________________
પુણ્યાનુબંધિ પુણ્ય આપણા મિથ્યાત્વની મંદતા કરવાનું કામ કરે છે. જેમ સરળ સ્વભાવથો. આત્મામાં ચઢતી થતી જાય તેમ તેમ મિથ્યાત્વની મંદતા વધતી જાય. તેના પ્રતાપે પુણ્યાનુબંધિ પુણ્યની પ્રાપ્તિ તેનાથી આત્મિક ગુણના દર્શનની આંશિક પ્રાપ્તિ આજ વસ્તુને શુધ્ધ યથાપ્રવૃત્તકરણ કહેલ છે. આવા સુખની સંપૂર્ણ અનુભૂતિ સિધ્ધ પરમાત્માઓના આત્માઓ અત્યારે માણી રહ્યા છે.
શાતા વેદનીય સુખ પરપદાર્થોના સંયોગથી લાગે છે. પરપદાર્થોના સંયોગથી જે શાતા વેદનીય રૂપે સુખની અનુભૂતિ થાય છે તેના કરતાં પણ આત્માના ગુણના દર્શનની આંશિક અનુભૂતિનો આલ્હાદ અનંત ગુણા સુખનો આનંદ આપે છે, અર્થાત્ પેદા કરે છે. આ કારણોથી વિચારણા કરતાં સુખ આપતાં પદાર્થોમાં આપણા રાગની મંદતા થવી જ જોઇએ.
પુણ્યના બેંતાલીશ ભેદ. પરસ્પદાર્થોના આનંદથી સુખ થાય છે. આનાથી ચઢીયાતું બીજું સુખ દુનિયામાં જરૂર છે એમ વિચાર કરીએ છીએ ખરા ? બેંતાલીશ ભેદોનું, પદાર્થના સંયોગ વગરનું સુખ એજ વાસ્તવિક સુખ છે. એવોય વિચાર કરીએ છીએ ખરા ? વાસ્તવિક સુખ પોતાના આત્મામાં જ રહેલું છે.
આપણું મિથ્યાત્વ પેસા વગેરે પર પદાર્થોના સંયોગથી હાશકારો પેદા કરાવે છે તેનો વિયોગ થતાં દુ:ખ પણ એજ કરાવે છે માટે તે પૈસા આદિ વાસ્તવિક રીતે સુખની ચીજ નથી એમ લાગે છે ?
શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિ હોવા છતાં તે હંમેશા સુખની અનુભૂતિ જ કરાવે એવો નિયમ નહિ.
ચાર ડીગ્રી તાવ હોય અને એ.સી. માં બેઠા હોઇએ તો પણ એ શાતાની સામગ્રીમાં જીવને દુ:ખ લાગ્યા કરે છે. એટલે બધાને સુખની અનુભૂતિ થાય એવો નિયમ નહિ ને ? તો પછી જે પદાર્થ થોડા સમય માટે સુખ આપે તેને સુખ આપનાર કહેવાય ખરૂં ? માટે જ જગતમાં કાયમ સુખ આપનાર, એનાથી ચઢીયાતો પદાર્થ જગતમાં જરૂર હોવો જોઇએ એમ માનવામાં આવે ખરું ને ?
શાતા વેદનીયનો રસ દરેકે બાંધેલો એક સરખો હોતો નથી, કોઇને મધ્યમ રસ, કોઇને જઘન્ય રસ, કોઇને તીવ્ર રસે ઉદયમાં હોય છે. પુણ્ય પ્રકૃતિ તો ભગવતાં આવડે એનું જ કામ. ગમે તેવી ઇન્દ્ર મહારાજાની સામગ્રી મુકો તો પણ સમકીતી જીવ ભોગવતાં ભોગવતાં પણ પુણ્યાનુબંધિ પુણ્યજ બાંધતો જાય છે. કારણ કે એ આત્માઓને શાતા વેદનીયના સુખ કરતાં આત્માનું સુખ જરૂર ચઢીયાતું છે એવો વિશ્વાસ હોય છે.
પર પદાર્થનું સુખ વાસ્તવિક સુખ નથી એ વિચારથી જ શાતા વેદનીયના સુખને ભોગવતાં આવડશે. વાસ્તવિક સુખ પર પદાર્થોમાં નથી જ એટલી માન્યતા પેદા થઇ એટલે આત્મિક સુખને પેદા કરવાની શરૂઆત થઇ ગઇ કહેવાય.
પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળો ભોગવશે પણ જે મળ્યું હોય તેથી અધિક મેળવવાની ઇચ્છા વગર ભોગવે છે માટે તેને સાચું સુખ મળે છે જ્યારે આપણે તેનાથી વિરુધ્ધ વિચારીને દુ:ખી છીએ.
ચઢીયાતા સુખની માન્યતા પ્રબળ થાય તો રાગ ઉડી જાય. સિધ્ધના સુખની અપેક્ષાએ આપણા સુખમાં કાંઇ જ તાકાત નથી. પૈસો મેળવવો એ પાપ તેમાં જેટલી નીતિ પાળવી એટલોજ ધર્મ કહેવાય.
શાતા વેદનીયના ઉદય એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત હોય છે. એટલે જગતમાં રહેલા દરેક જીવોને એક અંતર્મુહૂર્ત શાતાનો ઉધ્ય હોય પછી એક અંતર્મુહુર્ત અશાતાનો ઉદય હોય, પુણ્યથી મળેલી સામગ્રી જીવને સુખ અને આહલાદ પેદા કરાવે તેને શાતા વેદનીય કહે છે.
નરકમાં રહેલા જીવોને પણ શાતાવેદનીય અને અશાતા વેદનીયનો ઉદય ચાલુ જ છે. પરાવર્તમાના રૂપે હોય છે. ઘણાં દુ:ખમાં કાંઇક ન્યૂનતા થાય એટલે હાશ ! દુ:ખ ઓછું થયું એમ લાગે તે શાતા કહેવાય છે. જેમકે ૧૦૫ ડીગ્રી તાવ છે તે અશાતા વેદનીય છે અને ૧૦૨ ડીગ્રી થાય તોય તાવતો છેજ પણ ૧૦૫ ડીગ્રીની અપેક્ષાએ ૧૦૨ ડીગ્રી ઓછી હોવાથી હાશ થાય છે. સારું છે એમ થાય છે એ શાતા વેદનીય કહેવાય છે.
Page 28 of 64