________________ અંદાજ આવી જશે તો તેની માટે કેવું સપનું વાજબી છે તે તમને તરત જ સમજાશે. અત્યારે તમે તમારી આંખે સપનું જુઓ છો એની માટે. પછી પછી તમે એની આંખે સપનું જોશો. આ ઋણાનુબંધ વિના નથી બનતું. તમે ધારો છો તેટલો એ શક્તિશાળી નથી. તમે ન ધારી શકો એટલો એ કાબેલ છે. બળદ દૂધ નથી આપી શકતો પણ એ જ બળદ આખું ખેતર ખેડી શકે. દૂધ આપનારી ગાયને મળતો ચારો આ ખેતરમાં જ ઉગે છે. દરેક પરિચિતોને એના ગજા મુજબનું એક સપનું આપો. તમે સપનાં જોઈ શકો છો તે સારી વાત છે. તમે સપનાં વાવી શકો તે આનંદજનક બીના. महद्भिः प्रतिष्ठितः अश्मा अपि देवो भवति / (45) મહાપુરુષના હાથે પ્રતિષ્ઠા પામેલો પથ્થર પણ દેવ બનીને પૂજાય છે. તમે શક્તિશાળી બનો તો શ્રેષ્ઠ. તે ન બનો તો શક્તિશાળીના હાથમાં તમારી લગામ સોંપી દો. તમારું શક્તિશાળી હોવું–તમારી દૃષ્ટિએ જરૂરી હોય તો શક્તિ ઊભી કરવા માટે તમારે કોઈનો સાથ લેવો પડશે. નબળા લોકો સાથે રહેવાથી તમે શક્તિશાળી બની શકતા નથી. નબળા લોકો પર રાજ કરનાર નેતા શક્તિશાળી હોતો નથી. તમારું ભવિષ્ય તમારે શક્તિશાળીના હાથમાં મૂકવું જોઈએ. તમે ધીમે ધીમે શક્તિશાળી બનતા જશો. શક્તિશાળી વ્યક્તિ સ્વયં પ્રેરણારૂપ હોય છે. તમારામાં એ શક્તિનો સંચાર આસાનીથી કરી શકશે. તમારી શક્તિ તમે એકલા વાપરશો તો એની એક મર્યાદા રહેવાની. તમે કામ કરતાં કરતાં ઘડાશો. એમાં ખાસ્સો બધો સમય પણ જવાનો. તમે અનુભવી બનીને પછી શક્તિશાળી પૂરવાર થાઓ ત્યાર સુધી ઘણો સમય વીતી જવાનો. આજે જમાનો ઝડપી છે. તમારે ઢીલા રહેવાનું નથી. શક્તિશાળીના હાથમાં તમારું સુકાન હશે તેવા સંયોગોમાં તમારી શક્તિને, એમની શક્તિનો મજબૂત ટેકો મળશે. તમે એમના હાથ નીચે કામ કરશો તેને લીધે તમારી શક્તિમાં એમની શક્તિ ભળશે. તમને યશ મળશે અને નિષ્ફળતાનો અપયશ ઓછો મળશે . સ્વતંત્ર બની જવાની ઉતાવળમાં તમે શક્તિશાળીના આશરે રહેવાનું ટાળતા નહીં. તમે જે નથી જોયું તે એમણે જોયું છે. તમને જ્યાં જોખમ દેખાય છે ત્યાં એમને રસ્તો દેખાય છે. તમે જેનાથી ડરો છો એમાંથી એ પસાર થઈ ચૂક્યા છે. શક્તિશાળીનાં શરણે તમારી શક્તિને ઠેરવી દો. લોઢાને ઘસવા માટે લોઢું જ ઉપયોગી થાય છે. શક્તિશાળીના હાથે તમે ઘડાયા હશો અને તમને શક્તિશાળીનું પીઠબળ મળ્યું હશે અને તમારા હાથમાં એમણે આપેલું પ્રમાણપત્ર હશે તો તમને વધાવવા સૌ પડાપડી કરશે. સૂરજ ધીમેધીમે ઉગે છે, દરિયામાં ભરતી ધીમેધીમે આગળ વધે છે. તમે ધીમેધીમે ઘડાતા રહેજો . શક્તિશાળીના હાથે તમે ગૌરવ પામશો તો જ્યાં જશો ત્યાં પૂજાશો. અત્યારે તમે કોઈ શક્તિશાળી સાથે સીધા સંકળાયેલા છો ? તપાસી જુઓ. ન સંકળાયા હો તો તમે અત્યંત શક્તિશાળી બની ગયા છો ? વિચારી જુઓ. શક્તિશાળીનું પડખું સેવ્યા વિના શક્તિશાળી બની શકાતું નથી. શક્તિશાળીના હાથે ઘડાયા હશો તો દુનિયાની ઠોકરો તમને વાગશે નહીં. તમારા સંપર્કના વર્તુળમાં તમારા કરતાં શક્તિશાળી સાથે તમારો ઘનિષ્ટ સંબંધ જળવાયેલો હોવો જોઈએ. શક્તિ સાથે શક્તિ ભળે ત્યારે મહાશક્તિનું નિર્માણ થાય છે. - 98 -