________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરિણામક્રમ સર્વ આદિ ગુણોમાં નિરંતર થતો રહે છે, ગુણ તો નિત્ય છે, તો પછી એમનામાં પરિણામ કેવી રીતે સંભવ છે? તેનું સમાધાન વ્યાસ-ભાષ્યમાં આ પ્રકારે કર્યું છે - નિત્યતા બે પ્રકારની હોય છે. (૧) કૂટસ્થ નિત્યતા અને (૨) પરિણામી નિત્યતા. આમાં જે કૂટસ્થ નિત્ય હોય છે, તેમાં કોઈપણ પ્રકારનું પરિણામ નથી હોતું. પુરુષ તત્ત્વમાં કૂટસ્થ નિત્યતા જ છે. કેમ કે પુરુષ (ચેતના-શક્તિ) અપરિણામી છે. પરિણામી નિત્યનો અભિપ્રાય એ છે કે તેમાં અવસ્થાન્તર થતું રહે છે, મૂળ તત્ત્વનો નાશ નથી થતો - જેમ કે માટીમાંથી ઘટ આદિ જુદા જુદાં વાસણો બનાવી શકાય છે. એક જ માટીને ફેરફાર કરીને ઘડો વગેરે બનાવી શકાય છે. અથવા સોનાના જુદા જુદા આભૂષણો બનાવી શકાય છે. જુદા જુદા આકાર હોવા છતાં પણ સોનું પોતાના સ્વરૂપને નથી છોડતું. આજ પ્રકારે સત્ત્વ આદિ ગુણ વિભિન્ન વિકૃતિઓમાં પરિવર્તિત થતાં હોવા છતાં પણ પોતાના સ્વરૂપનો પરિત્યાગ ન કરવાથી નિત્ય છે.
હવે બીજો એક પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે નિત્ય ગુણોની સ્થિતિ અને ગતિને અનુરૂપ (સૃષ્ટિ પ્રલયરૂપમાં) સંસારક્રમ ચાલી રહ્યો છે. તે ક્રમની પણ ક્યારેય સમાપ્તિ થાય છે કે નહીં? જો સમાપ્તિ માનવામાં આવે તો એ માન્યતા ખંડિત થઈ જાય છે કે ગુણોના પરિણામની કોઈ અંતિમ સીમા નથી અને જો સમાપ્તિ ન માનવામાં આવે તો પૂર્વ સૂત્રમાં ગુણોના ક્રમની સમાપ્તિ શા માટે કહી છે? તેનો ઉત્તર ભાષ્યકારે એ આપ્યો છે કે આ પ્રશ્ન એકાત્તવચનીય નથી અર્થાત્ એક વારમાં જ હા અથવા ના માં નથી આપી શકાતો કેમ કે સુષ્ટિ-પ્રલયનો ક્રમ પ્રવાહથી દિવસરાતની જેમ અનાદિ છે. માટે ગુણોના ક્રમની સમાપ્તિ કયારેય સંભવ નથી. પરંતુ આ સૂત્રમાં જે પરિણામ-ક્રમની સમાપ્તિ કહી છે, તેનો વિશેષ આશય છે. જે પણ જીવ જન્મ લે છે. તે મૃત્યુને અવશ્ય પ્રાપ્ત થાય છે, અને જે મરશે તે જન્મ પણ અવશ્ય લેશે. પરંતુ આ નિયમમાં એક અપવાદ છે કે જે વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, અને તૃષ્ણાઓ જેની ક્ષીણ (નાશ) થઈ ગઈ છે તે જીવાત્મા મરીને પાછો જન્મ ન લેતાં મોક્ષ આનંદને પ્રાપ્ત કરી લે છે. આ રીતે જ્ઞાનીઓની દષ્ટિથી પૂર્વસૂત્રમાં ગુણોનાક્રમની સમાપ્તિ કરી છે, અજ્ઞાનીઓ માટે નહીં. આ જ વાતને વ્યાસ ભાગ્યમાં એક બીજા દષ્ટાંતથી પણ સમજાવી છે કે મનુષ્યનો જન્મ ઉત્તમ છે કે નહીં? આનો વિભાગ કરીને જ જવાબ આપી શકાય છે, એકાન્તતાથી નહીં. પશુઓની દષ્ટિએ મનુષ્ય જન્મ ઉત્તમ છે. પરંતુ દેવતા અને ઋષિઓની સરખામણીમાં નહીં. આજ પ્રકારે આ સંસાર મુક્ત-આત્માઓની દષ્ટિએ અંતવાળો છે, પરંતુ બીજાની દષ્ટિએ નહીં. નોંધ - (૧) યથાર્થમાં પુરુષમાં ક્રમ નથી હોતો, કેમ કે પુરુષ-તત્ત્વમાં પરિણામ ન હોવાના કારણે ક્રમનું ગ્રહણ સંભવ નથી. (૨) કેમ કે જો સંસારને નિત્ય માનો તો ક્રમ-સમાપ્તિ ન થવી જોઈએ. અને જો અનિત્ય માનો તો ક્રમ-સમાપ્તિ અવશ્ય થવી જોઈએ. હવે સત્ત્વ આદિ ગુણોનો અધિકાર = પરિણામ-ક્રમના સમાપ્ત થતાં મોક્ષ પ્રાપ્તિ કહી છે, તે મોક્ષનું સ્વરૂપ નિશ્ચત કરવામાં આવે છે -
૩૬૨
યોગદર્શન
For Private and Personal Use Only