Book Title: Prabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન પંડિત શ્રી વીરવિજયજી-રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં રમણલાલ ચી. શાહ પંડિત કવિ વીરવિજયજી મહારાજે વિક્રમના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં વિવિધ પ્રકારની પૂજાઓની મનોહર રચનાઓ કરી છે. તેઓ શાસ્ત્રજ્ઞ હતા, કવિ હતા અને સંગીતના સારા જાણકાર હતા. સ૨ળ અને સુગેય ભાષામાં હ્રદયમાં વસી જાય અને વારંવાર ગુંજ્યા કરે એવી પંક્તિઓમાં લખાયેલી એમની પૂજાઓ એટલી બધી પ્રેરક અને પ્રોત્સાહક બની ગઇ છે કે એક સૈકા કરતાં વધુ સમયથી તેજિન મંદિરોમાં અને અન્યત્ર નિયમિત ભણાવાતી આવી છે . એમણે લખેલી સ્નાત્રપૂજા તો અનેક જિન મંદિરોમાં રોજ સવારે ભણાવાય છે. પૂજાઓની ઢાળની રચનાના વિષયમાં સિદ્ધહસ્ત બનેલા કવિ વીરવિજયજી માટે રાસના પ્રકારની રચના કરવી એ કોઇ કઠિન વાત નથી. એમણે રાસની રચના પણ કરી છે, પરંતુ રચનાઓના સર્જન પાછળ એમનો મુખ્ય ભાવ તે પ્રભુભક્તિનો રહ્યો છે. બુલંદ કંઠે સમૂહમાં ગાઇ શકાય એવી એમની ઢાળોમાં ઉલ્લાસ અને ઉત્સાહનું લક્ષણ તરત વરતાઇ આવે છે. શ્રી વીરવિજયજી મહારાજે ‘ઢાળિયા’ના પ્રકારની રચનાઓ પણ કરી છે. આવી પાંચ રચનાઓ મળે છે. (૧) શ્રી ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાં, (૨) ભાયખલાનાં ઢાળિયાં, (૩) શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં, (૪) શેઠ પ્રેમાભાઇ હેમાભાઇએ કાઢેલા સંઘનાં ઢાળિયાં અને (૫) શત્રુંજય ઉપર શેઠ મોતીશાહે કુંતાસ૨નો ખાડો પુરાવી બાંધેલી ટુંકની પ્રતિષ્ઠાના મહોત્સવનાં ઢાળિયાં. આમ ઢાળિયાંના પ્રકારની પાંચ કૃતિઓમાં શ્રી વીરવિજયજી મહારાજે બે કૃતિની રચના શેઠ મોતીશાહના ધાર્મિક જીવનપ્રસંગોને વર્ણવવા કરીછે. કોઇપણ કવિ માટે સમકાલીન ઘટનાઓ વિશે સર્જન કરવાનું એટલું સરળ નથી, કારણ કે એમાં તાટસ્થ્ય જાળવવાનું અઘરું છે. શ્રી વીર વિજયજી મહારાજે એ જાળવ્યું છે એટલું જ નહિ એ ઘટનાઓને કવિતાનું રૂપ પણ આપ્યું છે. શ્રી વીરવિજયજીના કાળમાં ગૃહસ્થોમાં શ્રેષ્ઠ અને અદ્વિતીય કહી શકાય એવી વ્યક્તિ તે શેઠ મોતીશાહ હતા. શેઠ મોતીશાહનું જીવન તો એક સ્વતંત્ર રાસકૃતિ લખાય અથવા વર્તમાન સમયમાં કોઇ નવલકથા લખાય કે ચલચિત્ર ઉતારાય એટલું ઘટનાસભર અને પ્રેરક છે. ચોપન વર્ષની ઉંમરે પોતાની જીવનલીલા પૂરી કરનાર શેઠ મોતીશાહ એટલે શેઠ મોતીચંદ અમીચંદના મધમધતા જીવનમાંથી પ્રભુભક્તિના બે અવસરો વિશે શ્રી વીરવિજયજી મહારાજે બે જુદા જુદા ઢાળિયાંની રચના કરી છે : (૧) ભાયખલાનાં ઢાળિયા અને (૨) કુંતાસરની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં. આમાંની પહેલી રચના શેઠ મોતીશાહની હયાતીમાં થઇ હતી ને બીજી રચના એમના સ્વર્ગવાસ પછી થઇ હતી. કે આ બંને રચનાઓ વિશે વિગતે જોઇએ. ભાયખલાંનાં ઢાળિયાંની રચના વિ. સં. ૧૮૮૮માં થઇ હતી. કવિએ પોતે જ કૃતિના અંતભાગમાં, છેલ્લી ઢાળમાં નિર્દેશ કરતાં લખ્યું છેઃ વસુ નાગ, વસુ શશિ વરસેજી, આસાઢી પૂનમ દિવસેજી; મેં રચીયો ગુણ દીવોજી, શેઠ મોતીશાહ ચિરંજીવો જી. તા. ૧૬-૧-૯૬ કુંતાસ૨ના ઢાળિયામાં એની રચના સાલનો નિર્દેશ નથી, પરંતુ પ્રતિષ્ઠાનો મહોત્સવ પતી ગયા પછીની એ રચના છે એ તો સ્પષ્ટ જ છે, કારણ કે પ્રતિષ્ઠા મહોત્સવનું પૂરું વર્ણન એમાં છે અને શેઠ મોતીશાહના સુપુત્ર સંઘપતિ શેઠશ્રી ખીમચંદભાઇ મુંબઇ પાછા ફર્યા તેનો પણ નીચે પ્રમાણે નિર્દેશ કવિએ તેમાં કર્યો છેઃ તાલધજાદિક તીરથે, મનમોહનજી, વંદી વળિયા નિજ ઘેર. ભાયખલાનાં ઢાળિયાંની જે એક હસ્તપ્રત મળે છે તે પંડિત વીર વિજયજીના સમુદાયના પંડિત જ્ઞાનવિજયજી મહારાજે દમણના બંદરમાં ચાતુર્માસ દરમિયાન સં. ૧૮૯૨માં લખીને તૈયા૨ કરેલી છે અને તે પાદરાના ભંડારની છે. તેમાં કૃતિનું નામ ‘શ્રી મમાઇ બંદરે ભાયખલાનાં ઋષભ ચૈત્ય સ્તવન ઢાળિયાં' એવું એમણે નોંધેલું છે. આ રચના સાત ઢાળમાં કરવામાં આવી છે. એક રીતે જોતાં તો આ ઢાળિયાંના પ્રકારની કૃતિ તે લઘુરાસકૃતિના પ્રકારની જ રચના ગણાય. રાસમાં ઢાળ અને દૂહાની પંક્તિઓ વારાફરતી આવે છે. તેને બદલે આમાં ફક્ત ઢાળ આપવામાં આવી છે. રાસમાં સામાન્ય રીતે આખ્યાનની જેમ ‘પૂર્વ વૃતોક્તિ' હોય છે. પરંતુ આ ઢાળિયામાં કવિના વર્તમાન સમયની સુપરિચિત ઘટનાનું વર્ણન છે. રાસમાં કથાનક મોટું હોય છે. ઢાળિયામાં પાંચ સાત ઢાળમાં પૂરી થાય એવી નાની મહત્ત્વની ઘટનાનું નિરૂપણ હોય છે. શેઠ મોતીશાહના આરંભના જીવનકાળમાં મુંબઇમાં ધર્મક્રિયા માટે વૈષ્ણવો અને પારસીઓ પાસે જેટલી સગવડ હતી તેટલી જૈનો પાસે ન હતી. જૈનોની વસતી મુંબઇમાં ત્યારે પ્રમાણમાં ઓછી હતી. મોતીશાહના ભાઇ નેમચંદે કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. ત્યારપછી કોટ બહાર વસતી થવા માંડી એટલે એમણે તથા મોતીશાહે, બીજાઓના સહકારથી શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથનાં એમ ત્રણ જિન-મંદિર પાયધુની વિસ્તારમાં બંધાવ્યાં. શેઠ મોતીશાહને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી. જ્યારે પોતે મુંબઇથી વહાણમાં ઘોઘા કે મહુવા બંદરે ઊતરે ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલિતાણા જઇને તેઓ શત્રુંજયની યાત્રા કરવા અવશ્ય જતા. પોતાને ધંધામાં સફળતા એને લીધે જ મળે છે, એમ તેઓ શ્રદ્ધાપૂર્વક માનતા. જે દિવસોમાં રેલ્વે કે મોટરકાર હજુ આવી નહોતી. એ જમાનામાં શત્રુંજયની યાત્રા કરવાનું ઘણું કપરું હતું. મુંબઇના લોકોને મુંબઇમાં જ શત્રુંજની તીર્થની યાત્રા જેવો લાભ મળે એ માટે મોતીશાહ શેઠે ભાયખલાની પોતાની વિશાળ વાડીમાં આદિશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને સાથે સાથે સૂરજકુંડ, રાયણ પગલાં વગેરે કરાવી શત્રુંજયની આદીશ્વરની ટુંક જેવી રચના કરાવી હતી. વીરવિજયજી મહારાજે આ ઢાળિયામાં જે કેટલીક વિગત લખી છે તે ન ઉપલબ્ધ હોત તો એ જમાનાની કેટલીક વાતોથી આપણે અજાણ રહ્યા હોત, શેઠ મોતીશાહે ભાયખલાની પોતાની વાડીમાં એક મનોહર બાગ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડથી સ્વયં સંચાલિત મોટો ફુવારો (Fountain) મંગાવી પોતાના બાગમાં તેમણે બેસાડ્યો હતો. એ ફૂવારો જોવા અનેક લોકો આવતા, કારણ કે એ જમાનામાં એ કૌતુકભરી રચના ગણાતી. ભાયખલાના પોતાના બાગમાં દેરાસર કરવા માટે મોતીશાહ શેઠને દેવે સ્વપ્રમાં વીને કહ્યું હતું. ‘આ દેરાસરમાં રાજનગરના ( એટલે કે અમદાવાદના) દેરાસરમાંથી ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી મંગાવી તેની પ્રતિષ્ઠા કરાવો'- એવું દેવે સૂચન કર્યું હતું. કવિ વીર વિજયજી લખે છેઃ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92