધાને તે હકીકત રાજાને કહી, તેથી રાજાએ ઢંઢેરો વગડાવીને લોકોને જલનો સંગ્રહ કરવા માટે હુકમ કર્યો. (૭૯).
પછી લોકોએ પણ તેમ કર્યું તથા કહેલે દિવસે વરસાદ થયો, તથા કેટલોક વખત ગયા પછી તે એકઠું કરી રાખેલું પાણી ખૂટી ગયું. (૮૦)
એકઠું કરી રાખેલું જલ જેમનું ખૂટ્યું નથી એવા તે રાજા અને પ્રધાન સિવાયના સામંતાદિક સર્વ લોકોએ ઘેલછા કરનારું તે નવું પાણી પીધું. (૮૧)
અને તે પીને રાજા અને મંત્રી વિનાના ઘેલા થયેલા તે સઘળા લોકો નાચવા, હસવા, તથા ગાવા લાગ્યા અને પોતાની ઇચ્છા મુજબ વર્તવા લાગ્યા. (૮૨)
હવે તે સામંતાદિક લોકો તે રાજા અને પ્રધાનને પોતાનાથી વિપરીત આચરણવાળા જોઈને વિચારવા લાગ્યા કે, ખરેખર રાજા અને પ્રધાન ઘેલા થયેલા છે. (૮૩).
માટે આપણાથી વિપરીત આચરણવાળા તેઓ બન્નેને દૂર કરીને આપણને લાયક એવા રાજા તથા પ્રધાનને આપણે સ્થાપન કરીશું. (૮૪)
પછી પ્રધાને તેઓનો તે વિચાર જાણીને રાજાને કહ્યું, ત્યારે તે રાજાએ કહ્યું કે સમૂહને લાયક એવા રાજાની જેમ તેઓથી આપણા આત્માનું હવે શી રીતે રક્ષણ કરવું. (૮૫)
ત્યારે પ્રધાને કહ્યું કે, આપણે તે ઘેલાઓની સાથે ઘેલા થઈને રહેવું, કેમકે (તે સિવાય) બીજો કોઈ પણ બચાવવાનો ઉપાય નથી, માટે એમ કરવું તે જ સમયોચિત છે. (૮૬).
પછી તે રાજા તથા પ્રધાન કૃત્રિમ ઘેલછા અંગીકાર કરીને પોતાની સંપદાનું રક્ષણ કરતા તેઓ સાથે વર્તવા લાગ્યા. (૮૭).
પછી ઉત્તમ સમયે ઉત્તમ વૃષ્ટિ થવાથી અને તેનું નવું પાણી પીવાથી તેઓ સઘળા મૂળ સ્વભાવને ધારણ કરનારા સ્વસ્થ થયા. (૮૮)
એવી રીતે આ દુષમકાળમાં ગીતાર્થ મુનિઓ ભવિષ્યકાળમાં ઉત્તમ સમય (આવવાની) ઇચ્છાવાળા થયેલા વેષધારીઓની સાથે તેના જેવા થઈને વર્તશે. (૮૯)
એ રીતે સ્વપ્નોનું ફળ સાંભળીને ગૃહસ્થાવાસમાં વિરાગવાળા એવા તે પુણ્યપાલ રાજા પ્રભુ પાસે દીક્ષા લઈ દેવલોકે ગયા. (૯૦)
એ રીતનું વૃત્તાંત સાંભળીને હૃદયમાં વિસ્મય પામેલા ગૌતમસ્વામીએ કેવલજ્ઞાનથી સૂર્યસરખા એવા ભગવાનને ભવિષ્યકાલનું સ્વરૂપ પૂછ્યું. (૯૧)
D:\chandan/new/kalp-p/pm52nd proof