________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એને નહીં તો આપણે શું કહીશું, કે તું આ છોડી દે, છોડી દે ! એટલે બહુ કહીએ ને ત્યાર પછી શું કહે મનમાં ? મોઢે કહે કે ‘હા, છોડી દઈશ.’ પણ અંદર કહે, ‘હું વધારે કરીશ.’ લ્યો ! બહુ છંછેડ છંછેડ કરીએ એટલે શું થાય ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : વધારે કરે.
દાદાશ્રી : હં, એ હદ ના ચૂકો, એમને ય ઈગોઈઝમ હોય છે. એ કંઈ ઈગોઈઝમ વગર રહે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો સામાનો ઈગોઈઝમ તોડીએ, તે ઘડીએ તે પોતાની, જાતને સટ્ટામાં મૂકી દે. જે થવાનું હશે એ થશે, પણ કરવાનો જ કહેશે. આવું ના કરો. એને સાચવો, એના ઈગોઈઝમને સાચવો, હું કાચની પેઠે સાચવું છું.
ખીલે ગુલશન, તું છો બને માળી! ગાડી ઊંઘે પાટે, લે પ્રેમથી વાળી!
સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો માબાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ “અમારાથી’ થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે ? પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ?
છોકરાને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરા માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.
કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઈ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો. કારણ કે મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે. મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની “નોર્માલિટી’ લાવી નાખો. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય, તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઈ શકે છે.
લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળ-ફૂલ મળશે.
એટલે છોકરાં સુધારવા માટે પોતાને સુધારવાની જરૂર છે. ભગવાને કહ્યું, ‘તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે !
તમારે સુધરીને બેસવું પડશે, તો સુધરશે જગત. તમારે સુધરવું ના હોય તો જગત કેમ સુધરશે ! તમને કેમ લાગે છે ? આપણે સુધર્યા હોય તો સુધારી શકીએ !
પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?
દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.
‘રિલેટિવ' સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય. - એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે.