________________
૧૫૧
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૫૧ તું દેહ, સ્ત્રી, સાધ્વી, ચેલી નથી; તું તો શુદ્ધ ચૈતન્યમય આત્મા છું
તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તે વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી, તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; તું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય આત્મા છે. તારા આ કપડાં નથી, તારાં આ પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી છે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં, કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવાં કર્મ બંધાય નહીં, અને જૂના બાંધેલા કર્મ છુટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ?” એક આત્મા સિવાય મારું કાંઈ નથી, આટલી પકડ રાખીશ તો તારું કામ થઈ જશે
“જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાસ્ય સાંભળ્યું, “આત્મસિદ્ધિ’ સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિમરણ થશે.”