________________
પૂતળાં જેવા ખડા રહી વિમાસી રહ્યા. શું કરવું શું ન કરવું ?
મંદિરોમાં આરતીઓ હાથમાં ને હાથમાં થંભી ગઈ. પૂજારીઓની પ્રાર્થનામાંથી જાણે પ્રાણ ચાલ્યો ગયો. અરે, નહિ તો આમ હોય ? ગાનારીઓના પગમાંથી ઘુંઘરુ આપોઆપ છૂટી ગયાં. હવે ઘુંઘરું શા કાજે ? ન જાણે આવતીકાલ કેવી દુષમ ઊગશે? ઘોળાતા આસવનાં સુવર્ણપાત્રો એમ ને એમ પડી રહ્યાં, ને બધાં જ રાજમાર્ગ પર દોડી આવ્યાં.
રાજમાર્ગ પર ઠઠ જામી ગઈ, પણ અજબ જેવી વાત એ બની હતી કે, સહુને કંઈક કહેવાનું હતું અને કોઈ કંઈ કહી શકતું ન હતું. સહુને કંઈક કરવું હતું ને કોઈ કંઈ કરી શકતું ન હતું. મથુરાની પ્રજાને જાણે તન અને મનને પક્ષાઘાત લાગુ પડી ગયો હતો.
જીભ હતી પણ ધાર્યું બોલાતું નહીં !
હાથ હતા, પણ ધાર્યું કરી શકાતું નહીં !
પગ હતા, પણ ધાર્યું ચાલી શકાતું નહીં !
એ નિઃશબ્દ ઠઠને ચીરનું એક સુખાસન પાછળથી ધસી આવતું જણાયું. આગલ ચાર અશ્વારોહીઓ ઉઘાડી તલવારો વીંઝતા ચાલતા હતા, પાછળ ચાર સૈનિકો ચાબુક વીંઝતા ચાલતા હતા, અને નેકીદારો નૈકી પોકારતા દોડતા હતા : યુગયુગ જીવો મહારાણી જીવયશા !
પાલખીની આગળ પાછળ કે બંને બાજુ કોઈને માટે ઊભા રહેવું સલામત નહોતું !
માર ખાતી, પાછળ હઠતી, કચડાતી ને વળી આગળ આવવા પ્રયત્ન કરતી પ્રજાએ સુખપાલ જોઈ જોરથી ચિત્કાર કર્યો :
‘મથુરાપતિ કંસદેવનો જય હો !!
પણ એ જયકારના જવાબમાં જાણે ચાબુક કે તલવારના તીખા વાર આવ્યા! હકડેઠઠ થયેલી ને સ્વામીભક્તિ દર્શાવતી પ્રજા માર્ગ ખુલ્લો કરતી એકદમ પાછળ હઠી ગઈ. આમ કરવા જતાં પાછળ ઊભેલા આગળ ઊભેલાના પગમાં આવી ગયા.
અંદરોઅંદર યુદ્ધ જેવું આરંભાઈ ગયું. પ્રજાની આ ખાસિયત છે. જુલમગારને જુલમ કરતી રોકી શકતી નથી, ત્યારે અંદરોઅંદર એકબીજા પર જુલમ ગુજારે છે. સબળો નબળાને પીડે છે.
કેટલાક લોકો બહાર હતા. માર ખાવા છતાં સાચી સ્થિતિનો તાગ મેળવવા તેઓ આગળ ધસી આવ્યા. તેઓ માનતા હતા, સુખપાલમાં મહારાજ કંસદેવ હોવા જોઈએ, પણ એમાં કંસદેવ નહોતા. મથુરાપતિ કંસદેવની મહારાણી જીવયશા એમાં 2 D પ્રેમાવતાર
બિરાજેલાં હતાં !
