________________
જ સાધારણ રૂપે જ ઉત્પન્ન થાય એવો નિયમ નથી. કેટલાક જીવો પૃથ્વીકાય રૂપે, કેટલાક અકાય રૂપે, કેટલાક તેઉકાય રૂપે, કેટલાક વાયુકાય રૂપે, કેટલાક પ્રત્યેક વનસ્પતિકાય રૂપે, કેટલાક બેઇન્દ્રિય રૂપે, કેટલાક તેઇન્દ્રિયરૂપે, કેટલાક ચઉરીન્દ્રિય રૂપે, કેટલાક અસન્ની પંચેન્દ્રિય તિર્યંચરૂપે, કેટલાક અસન્ની પંચેન્દ્રિય મનુષ્યરૂપે, કેટલાક સન્ની તિર્યંચરૂપે, કેટલાક સન્ની મનુષ્યરૂપે અને અનંતા સાધારણ વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થયા કરે છે. પોત પોતાના બાંધેલા કર્મના ઉદયથી ચૌદ રાજલોકમાંથી કોઇ પણ ક્ષેત્રમાં જઇ શકે છે. માટે ચૌદે રાજલોકને વિષે દોડાદોડ જીવોની આ રીતે ચાલુ જ છે. આ બધા પદાર્થોનું ચિંતન કરતાં કરતાં સાથે પોતાના આત્માનું પણ ચિંતન કર્યા કરવું એ લોક સ્વરૂપ ભાવના રૂપે કહેવાય છે. સંસારની કેટલીક પ્રવૃત્તિ એવી છે કે પોતે કરે તોજ ઠેકાણું પડે, એવી જ રીતે કર્મનું પણ છે. જેવા રસે કર્મ બાંધ્યું હોય એ ભોગવવું જ પડે માટે નવું કર્મ વિશેષ રસે બંધાય નહિ તેની કાળજી રાખીને જીવવાનું છે. પ્રત્યેક નામકર્મ રૂપે જે શરીર મળ્યું છે તેનું મમત્વ જેટલું કરીએ તેટલું તેનાથી પ્રતિપક્ષી સાધારણ નામકર્મ બંધાતું જાય છે. મરીને કદાચ સાધારણમાં પણ ઉત્પન્ન થવું પડે માટે શરીરનું મમત્વ છોડ્યા વગર ચાલે એમ નથી.
પ્રત્યેક વનસ્પતિનો ઉપયોગ કરતાં જો તે ભાવતી હોય તો પણ વિચારવું જોઇએ કે તેમાં વાયુકાય-અગ્નિકાયની હિંસા થાય પછી જ અચિત્ત થઇ શકે છે માટે તે હિંસાનું પાપ પણ લાગ્યા કરે છે ને ? માટે તે ખાવામાં દુઃખ જોઇએ કે આનંદ જોઇએ ? જો ભાવતી ખાવામાં આનંદ આવે તો મરીને કદાચ તેમાં પણ ઉત્પન્ન થવું પડે. વિધિ તો ઉપવાસ કરીને જીવવાની છે. પણ ચાલતું નથી, ભૂખ્યા નથી રહિ શકાતું. અસમાધિ થાય છે માટે ખાવું પડે છે. માટે ખાવાનું છે. પણ એમાં ટેસ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું નથી. એટલે ટેસ કરવાનો નથી.
બંધક મુનિના જીવે પૂર્વભવમાં કોઠીમડાની છાલ, રેસા વગરની ઉતારી બધાને બતાવી. બધાએ વખાણ કર્યા એટલે એમને એમાં આનંદ આવ્યો કે મેં કેવી સરસ છાલ ઉતારી, કોઇ ઉતારી તો બતાવે ? મને જેવી સરસ રીતે ઉતારતાં આવડે એવી કોઇને ન આવડે ! બસ આવા વિચારોની સ્થિરતાથી ખાધા વગર બીજા મનુષ્યભવમાં જીવતાં ચામડી ઉતરે એવું કર્મ જોરદાર રસે બાંધ્યું અને એ ચામડી જીવતા ઉતરીને ? પણ પોતે સાવધ હતા, શરીરનું મમત્વ હતું નહિ. શરીર પ્રત્યે રાગ હતો નહિ માટે ચામડી ઉતારનારાઓને કહ્યું કે જો જો મારૂં શરીર તપ કરીને લોહી, માંસ સુકાઇ ગયેલા છે માટે હાડકાં અને ચામડી એકમેક થઇ ગયેલી છે માટે તમને દુઃખ ન પડે એ રીતે કહો તેમ ઉભો રહું. આ ક્યારે બને ? માટે જ્ઞાનીઓ કહે છે કે સાવચેતી ન રાખીએ તો મેળવેલું જ્ઞાન પણ પરિણામ પામે નહિ. આપણા એક શરીરને રાગના પરિણામથી અને મમત્વ બુધ્ધિથી સાચવવા કેટલા જીવોની હિંસા આપણે રોજ કરીએ છીએ ? મોહરાજા તો તૈયાર જ બેઠેલા છે. તું તારે જે ધર્મ ક્રિયાઓ કરવી હોય તે કર. મને સાચવી લે જે મારી સામે લાલ આંખ કરીશ નહિ. ભગવાનના સમવસરણમાં પણ મોહરાજા ભગવાનને ખુદ કહે છે કે અહીં જે લોકો બેઠેલા છે તેમાં મોટો ભાગ મારો છે. મારી આજ્ઞાને પાળનારો છે માટે ધર્મમાં પ્રવેશ કરવો કઠણ છે. જ્ઞાનીઓ કહે છે એકવાર પ્રવેશ થઇ ગયા પછી ધર્મ કરવો બહુ સહેલો છે. હંમેશા દરેક કાર્યની શરૂઆત કઠણ હોય છે. શરૂઆત કર્યા પછી કાંઇ કઠણ નથી. જે ચીજને વખોડો તેનાથી પણ તે ચીજ જલ્દી ન મલે એવું કર્મ બંધાય. એવી જ રીતે જે ચીજને વખાણો તેનાથી તે ચીજ ભવાંતરમાં દુર્લભ બનતી જાય છે. માટે વખોડવાનો કે વખાણવાનો સ્વભાવ આપણો નથી ને ? અજ્ઞાની હોય તે વખોડે કે વખાણે ! પણ ધર્મી હોય તે તો આવું કરે નહિ ને ?
સ્થિર નામ
જે શરીરને વિષે હાડકા વગેરેની જે સ્થિરતા પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ કહેવાય છે. દાંત, હાથ,
Page 57 of 64