________________
૨૮
સમાધિમરણ
મુમુક્ષુ પ્રત્યે સાચા વાત્સલ્યભાવથી તીર્થંકરગોત્ર બાંધે
“જ્ઞાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે? તે જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલા કરતા પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ-(સાધર્મી વાત્સલ્ય) તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે, એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું એમ રાખવું. પહેલી દૃષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ ‘અદ્વેષભાવ’ આવે છે.
દ્વેષ નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.”
બધાનું ભલું થાઓ એવી જેની ઇચ્છા હોય તેનું કલ્યાણ થાય. દ્વેષ છે તે કલ્યાણનો નાશ કરનાર છે. કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર દ્વેષ ન કરવો, એટલું શીખી લે તો બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રીભાવ છે.’’ -બોધામૃત-૧ (પૃ.૬૯૨)