Book Title: Tu Taro Taranhar Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 7
________________ પ્રભાવના કરવી છે. પુણ્ય નથી. હજારોને ધર્મ સમજાવવો છે. વચનનું બળ નથી. ચિંતા થાય તેવી હાલત છે. કામ મોટાં છે. કરવા જેવા છે. કરીએ તો લાભ પણ ગંજાવર મળે તેમ છે. તકલીફ એ છે કે કામ થઈ નથી શકતાં. સૂત્ર આશ્વાસન આપે છે. સૂરજ ન થઈ શકો તો દીપક બનો. આપણે સૂરજ થવાનાં સપનાં જોઈએ છીએ. દીવો બનવાનું કૌવત દાખવતા નથી. સૂરજનું રાત સામે કાંઈ ચાલતું નથી. રાતનું દીવા સામે કાંઈ ચાલતું નથી. દીવાનું દિવસ સામે ચાલતું નથી તો દિવસે દીવાનું કામ હોતું પણ નથી. દીવો ભોંયરાને અજવાળે છે. બંધ બારણે પ્રકાશ ફેલાવતો દીવો સૂરજને બરોબર ભારે પડે છે. ધર્મની ભાવનાને અનુરૂપ સામર્થ્ય ન હોય તો રડવાની જરૂર નથી. સામર્થ્ય ઓછું હોય એટલે ભાવના ઓછી જ હોવી જોઈએ એવો કોઈ ધારો નથી. સામર્થ્ય ન હોય તો પણ ભાવના ઊંચી રાખવાની છે. આપણી ધર્મભાવનાને થોડાં સામર્થ્યનો ટેકો તો મળ્યો જ છે. કરોડોનાં દાન આપણા હાથે ભલે નથી થતાં, સો-સવાસો તો આપી શકીએ છીએ. સેંકડો લોકોને ધર્મ નથી સમજાવી શકતા આપણે. તદન સાચું. બે-ચાર મિત્રોને તો ધર્મ પમાડી શકીએ છીએ. સારું કામ કર્યા પછી એનો આનંદ જન્મે છે. આ આનંદ જ મહત્ત્વનો છે. સારું કામ નાનું હોય કે મોટું, એનો આનંદ મોટેભાગે એકસરખો હોય છે. જે બોધ સૂરજનાં અજવાળે પુસ્તક વાંચવાથી મળે છે એ જ બોધ દીવાનાં અજવાળે પુસ્તક વાંચવાથી મળી શકે છે. નાનાં કામ લખલૂટ આનંદ આપી શકે છે. સારું કામ નાનું છે કે મોટું તે જોઈને આનંદ માણવા ન બેસાય. દરેકેદરેક સારું કામ એકસરખો આનંદ આપે છે. સારું કામ કેટલું કર્યું તે જોવાનું છોડી દો. સારું કામ કેવા આનંદથી કર્યું તે જોવા માંડો. સારું કામ દિલથી કરો, બસ. સૂત્ર બીજો સંદેશ પણ આપે છે : નાનો દીવો, સૂરજની ગરજ સારી શકે છે. युक्तमुक्तं वचो बालादपि गृह्णीयात् । (३) ‘સારી વાત બાળમુખેથી પણ સ્વીકારવી.’ નાનાં મોઢે મોટી વાત ન કરવાની કહેવત સાચી છે. એ કહેવત નાનાં મોઢે મોટી વાત સાંભળવાની ના નથી પાડી. આપણે જાતને નાના માનીએ. બોલીએ તે સંભાળીને બોલીએ. બીજાને નાના માનવાની જરૂર નથી. સારી વાત કરે તે મોટો માણસ છે. વાત કરનારો મોટો માણસ હોય તો પછી તેની સારી વાત સાંભળીએ એ આપણો અભિગમ છે. નાના પાસેથી ઘણું સમજવાનું મળે છે. સૂત્ર કહે છે : વ્યાજબી વાત તો નાના-ની પણ માનવી. નાના એટલે મા-ના બાપા નહીં. નાના એટલે ઉંમરમાં નાના હોય તે. આપણા વાળ ધોળા હોય એટલે કાળા વાળવાળા આપણી માટે નાના થઈ જાય છે. આપણે એમને સલાહ આપીએ છીએ. એમની સલાહ માનવાનું આપણે વિચારી પણ શકતા નથી. જેમને સાવ નાના જોયા હોય તે થોડા મોટા થઈ જાય ત્યારે આપણે એમનું નાનપણ યાદ રાખીને જ ચાલીએ છીએ. એને લીધે એની સારી વાત સ્વીકારવી ગમતી નથી. આપણને એની વાત પડકારજનક લાગે છે. ‘તો સાવ અબુધ હતો. તુંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52