________________
જ્યાં ને ત્યાં પરવશતા અનુભવાય છે ? એ પરવશતા કોણે અર્પી ? અહંકારે.
અહંકાર શું કરે ? માત્ર ‘મેં કર્યું’નો ગર્વરસ લે. ‘રાજા' કહે, “આ દેશને મેં હરાવ્યો.” પણ રાજા તો પોતાના મહેલની બહાર ક્યારે નીકળેલો ? ફ્રંટ પરના સૈનિકો ને દારૂગોળાએ જ, જે કંઈ કર્યું તે કર્યું ને !
બધાં જ કર્મો કરવા છતાં એક પણ કર્મ ન બંધાય, એવીય ચાવી વીતરાગો પાસે હતી ને !
મહાભારતનું યુદ્ધ અર્જુન લડ્યો, કરોડોની હત્યા કરી છતાંય એક્ય કર્મ એને ના બંધાયું. એનું નામ કર્મ કરવા છતાં અકર્મ દશા.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે, “છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો, એ છે ધર્મનો મર્મ !'
(૫.૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ ! અહંકારને ઓછો કરવાનો કે કાઢવાનો ? કાઢવાનો.
આપણે અહંકારના ને અહંકાર આપણો ? કોણ કોની માલિકી ? અહંકાર આપણો હોય તો, એને ગેટ આઉટ કરી દો ને !
અહંકાર જાય ક્યારે ? અહંકાર ખોટો છે, એવું સ્વીકાર્ય બને ત્યારે. જ્યાં કકળાટ થાય કે સમજી જવું, કે પોતાનો જ અહંકાર ખોટો છે. એટલું સમજ્યો તો તે અહંકાર જાય.
જે રસ્તે અહંકાર વધે છે, તે જ પાછા વળવાથી ઘટે છે.
અહંકારને દબાવાય ? ના. એને દબાવવા જનાર કોણ ? એય પાછો અહંકાર.
અહંકારને સોંપી દેવો, દાદા ભગવાનના સુચરણોમાં.
જપ, તપ, યોગ, ધ્યાન, ભક્તિ કરવાથી શું અહંકારનો વિલય થાય ? બધાં અહંકારને વધારનારાં છે. આમાં ભક્તિ એકલી અહંકારને ઘટાડે છે ! ‘હું કોણ છું’નું ભાન થાય તો જ અહંકાર ખલાસ થાય.
બંધાયેલો જાતે કેવી રીતે છૂટી શકે ? જે મુક્ત પુરુષ છે તે જ છોડાવી શકે.
અહંકાર પોતાને થાય છે કે, મારે અહંકાર છોડવો છે ! કેવો મોટો
વિરોધાભાસ !!
મારામાં અહંકાર નથી એ કોણ કહે છે ? મારામાં અહંકાર છે એ કોણ કહે છે ? બેઉમાં અહંકાર જ છે.
અહંકાર શુન્ય કઈ રીતે બનાય ? જે અહંકાર શૂન્ય છે તેમની પાસેથી.
મોક્ષ મેળવનાર કોણ ? અહંકાર. મોક્ષ થાય છે કોનો ? અહંકારનો. આત્મા તો મુક્ત જ છે, પરમાત્મા જ છે. અહંકારની મુક્તિ કરવાની છે.
ક્રમિક માર્ગ એટલે અહંકારનું શુદ્ધિકરણ. ઠેઠ સુધી અહંકારને શુદ્ધ જ કરવાનો. અહંકાર કરીને અહંકાર શુદ્ધ કરવાનો. જેમ સાબુનો મેલ કાઢવા ટીનોપોલ નાખીએ. અહંકાર સંપૂર્ણ શુદ્ધ થઈ જાય, એક પણ પરમાણુ અહંકારમાં ક્રોધ-માન-માયા કે લોભનું ના રહે, ત્યારે થાય સંપૂર્ણ શુદ્ધ અહંકાર. તે પછી શુદ્ધાત્મામાં શુદ્ધ અહંકાર થઈ જાય એકાકાર.
અહંકારને મમતાથી શુદ્ધ કરવાનો છે. મમતા ગઈ કે શદ્ધ થઈ ગયો એ. જેનાં અહંકાર ને મમતા, સંપૂર્ણ ખલાસ થયાં, તેવા જ્ઞાની પુરુષની કૃપાથી જ, એ ખલાસ થાય.
જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય એ વીતરાગી જ્ઞાન. જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય, એ ભગવાનની આજ્ઞાપૂર્વકનું કહેવાય. બાકી, લાખ અવતાર જંગલમાં પડી રહે, નાગાબાવા થઈને ફરે તોય સંસારનો મોહ છૂટે નહીં. આ અક્રમ માર્ગે સડસડાટ મોહ છૂટી જાય છે.
જે શેક્યો પાપડેય ના ભાંગી શકે, છતાં આપણા અહંકારને જે લઈ લે, તે વિરાટ પુરુષ !
(૫.૩) અહંકામુક્તિ પછીની શ્રેણીઓ... અક્રમ જ્ઞાનથી બે કલાકમાં (એક કલાક જ્ઞાનવિધિ અને એક કલાક આજ્ઞાની સમજ) જ અહંકાર ઊડે છે.
પોતાના અહંકારને જે જાણે, તે “પોતે' અહંકારથી મુક્ત જ હોય. અહંકારને જાણનારો આત્મા જ છે.
જ્ઞાનીના ચરણોમાં ચરણ વિધિ એટલે અહંકાર ઓગાળવાનો એસિડ. આત્માનાં આવરણો નિરાવરણ વિધિ (જ્ઞાનવિધિ)થી અનાવરણ થાય.