________________
“ભાઈ ! આવા સુકૃતના કાર્યમાં વિલંબ ન કરાય. જા, અહીંથી જતાં તને જે યોગ્ય યાચક જણાય તેને દાનમાં આપજે."
સોનામહોર લઈને શ્રીમંત વ્યક્તિ ત્યાંથી નીકળ્યા. કંઈક ચાલ્યા પછી એક અપંગ યાચક મળ્યો. દયાદૃષ્ટિ-સહ શ્રીમંતે સોનામહોર એ યાચકને આપી. તે પોતે આગળ વધ્યા.
બીજા દિવસે ફરીને ઉપદેશનું શ્રવણ કરવા એ શ્રીમંત સંત કબીરની ધર્મસભામાં આવતા હતા ત્યાં જ વચ્ચે એ અપંગ યાચકને જોયો. તે બીજા યાચક વર્ગને કહી રહ્યો હતો : “યાર ! ગઈ કાલે કોઈ ધનાઢ્ય શેઠ મળી ગયો. દાનમાં સોનામહોર આપી. આ બંદાએ દારૂ પીધો, પછી જે વધ્યું તેમાંથી જુગાર રમ્યા, ખૂબ મજા આવી ગઈ.”
અપંગ યાચકની વાત સાંભળીને શ્રીમંતને ખૂબ દુઃખ થયું, ધર્મસભા પછી તેમણે કબીરજીને કહ્યું : “આપે દાન કરવાનું કહ્યું હતું. મેં દાન તો કર્યું, પણ એ સોનામહોરથી યાચકે દારૂ પીધો, જુગાર રમ્યો. શું આના માટે જ દાન કરવાનું ? આ તો દાનનો દુરુપયોગ જ કહેવાય ? આનાં કરતાં તો મેં દાન જ ન કર્યું હોત તો કમસે દારૂ ને જુગાર તો
ન રમાત.
સંત કબીરજીએ એક-બે પળ માટે આંખો બંધ કરી. આખો ખોલી ત્યારે તેમના મુખ પર સાહજિક સ્મિત આવી ગયું, “રહસ્ય તો પછી જ કહીશ...” એમ વિચારીને તેમણે દાન આપવાની પોતાની જે રૂપામહોર હતી તે શ્રીમંતને આપી અને કહ્યું : “કાલની જેમ જ આજે પણ તમને જે યોગ્ય લાગે તેને દાનમાં આ રૂપામહોરનું શું કરે છે તેની પાછળ જઈને ગુપ્ત રીતે જોજો.”
આશ્રમમાંથી નીકળીને શ્રીમંત રાજમાર્ગ પર આવ્યા ત્યાં જ
૮૩
તેમને એક યાચક દેખાયો. જોકે, શારીરિક દૃષ્ટિએ તે સશક્ત હતો, છતાં પણ ભૂખની રેખાઓ તેના મુખ પર ઊપસી આવી હતી. શ્રીમંતે તે યાચકને કબીરની રૂપામહોર દાનમાં આપી. તે યાચક ખુશ થઈ ગયો ને પોતાના ઘર તરફ જતો રહ્યો.
ગુપ્ત રીતે શ્રીમંત તેની પાછળ પાછળ તેના ઘર સુધી આવ્યા. તે યાચક તેના ઘરમાંથી જાળી જેવી કોઈ મોટી વસ્તુ બહાર લઈને આવ્યો ને તેને ફાડીને નાના નાના ટૂકડા કર્યા.
શ્રીમંતે પાસે આવીને પૂછ્યું, “ભાઈ ! આ તેં શું કર્યું ? આ શું છે ? શા માટે તેં આના ટુકડા કર્યા ?”
“શેઠજી ! આ જાળ છે... માછલી પકડવાની જાળ !! અમે બે દિવસથી ભૂખ્યા છીએ. પેટપૂર્તિ માટે કાંઈક તો કરવું પડે ને ? અમે માછલાં પકડવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે સામેથી રૂપામહોર મળી ગઈ છે તો શા માટે માછલાં ખાઈને પેટપૂર્તિ કરવી ? હવે અમે રોટલી-શાક ખાઈને પેટ ભરીશું ! તમે મને રૂપામહોર આપી જેથી હું માછલાં પકડવાના પાપમાંથી બચી ગયો !!
શ્રીમંત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેઓ તરત જ સંતકબીર પાસે આવ્યા. સર્વ હકીકત કહી. પછી પૂછ્યું, “મારી સોનામહોરનો દુરુપયોગ થયો ને આપની સોનામહોરનો સદુપયોગ... આવું શા માટે ???"
“તારા પ્રશ્નનો તને ઉત્તર આપીશ, પણ પહેલાં મને એ વાત કરો કે... “તેં જે સોનામહોર દાનમાં આપી હતી એ નીતિથી પ્રાપ્ત કરેલી હતી કે અનીતિથી ?"
શ્રીમંતને હવે તેના દાનના દુરુપયોગનું રહસ્ય સમજાયું ને તેનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
૮૪