________________
સમાધિમરણ
તે બધાંની જોડે ભજન કરવા બેસે, પણ ચિત્ત એકાગ્ર થાય નહિ. તે સાચાબોલો હતો. મનનો સરળ હતો, ભદ્રિક હતો, આવા સાચા બોલાને જ સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે, બીજા ફાંફા મારે છે. તેથી મુનીમે મંડળીના આગેવાનને કહ્યું : ‘મારું ચિત્ત ભજનમાં લાગતું નથી.' ત્યારે મંડળીનો આગેવાન બોલ્યો : ‘તમારા હૃદયમાં પાપ હશે, નહિ તો એવું બને નહીં. ત્યારે મુનીમ બોલ્યો : ‘હા, મેં મારા શેઠના બે હજાર રૂપિયા ચોરીને લીધા છે. તે કોઈ જાણતું નથી; પણ આજે હું તે પાછા મૂકી દઈશ.’ થોડા દિવસ પછી તે બોલ્યો : ‘હવે ભજનમાં થોડું થોડું ચિત્ત લાગે છે, પણ બરોબર લાગતું નથી, ત્યારે આગેવાને કહ્યું : ‘તમે તે પાપની માફી નહિ માગી હોય.’ તે બોલ્યો : ‘હું માફી કેવી રીતે માગું? હું તો શેઠને ત્યાં શાહુકાર ગણાઉં, તેથી મેં તે રૂપિયા છાનામાના પાછા મૂકી દીધા છે. આ બધું જાણે તો મારી કિંમત કોડીની થાય.' ત્યારે આગેવાન બોલ્યો : ‘મારા વહાલા, લૌકિક આબરૂ માટે હૃદયમાં પાપરૂપી સાપ સંઘરી રાખીશ નહિ. ચાલ, હું તારી સાથે આવું.’ તે બંને શેઠ પાસે ગયા.
૨૧૮
પેલાએ માફી માગી. શેઠ તો આ હકીકત સાંભળી આશ્ચર્ય પામી ગયો, પણ મુનીમની સચ્ચાઈથી પ્રસન્ન થઈ તેને ભેટી પડ્યો અને તેને ખરા દિલથી માફી આપી અને મુનીમ ઉપર પહેલા કરતાં વિશેષ વિશ્વાસ દૃઢ થયો.
તેમ સમાધિમરણ કરનારે પણ મનમાંથી બધા શલ્યો કાઢી નાખી જેને દુઃખી કર્યા હોય તેને સંતોષ પમાડે અને પોતાના દોષોની નિંદા કરે તો જરૂર મરણ સુધારી કલ્યાણ કરે.’
(શ્રી સુબોધ કથાસાગરમાંથી)