________________
વર્ષ : (૫૦) + ૭
અંકઃ ૯-૭
તા. ૧૬-૭-૯૬
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ હ હ
વાર્ષિક લવાજમ રૂા. ૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
બાલહત્યા
થોડાક સમય પહેલાં સ્કોટલેન્ડના એક ગામમાં કોઇ એકલવાયા, જાતીય વિકૃતિ ધરાવનાર, નિષ્ફળતાપીડિત માણસે રોષે ભરાઇને એક શાળાના વ્યાયામ વિભાગમાં જઇને એક સાથે ત્રીસ કરતાં વધુ બાળકોને ગોળીએ વીંધી નાખ્યાં હતાં. બીજાં કેટલાંક બાળકો ઘવાયાં હતાં. બાળકોની આટલી મોટી સામુદાયિક હત્યાએ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહિ, સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો.
આ ઘટનાની તપાસને પરિણામે એમ જણાયું હતું કે જાતીય વિકૃતિ ધરાવનાર, એકલવાયું જીવન જીવનાર એ માણસ કોઇક બહાને શાળામાં જઇ બાળકોને ફોસલાવી એમનો પોતાની જાતીય વાસના સંતોષવા ઉપયોગ કરતો હતો. એ વાત જાણીતી થતાં એને શાળામાં આવતો બંધ ક૨વામાં આવ્યો હતો અને એનો સામાજિક બહિષ્કાર ચાલુ થયો હતો. એનું વેર લેવા એ માણસે અચાનક શાળામાં જઇ પોતાની ગનથી એક સાથે આટલાં બધાં બાળકોનાં શબ ઢાળી દીધાં, આખું ગામ શોકમાં ડૂબી ગયું, કેટલાંયે ઘરોમાં રોકકળ થઈ ગઈ.
માણસ જ્યારે લગ્નજીવનમાં નિષ્ફળ નીવડે છે, વ્યવસાયમાં હતાશ થઈ જાય છે, દેવાદાર બની બની જાય છે, મિત્રો અને પાડોશીઓ સાથે અણબનાવ થાય છે અને એને આશ્વાસન આપનાર કોઈ હોતું નથી તથા પોતાના એકાંત ઘરમાં એકલો એકલો રહે છે ત્યારે વિચારવાયુનો તો તે ભોગ થઈ પડે છે. વખત જતાં જ્યારે તે માનસિક સમતુલા ગુમાવી બેસે છે ત્યારે પોતે કેવું ભયંકર અપકૃત્ય કરી બેસે છે એનું એને પોતાને પણ ભાન રહેતું નથી.
બાલહત્યાની એક જુદા જ પ્રકારની ઘટના અમેરિકામાં કેલિફોર્નિયામાં કેટલાક વખત પહેલાં બની હતી. એક છ વર્ષના
Regd. No. MH. By. / South 54. Licence 37
છોકરાએ પોતાના દોસ્તારના ઘરમાં જઇ એક મહિનાના નવજાત શિશુના માથામાં લાકડી ફટકારી એની ખોપરી તોડી નાખી હતી. નાનાં છોકરાઓ જ્યારે માતા-પિતા વિનાનાં બની જાય છે, દેખરેખ રાખનારું કોઇ હોતું નથી અને જંગલીપણાના સંસ્કાર એવા રખડુ છોકરાઓમાં આવે છે અને જ્યારે તેઓની ટોળકી બંધાય છે ત્યારે અંદર અંદરની અદાવતને કારણે વે૨ વાળવા બાલહત્યાનું અવિચારી પગલું ભરાઇ જાય છે. પોતાના ગુનાની ગંભીરતા કેટલી બધી છે એની એ બાળકોને પોતાને પણ સમજ નથી હોતી.
