________________
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભાગ, ચોરી અને દાન. ભોગોપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય. ચોરી, લૂંટ, માયા, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસ ભાવપૂર્વક દાન દઇએ તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જયારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાનાં દર્શન કરાવે છે.
- સંત કબીરે કહ્યું છે કે, નૌકામાં પાણી વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય ત્યારે તેને બને હાથોથી બહાર ઉલેચવાનું કામ સમજદારીભર્યું છે.
તુલસીએ વહી રહેલા સરિતાના જ ળ સાથે સંપત્તિને સરખાવતા કહ્યું છે કે, આ જલ પ્રવાહમાંથી કોઇ પક્ષી પોતાની તૃષા છીપાવવા થોડું પાણી પી લે, તો શું નદીમાંથી પાણી ઓછું થઇ જવાનું છે ? એવી જ રીતે દાન દેવાથી કદી સંપત્તિ ઘટતી નથી, જેમ ઘરમાં એક બારીમાંથી હવા આવે તે બીજી બારીમાંથી બહાર નીકળતા, ફરી તાજી હવા પેલી બારીમાંથી આવી જ જશે, ઘરમાં કદી શૂન્યાવકાશ સર્જતો નથી તેમ દાન કરવાથી સંપત્તિનો શૂન્યાવકાશ સર્જાશે નહીં.
જૈન દાર્શનિક આચાર્ય અમિતગતિએ દાન, પૂજા, શીલ અને ઉપવાસને ભવરૂપ વનને ભસ્મ કરવાવાળી આગ સમાન કહ્યું છે. અહીં ભાવ શબ્દના પર્યાયરૂપ ‘પૂજા' નો પ્રયોગ કર્યો છે. દાનક્રિયાના પાંચ અંગ માનવામાં આવે છે. દાતા, દાનમાં દેવામાં આવે છે તે વસ્તુ-પાત્ર, દાન કરવાની વિધિ અને મતિ. અહીં મતિના અર્થમાં વિચાર કે ભાવ અભિપ્રેત છે. જેવી રીતે ધરતીમાં એક નાનકડું બીજ વાવ્યા પછી કાળક્રમે તે મોટું વૃક્ષ બને છે.
કુળ અને છાંયડો આપી પશુ-પંખી અને માનવોને સુખ આપે છે, તેવી જ રીતે વિધિ સહિત દેવાયેલું નાનકડું દાન પણ મહાફળ આપે છે. જેવી રીતે વરસાદી જળ જમીન પર તો એક રૂપે જ પડે છે, પરંતુ વરસી લીધા પછી તે જળ વિવિધ રૂપ ધારણ કરે છેઃ દરિયાનું પાણી, કૂવાનું પાણી, સરોવરનું પાણી.
તેમ એક જ દાતા પાસેથી વિવિધ વ્યક્તિઓને મળેલ દાન, એટલે ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને કનિષ્ઠ પાત્ર (જધન્ય પાત્ર) દ્વારા વિવિધ ફળ આપવાવાળું બની જાય છે. પંચમહાવ્રતધારી સાધુને અપાયેલું દાન સુપાત્રે દીન ગણાય છે. અપાત્ર કે કુપાત્રને દીધેલું દાન, જેમ કાચા ઘડામાં વધુ પાણી નાખવાથી ઘડો ફૂટી જાય અને પાણી નકામું જાય છે, તેવી જ રીતે અપાત્રને દેવાયેલું દાન નિષ્ફળતાને વરે છે,
- રાજવૈભવછોડી, દીક્ષા અંગીકાર કરી, ભગવાન ઋષભદેવ ધર્મચક્રને પ્રવર્તાવવા વન, ગામ, નગરોમાં વિહાર કરી રહ્યા છે. બધા લોકો સોના, ચાંદી અને આભૂષણો પ્રભુના ચરણે ધરે છે. પ્રભુ તેનો અસ્વીકાર કરે છે. મહાવ્રતધારી સાધુને ભિક્ષામાં શું અપાય તેની લોકોને ખબર નથી. સુપાત્રદાનની વિધિ લોકો જાણતા નથી અને તેથી પ્રભુનું ભિક્ષાપત્રિ ખાલી જ રહે છે. નિર્દોષ અહાર ન મળવાને કારણે એક વર્ષ ઉપર ચાલીસ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયાં.
બાઇબલમાં ગુપ્તદાનનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે, તમારો જમણો હાથ જે આપે છે તેની ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ. કુરાનમાં દાન સંબંધી વિધાન કરતાં કહ્યું છે કે, 'પ્રાર્થના ઇશ્વર તરફ અડધે રસ્તે લઇ જાય છે. ઉપવાસ ઇશ્વરનાં મહેલનાં દ્વાર સુધી લઇ જાય છે અને દાનથી આપણે એ મહેલમાં પ્રવેશ કરી શકીએ છીએ.'