________________
પ્રસ્તાવના
પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)એ એમની જગત કલ્યાણની ભાવનાની પૂર્ણતા અર્થે પૂજ્ય નીરુમાને જણાવેલું કે આપ્તવાણીઓનું સંકલન કરવું એ તમારો વ્યવહાર છે, એ તમારે કરવાનો જ છે. તે માટે દાદાશ્રીએ એમને ખાસ આશીર્વાદ આપ્યા હતા.
પૂજ્ય નીરુમાની દાદાશ્રી સાથે જ્યારથી સત્સંગની શરૂઆત થઈ ત્યારથી એમણે ભેખ લીધો હતો કે આવા મહાન જ્ઞાની પુરુષની વાણી કોઈ પણ માધ્યમથી હજારો વર્ષો સુધી સચવાય. જેની શરૂઆત ડાયરીઓમાં વાણી લખવાથી કરી. પાછળથી ટેપરેકર્ડ દ્વારા સતત ઓડિયો કેસેટોમાં રેકોર્ડ કરતા રહ્યા. એ પાછળ એમની તીવ્ર ભાવના એ હતી કે જ્ઞાનીની વાણી ગ્રંથો (શાસ્ત્રો) રૂપે પ્રકાશિત થાય અને જગતને પહોંચે. એ વાણીને લખીને તેમજ ટેપરેકર્ડમાં ઝીલી લઈ જેમ છે તેમ પુસ્તકરૂપે સંકલિત કરી, તે પ્રકાશનોને જગતને પહોંચાડવા છે. એમની એ ભાવનાની ફલશ્રુતિરૂપે એમણે દાદાશ્રીની હાજરીમાં આપ્તવાણી શ્રેણી ૧ થી ૯નું પ્રકાશન થયું. ત્યાર બાદ પણ એ કાર્ય ચાલુ રાખી પોતાની હયાતીમાં આગળ શ્રેણી ૧૦ થી શ્રેણી ૧૪ના ભાગ-૧ અને ૨ સુધીનું સંકલન કાર્ય કર્યું. એમની સ્થૂળ અનુપસ્થિતિમાં પણ સૂક્ષ્મ રીતે આગળ આગળનું કામ એમના જ આશીર્વાદથી પૂરું થતું હોય એમ લાગ્યા કરતું હતું. વિવિધ સંકેતો દ્વારા એમની હાજરી વર્તાયા કરે છે અને તેઓ જ પૂરું કરાવી રહ્યા છે એવો અનુભવ થાય છે.
પૂજ્ય નીરુમાએ દાદાશ્રીને ચૌદ આપ્તવાણીઓ તૈયાર કરવાનું પ્રોમિસ આપેલું, તે આ સાથે પૂરું થાય છે. જગતમાં આપ્તવાણી દ્વારા આ વીતરાગ વિજ્ઞાનનું બીજ સચવાઈ જશે. જગતના જીવો માટે આ વીતરાગ વાણી મોક્ષમાર્ગનો આધાર બની રહેશે. અહીં આપ્તવાણી શ્રેણી પૂરી થાય છે પરંતુ દાદાશ્રીના વિવિધ સત્સંગોમાં તપ, ત્યાગ, સંયમ, મોહ, ભય, આહાર જેવા ઘણાં શબ્દો પર નીકળેલ જ્ઞાનવાણીનું કલેક્શન તૈયાર થયેલ છે, જેની પર સુંદર પુસ્તકો ભવિષ્યમાં બનશે. સૌથી ઊંચી વાત તો એ છે કે ખુદ દાદાશ્રીના શબ્દોમાં જ એમના જીવન પ્રસંગો, જીવનની વાતો આપણને મળે છે. જે ભવિષ્યમાં ગ્રંથો રૂપે આપણને મળશે.
11