________________
અશક્તિ લાગશે. બીજા ઘણા લોકોએ તમારી જેમ જ કામની શરૂઆતમાં સંકોચ અનુભવ્યો હતો. પોતાનાં બળ પર વિશ્વાસ રાખીને તેમણે આગેકૂચ કરી તો તેમને સફળતા મળી છે. નવસર્જન કરવા માટે શક્તિ તો જોઈએ જ છે. તેથી વિશેષ હિંમત જોઈએ છે. સારો વક્તા પહેલેથી જ સારો વક્તા હોય છે એવું દરેક વખતે બનતું નથી. શરૂઆતમાં એ વક્તા ખાસ પ્રભાવશાળી હોતો નથી. કામ ચાલુ રાખે છે તો ધીમે ધીમે કામ જામી જાય છે અને પછી નામ પણ જામી જાય છે. ડરી ડરીને ચાલનારો મક્કમ વિકાસ કરી શકતો નથી. કામ કરવું છે તો પૂર્ણ વિશ્વાસથી કરો. ફત્તેહ છે આગે.
सत्यपि दैवेऽनुकूले न निष्कर्मणो भद्रमस्ति । (२६) “નસીબનો સાથ હોય તો પણ મહેનત તો કરવી જ પડે.”
સારા સંયોગો મળે છે તે અનુકૂળ ભાગ્યની નિશાની છે. સારાં ભાગ્યનાં પ્રમાણમાં પુરુષાર્થ પણ સારો હોવો જોઈએ. પુણ્ય સારી સામગ્રી આપે છે તેમાં પુરુષાર્થનો ફાળો પણ પૂરતો હોય છે. આહાર સારો મળે છે તે ખાવાનો પુરુષાર્થ કરવો પડે છે તેમ એ આહાર બનેલી સામગ્રીને, રસોઈ બનાવવાની મહેનત કર્યા વિના આહાર તરીકેની ઓળખાણ મળવાની નથી તે નક્કી છે. પુરુષાર્થની સામે પુણ્ય કાચું પડે છે તેવું કોઈ વખતે જોવા મળે છે. પુણ્યની સરખામણીમાં પુરુષાર્થ નહીવતું છે તેવું કોઈ વખતે જોવા મળે છે. આવા કિસ્સામાં પુણ્ય બધું જ ભેગું કરી આપતું હોય છે. મહેનત લગભગ નથી હોતી. તમારી પાસે એવું પુણ્ય નથી કે તૈયાર થાળીએ પૈસા પીરસાયા કરે. પૈસા બનાવવા કમર કસવી પડે છે તેવું ઘણી
બાબતોમાં બને છે. તમારી સમક્ષ ધર્મ કરવાને અનુકૂળ સંયોગો છે. તમારું પુણ્ય તમને ધર્મ કરવાની અનુકૂળતા આપી રહ્યું છે. તમારે તમારાં પુણ્યને અનુસરીને મહેનત કરવી જોઈએ. પુણ્ય સાથ આપે છે ત્યારે થોડી મહેનત ઘણી સિદ્ધિ મળતી હોય છે. તમને ખબર છે ? દરેક પુણ્યની એક સમયમર્યાદા હોય છે. એ દરમ્યાન તમે એ પુણ્યનો શક્ય એટલો સારો ઉપયોગ કરી શકો છો. એકવાર એની સમયમર્યાદા પૂરી થઈ ગઈ પછી તમે માથું પછાડો તો પણ તમારા હાથે ધાર્યા કામો થઈ શકતા નથી. આજે તમે અનુકૂળ પુણ્યનો સદુપયોગ નથી કરતા તો તમે સમયને ખોઈ રહ્યા છો. કાલે આ પુણ્ય પીછેહઠ કરશે તો તમે એકલા થઈ જશો. પછી તમે પસ્તાશો. સુખના દિવસો કાયમી રહેતા હશે. ધર્મના દિવસોને કાયમી બનાવવા પડે છે. ધર્મ પ્રેરણા અને પુરુષાર્થથી સાધ્ય બને છે. ધર્મને ભૂલી જનારો નવાં પુણ્યની શકયતાને ગુમાવે છે અને આગળના દિવસોમાં દુ:ખો માટે મોકળું મેદાન તૈયાર કરે છે. દર્શન કરીને સંતોષ માની લેનારો, પૂજા કરતો નથી. પૂજા કરીને સંતોષ માની લેનારો, વ્યાખ્યાન સાંભળતો નથી. વ્યાખ્યાન સાંભળીને સંતોષ માની લેનારો, સામાયિક અને પ્રતિક્રમણ ચૂકે છે. તમે જે ધર્મ નથી કરતા તે ધર્મ કરવાની અનુકૂળતાનો અભાવ છે કે તે ધર્મ કરવાના પુરુષાર્થનો અભાવ છે તે તમે શોધો. તમારી પાસે આજે વિચારવાનો સમય છે. પુણ્ય સાથે છે. તમે પુણ્યનો ઉપયોગ કરતા નથી. કાલે એવું બનશે, તમારી પાસે ધર્મ કરવાની સદ્દબુદ્ધિ હશે પરંતુ તમારું પુણ્ય પરવારી ગયું હશે. ત્યારે પસ્તાવો કરવાનો કોઈ જ અર્થ નહીં હોય. ભવિષ્યને ઉજાળવાનો એક જ રસ્તો છે : વર્તમાન પુણ્યનો સારામાં સારો ઉપયોગ કરી લો.
- ૬૫ -