________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૪૭ વ્યવહારમાં સર્વ મોહભાવને મૂકી દઈ એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના જ ધ્યાનમાં રહેવું
“સર્વ જ્ઞાનીપુરુષો આ જ રસ્તે તર્યા છે. અને આપણે તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય અથવા તો તેમનો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહીં એવા ભાવથી વર્તવું જોઈએ. કોઈ વ્યાવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું. અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું.
આવા દેહો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાન્તિપણે પરને પોતાનું માની, સંયોગ ભાવમાં તન્મય થઈ, મેં અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે એમ જાણી, સર્વ અન્ય ભાવથી રહિત આત્મસ્વરૂપ છે, એમ ચિંતવન કરવું. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સર્વ અન્ય ભાવનો જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષી છે. કોઈ કાળે પર દ્રવ્ય પોતાનાં થયાં નથી. ભ્રાન્તિપણે મેં પોતાના માન્યાં હતાં. હવે સદ્ગુરુના આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પર દ્રવ્યથી જુદું એવું અનંતજ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપ છે એમ અનંત ચતુટ્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહિ, કે અન્ય સંકલ્પ-વિકલ્પ કરવા નહીં. અને સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત જ તેને શમાવી દેવા. અને ઉપર જણાવેલા સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં પડી જવું.”
સ્ત્રીપુત્રમાં તીવ્ર રાગ કરી અનંત સંસાર વધાર્યો માટે હવે તે મોહ મૂકવો
“સંસાર ભ્રાન્તિસ્વરૂપ છે. ઝાંઝવાના નીરની પેઠે દેખાવ માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે જે જે દેહ ધારણ કર્યા તે સર્વ દેહમાં એણે તદાકાર થઈ અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે. પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહીં.
અનાદિકાળનો આ જીવ કર્મવશાત્ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાના કરેલાં કર્મનું ફળ પોતે એકલો ભોગવવાનો છે. છતાં અન્ય સંયોગોમાં એટલે સ્ત્રી પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે, અને ભવિષ્યમાં ભોગવવાં પડે એવાં માઠા કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યા છે. હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી. અનિત્યાદિક બાર ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. જો પોતાથી વાંચી શકાય તો ઠીક, નહીં તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કશાયમાં વૃત્તિ ન મૂતાં મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો. અને વૃત્તિને મંત્રમાં-જાપમાં ઠરાવી, સર્વે વાત ભૂલી જઈ સર્વે સ્વપ્નવત જાણી તે મંત્રમાં જ નિરંતર રહેવું.
સર્વ જીવો બોધ બીજને પામે એ જ આશિષ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૭૨])