________________
પ્રાપ પ્રત્યયો fક્ષતવ્ય: I (૩૬)
જાનનાં જોખમે વિશ્વાસનું જતન કરો.
વિશ્વાસની કંઠી બાંધ્યા વિનાનો સંબંધ હૂંફાળો બની શકતો નથી. બે કે બેથી વધુ માણસ એક સૂત્રે જોડાય છે તેમાં સ્વાર્થ અથવા ઉદ્દેશ હોય તે જરૂરી છે. કામ વિના ભેગા થનારા ટોળામાં સત્ત્વ હોતું નથી. તમે જોજો. લક્ષ્મ વિનાની દોસ્તીનું આયખું જલદી ખૂટી પડે છે. તમે સંબંધમાં વિશ્વાસ ઉમેરવા માંગો છો તો તમારે ત્રણ કામ કરવાના રહેશે. એક, તમે સામી વ્યક્તિનાં દુ:ખને પોતાનું દુઃખ માનો છો તેવું વર્તન દ્વારા સાબિત કરવું પડશે. બે, તમે સામી વ્યક્તિને નુકશાન કરવા માંગતા નથી તે સિદ્ધ કરવું પડશે. ત્રણ, તમે સામી વ્યક્તિનો સાથ મુશ્કેલીના દિવસોમાં છોડશો નહીં, તેવું અઘોષિત વચન આપવું પડશે. વિશ્વાસમાં શબ્દોનું મહત્ત્વ નથી. સોદો હોય ત્યાં સહી હોય. વિશ્વાસ સહી વિનાના હસ્તાક્ષર છે. તમે વિશ્વાસ પામો છો ત્યારે એક નવી જીંદગી જીવવાની શરૂ કરો છો. વિશ્વાસ સંપાદન કરનારો પોતાની જીંદગીને, બીજી એક જીંદગીના પ્રવાહ સાથે વહેતી મૂકે છે. પોતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના તમારે સાચી માણસને સમર્પિત થવાનું હોય છે. તમે વિશ્વાસ જીત્યો એટલે બંધાઈ ગયા. આ દોરી તૂટવી ન જોઈએ. વિશ્વાસને આત્માનો શ્વાસ ગણવામાં આવે છે. શરીરના શ્વાસની ઝડપમાં વધઘટ હોય છે, વિશ્વાસમાં કેવળ ‘વધ’ હોય છે, ઘટ નથી હોતી. વિશ્વાસના જતન માટે તમારે સર્વસ્વ કુરબાન કરવું જોઈએ. વ્યક્તિનું મનોજગત ચોક્કસ અપેક્ષા રાખે છે અને તમારે, વિશ્વાસપાત્ર માણસ તરીકે એ અપેક્ષા પૂરી કરવાની હોય છે. તમે વિશ્વાસ મેળવો છો તેની સામે તમે વિશ્વાસ મૂકો છો. અરસપરસ
- ૭૩ -
સંકળાયેલી વાત છે. વિશ્વાસમાં બુદ્ધિનું સ્થાન શ્રદ્ધા જેવું છે. દરેક વખતે શ્રદ્ધા જીતે છે અને બુદ્ધિને સંતોષ મળે છે. તમે વિશ્વાસ ગુમાવીને જીવશો તેમાં મજા નહીં હોય. તમારી પર કેટલા લોકો અંગત વિશ્વાસ મૂકે છે તે તમારી જીંદગીની સફળતાનો પાયો છે. તમે વિશ્વાસ ગુમાવીને જીતો છો ત્યારે તમારી માણસાઈની હાર થતી હોય છે. તમારો માંહ્યલો માને નહીં ત્યાં સંબંધ રાખવો નહીં. અને સંબંધ રાખ્યો છે તો વિશ્વાસ તોડવો નહીં. સંબંધ બગડે તે પછી પણ વિશ્વાસને જાળવવાનો હોય છે. સારો સંબંધ તંદુરસ્ત લેવડદેવડમાં ચાલતો હતો. હવે એવું રહ્યું નથી તો શું છે ? એક કરાર તો છે જ. સાથે ચાલ્યા, હાથમાં હાથમાં મીલાવ્યા અને દુ:ખ વચ્ચેથી રસ્તો શોધ્યો તે ભૂતકાળ ભૂંસાઈ જતો નથી. સંબંધનો કડવો મુકામે આવ્યો અને છૂટા થઈ ગયા તેમાં ચોક્કસ મતભેદનો ફાળો છે. એ વૈચારિક અલગાવને લીધે દિશાઓ ફંટાઈ ગઈ છે છતાં અમુક બાબતોમાં મૌન રાખવાનું છે. ખુલાસા કરવાની ધૂનમાં અયોગ્ય રજૂઆત થઈ ન જાય તેની કાળજી રાખવાની છે. સંબંધનો સંદર્ભ બદલાય છે. સંબંધ નથી બદલાતો. સંબંધ ચાલતો હતો તે કયાંક ઊભો રહી જાય છે. પોતાના ભૂતકાળની સાથે ઊભેલા એ સ્થગિત સંબંધને વિશ્વાસપૂર્વક સન્માન આપવાનું હોય છે. છાશિયું કરવાથી સંબંધ સુધરતા નથી અને જેનાથી સંબંધ સુધરતા નથી તેનાથી છાપ સુધરતી નથી. વિશ્વાસ તૂટે તેને લીધે સંબંધ તૂટે છે તે હકીક્ત છે. સંબંધનો ગેરલાભ લેતા રહેવામાં સંબંધોને જ પૂળો ચંપાય છે તે વાત રામાયણ અને મહાભારતે હજારો વાર પૂરવાર કરી છે. એ તુચ્છ વિશ્વાસઘાતની રમતમાં પથ્થરો મારવાથી લઈને તલવારબાજી સુધીનું કાંઈ પણ થઈ શકે છે. એવું ન બનવું જોઈએ.
9X