કેટલાક વખત પહેલાં લંડનમાં એક એવો બનાવ બન્યો હતો કે એક મહિલા એક સ્ટોરમાં ખરીદી કરતી હતી ત્યારે પાછળ પાછળ ચાલતા એના નાના બાળકને ભોળવીને અને ફોસલાવીને બીજો એક સગીર
વયનો છોકરો લઇ ગયો હતો અને પછી એણે એ બાળકને મારી નાંખ્યું હતું. એ છોકરો પકડાયો, અદાલતમાં કેસ ચાલ્યો અને ગુનો પુરવાર થયો. ગુનો એટલો ગંભીર હતો કે છોકરો સગીર વયનો હોવા છતાં અદાલતે એને જન્મટીપની સજા કરી હતી.
છેલ્લા કેટલાક દાયકાથી રિવોલ્વર, ગન વગેરે ધાતક શસ્ત્રો સરળતાથી મળતાં હોવાથી હત્યાનું પ્રમાણ દુનિયાભરમાં વધી ગયું છે. એમાં બાળકોને મારી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ પણ, વિશેષતઃ પાશ્ચાત્ય દેશોમાં ઉત્તરોત્તર વધુ જોર કડતી જાય છે.
બાળકોના અપમૃત્યુમાં ગર્ભહત્યાનો વિષય એક જુદો જ ગંભીર વિષય છે. બાળકોના સામુદાયિક આકસ્મિક મૃત્યુનો વિષય પણ જુદો છે. અહીં તો આપણે બાળકની હત્યા કરવાની ઘટના વિશે વિચારીશું.
બાળકની હેતુપૂર્વકની હત્યા કરવાની ઘટના આદિકાળથી ચાલી આવે છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં એવા કેટલાયે ઉલ્લેખો મળે છે. બાળકની હત્યા કરનાર તરીકે પૌરાણિક ધર્મકથાઓમાં રાજા કંસનું નામ કલંકિત છે. એટલે બાળકની હત્યા કરવાની વૃત્તિને ‘ કંસવૃત્તિ' તરીકે ઓળખાવવી હોય તો ઓળખાવી શકાય. પોતાની બહેનનું સંતાન પોતાનો વધ કરશે એવી આકાશવાણી સાંભળી કેટલાં બધાં બાળકોને મરાવી નાખે છે અને છતાં છેવટે શ્રીકૃષ્ણના હાથે એનો વધ થાય છે અને આકાશવાણી સાચી પડે છે.
તે
પ્રાચીન વખતમાં બે જુદી જુદી આનુવંશિક જાતિઓ વચ્ચે વૈરવૈમનસ્ય રહેતું હોય અને જ્યારે જ્યારે તેમની વચ્ચે અથડામણ થતી ત્યારે એવી ઘટનાઓ પણ બનતી કે જેમાં દુશ્મન જાતિનાં બાળકોને પહેલાં મારી નાખવામાં આવતાં. એથી કેટલીયે નાની નાની ટોળીઓનું આ રીતે વખત જતાં અસ્તિત્વ જ મટી જતું.
ભારતીય આર્ય પરંપરામાં બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યા એ ચાર મોટાં પાતિક મનાયાં છે. સ્ત્રીઓ અને બાળકોમાં શારીરિક પ્રતિકારની શક્તિ ઓછી હોય છે, એમાં નાનાં નિર્દોષ બાળકમાં પ્રતિકાર કેવી રીતે કરી શકાય એટલી પણ સૂઝ હોતી નથી. નાના બાળકની હત્યા કરવા માટે શસ્ત્રની પણ જરૂર ન પડે એટલું કોમળ એનું શરીર હોય છે. માણસે બાથ ભીડવી હોય તો પોતાના સમોવડિયા સાથે ભીડવી જોઇએ. એમાં બહાદુરી છે. પોતાનાથી નબળાને પરાજિત કરવામાં કોઇ બહાદુરી નથી. એટલા માટે જૂના વખતમાં ખૂની, ચોર, ડાકુઓ વગેરે વેર લેવું હોય તો પણ બાળહત્યા તથા સ્ત્રીહત્યા ન કરવાની નૈતિક પ્રણાલિકાને ધર્મરૂપ માનીને સાચવતા.