યૌવનમૂર્તિ રાણી જીવયશાનો કંસદેવનાં પત્ની કે મથુરાનાં મહારાણી તરીકેનો પરિચય પૂરતો નહોતો. એમનો સાચો પરિચય તો એ હતો કે તેઓ ભારતના ચક્રવર્તીપદ માટે સતત યત્ન કરી રહેલા મહાસમર્થ મગધપતિ જરાસંધનાં લાડઘેલાં પુત્રી હતાં ! કંસદેવની એમની પાસે કોઈ બિસાત નહોતી! બાહ્ય રીતે કંસદેવ મથુરાના સિંહાસને ભલે બેસે, પણ ખરી રીતે રાણી જીવયશાના ચરણર્કિકર થવા સિવાય એમનું વિશેષ સ્થાન કે ગૌરવ નહોતું.
અલબત્ત, ભારતવર્ષના રાજાઓમાં કંસદેવ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવતા, પણ એ બધો પ્રતાપ રાણી જીવયશાનો હતો, અથવા એમ કહીએ કે એ પ્રતાપ રાણી જીવયશાના પ્રબળ પ્રતાપી પિતા મહારાજ જરાસંધ અને તેમની અવિજેય સેનાને આભારી હતો. કંસદેવ સૂર્યના ઉછીના આપ્યા તેજે ચમકતા ચંદ્રદેવ જેવો હતો !
જીવયશા પિતૃપૂજક હતી, પતિપૂજક નહિ ! અને પોતાનો આ મિજાજ એ વારંવાર પ્રગટ કરતી. આજે જ જ્યારે કંસદેવે મલ્લસભા યોજી હતી, ત્યારે પોતે એ જ ટાણે કવિસભા યોજી હતી; ને કવિઓને વિષય આપ્યો હતો, પોતાનાં અંગોનાં રૂપર્યાવનની કવિતાનો !
દરેક કવિએ રાણીનાં મદભર્યાં, લાવણ્યભર્યાં સુડોળ અંગો પર કવિત્વ કરવાનું હતું; એ કવિત્વ દ્વારા રાણીના માનભૂખ્યા વિલાસપ્રેમી હૈયાને બહેલાવવાનું હતું; સાથે શરત એ હતી કે કોઈ કવિજને મર્યાદા છાંડવાની નહોતી !
જે કવિ પર મહારાણી પ્રસન્ન થાય એનો બેડો પાર થવાનો હતો; ને જેના પર અપ્રસન્ન થાય તેના માટે લોહકાષ્ઠ પિંજર તૈયાર હતાં. જેના પર ભાગ્યદેવી પ્રસન્ન કે અપ્રસન્ન બેમાંથી કંઈ જ ન થાય, ફક્ત તે જ મથુરામાંથી સહીસલામત બહાર નીકળી શકવાના હતા.
ઘણી વાર ભય પ્રીતનું કારણ બને છે. કવિઓમાં કવિતાપ્રીતિ જાગી ઊઠી હતી; ને તેઓએ મહારાણી જીવયશાનાં એકેએક અંગને બિરદાવ્યું હતું ! અંગપ્રશસ્તિકાવ્યના બે વિભાગ પાડ્યા હતા : એક ઉત્તરદેહ અંગપ્રશસ્તિકાવ્ય, બીજું અધોભાગ દેહપ્રશસ્તિકાવ્ય. ઉત્તરદેહ ભાગનાં અંગો પરનાં કાવ્ય પૂરાં થયાં હતાં. ને રત્નખાણ, હેમકુક્ષી કહીને કવિઓએ અધોભાગનાં વર્ણન હજી શરૂ જ કર્યાં કે રાજદૂત દોડતો આવ્યો !
રાજદૂતે જે વર્તમાન ધીરેથી આપ્યા, એનાથી રાણી જીવયશા, જાણે પોતે ભૂલથી અગનપથારી પર આસન લઈ લીધું હોય તેમ, સફાળાં બેઠાં થઈ ગયાં ! ઉક્તિઓ, ઉપમાઓ, વક્રોક્તિઓ, અલંકારો બધાં એકદમ થંભી ગયાં ! મથુરાની મહારાણી D 3