________________
ગાયો-ભેંસોને બુદ્ધિ નહીં ને ? તેથી બાપડીઓને ડખો જ ના હોય ને ? કપડાં નથી તોય કોઈથી શરમાય એ ? અને આપણે કાણું દેવું કપડાંમાં, તોય પાર્ટીમાં ચિત્ત ના રહે, ચિત્ત રહે પેલા કાણામાં.
ખરી બુદ્ધિ તો એને કહેવાય, કે બધી રીતે પોતાની ‘સેફસાઈડ' કરે. ‘એડજસ્ટ એવરીવ્હેર' કરી નાખે. તમામ અથડામણ ટાળે. બુદ્ધિ તો ત્યાં સુધી હેલ્પ કરે, કે ક્રોધ-માન-માયા-લોભનું એનાલિસિસ (પૃથક્કરણ) કરી, બધાને ખસેડે.
અક્કલ એ કુદરતી બક્ષિસ છે ને બુદ્ધિ એ આજની કમાણી છે. અક્કલવાળાને સૂઝ ભારે હોય. બુદ્ધિશાળી ‘હું છું, હું છું' કર્યા કરે.
ટોપ બુદ્ધિશાળીઓનો મોનિટર કોણ ? પદ્મારાણી (પત્ની) !
કોમનસેન્સ એટલે શું? ‘એવરીવેઅર એપ્લિકેબલ' ! દુનિયાનું ગમે તેવું વસાઈ ગયેલું તાળું, ખોલી આપે તે કોમનસેન્સ. સંપૂર્ણ કોમનસેન્સવાળો માણસ વર્લ્ડમાં મળવો મુશ્કેલ. આ કાળમાં વર્લ્ડના ટોપ ટોપ બુદ્ધિશાળીઓમાંય, કોમનસેન્સ માંડ ટકો-બે ટકા જ હોય. કોમનસેન્સવાળો મોક્ષે જાય. સમજ મતભેદ ઘટાડે ને બુદ્ધિ મતભેદ વધારે.
વિપરીત બુદ્ધિ પઝલ વધારે, સવળી બુદ્ધિ સૉલ્વ કરે. પ્રખર બુદ્ધિશાળી તો, ખરાબમાં ખરાબ જગ્યાને વ્યવસ્થિત કરી નાખે.
ખરો બુદ્ધિશાળી રાજકારણી ના થાય, એમાં શું મળવાનું કરીને ! એ હસે નહીં, માત્ર મલકાય.
પ્રમાણિકતા, નિષ્ઠા, નીતિ-નિયમ, એનાથી બુદ્ધિ ટોપ પર જાય. અને ચોરી, જૂઠ, લબાડીથી બુદ્ધિ ખલાસ થઈ જાય.
અંતરાયેલી બુદ્ધિ તોફાન માંડે. દાદાને જ્ઞાન થતાં પહેલાં ભારે તોફાન કરતી બુદ્ધિ વિપરીત ન હતી પણ સળિયાખોર હતી.
આપણા પાડેલા આંતરા, આપણને રિટર્ન વીથ થેન્કસ મળે. કોઈ દાન આપતું હોય, તેને બુદ્ધિથી ના આપવા દે, તો પોતે જ ના આપી શકે દાન..
સંયોગોના દબાણથી થયો વિભાવ. વિભાવથી મુક્ત થયો એટલે થયો મુક્ત, સંયોગોથી.
સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે.
ન્યાય કોણ ખોળે ? બુદ્ધિ. જ્ઞાન શું કહે ? બન્યું એ જ ન્યાય. ક્રમમાં ન્યાય ખોળ ખોળ કરે, અક્રમમાં ‘બન્યું તે જાય', ‘વ્યવસ્થિત.”
ક્રમિક માર્ગ, ખડો છે બુદ્ધિના આધાર પર. અક્રમ માર્ગ, ખડો જ્ઞાનના આધાર પર.
આપણને કોઈ વઢે તેમાં વઢવાની કિંમત નથી, એના પ્રેમની કિંમત છે.
શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મ સ્વરૂપ છે.
જગત નિયમબદ્ધ છે એટલે શું ? દાદાએ આ બુદ્ધિશાળીઓને સમજાવવા એમ કહ્યું. ખરેખર કેવું છે ? કેરી લાવ્યા પછી બગડે છે કે કોઈ બગાડે છે ? એમ આ જગત સ્વયં બગડી રહ્યું છે, એ નિયમથી જ બગડે. સંયોગો જ કેરીને બગાડે છે ને સંયોગો જ કેરીને સાચવે છે, પંદર દહાડા.
બુદ્ધિનું ચલણ હોય, ત્યાં બુદ્ધિ છેતરે. જાણી જોઈને છેતરાય, તો બુદ્ધિ ટાઢી ટ૫. એક મહિના સુધી છેતરાયા કરે, તો બોસમાંથી બુદ્ધિ થઈ જાય નોકર.
એક્સેસ બુદ્ધિ કોને કહેવાય ? પોલીસવાળો પકડવા આવે ત્યારે, છટકબારી દેખાડે છે.
બુદ્ધિ બળતરા ના કરાવે, અહંકાર ભળે તો જ બળતરા થાય. એક્રમના મહાત્માઓને બુદ્ધિ છે, વપરાય પણ છે, છતાં બળતરા કેમ નથી થતી ? કારણ કે અહંકાર ખલાસ થયો છે તેથી.
જ્ઞાન પછી અહંકાર ઊભો થાય તો જ્ઞાન જતું રહે અને બુદ્ધિ વધઘટ થાય તો જ્ઞાન જતું રહેતું નથી. પ્રતિક્રમણ કરવાથી પાછું રાગે પડી જાય.
શું વ્યવહારના ઉકેલો વ્યવહારિકતાથી જ આવે ? વ્યવહાર દરેકની સમજણ મુજબ જુદા જુદા જ હોય ! હા, વિનય જોડે રાખે એટલે બધો વ્યવહાર જ ગણાય.
મારે એડજસ્ટ થવું છે વિરોધીને, એ જ્ઞાન જાણી રાખવાનું છે, એવું વ્યવહારમાં લાવવા જવાનું નથી. એ તો કર્મનો પરિપાક થશે, ત્યારે મોઢામાંથી એવું વાક્ય નીકળશે, કે સામાને સમાધાન થઈ જ જાય. ત્યાં સુધી રાહ જોવાની. જ્ઞાનથી ગૂંચો ઉકલે, બુદ્ધિ ગૂંચો પાડે.
બુદ્ધિ ફરી વળે ત્યાં દિવેલ ફરી વળે મોઢા પર, જ્ઞાન ફરી વળે ત્યાં