________________
રહ
ધર્માત્મા મરુભૂતિ !
પ્રભુ પાર્શ્વનાથ ! એમનાં નામસ્મરણનો પ્રભાવ કોણે નહીં અનુભવ્યો હોય એ પ્રશ્ન છે. એમનાં તીર્થોની સ્પર્શના કરતા રહેવા દ્વારા પોતાના આત્માને પાવન કોણે નહીં બનાવ્યો હોય એ પ્રશ્ન છે. એ જ પ્રભુ પાર્શ્વનાથના તમે જીવ. સમ્યગદર્શન પામ્યા પછીનો એ તમારો ત્રીજો ભવ છે.
બન્યું છે એવું કે તમારા ભાઈ કમઠે તમારી જ પત્ની સાથે આડો સંબંધ બાંધી દીધો છે. અલબત્ત, એમાં દોષ માત્ર કમઠનો જ નથી, તમારી પત્ની પણ એટલી જ દોષિત છે. પણ એ બંનેની પાપલીલા ગમે તે રીતે પણ તમારા ખ્યાલમાં આવી ગઈ છે અને તમે સ્તબ્ધ થઈ ગયા છો. મારો ખુદનો ભાઈ, મારી જ પત્ની પર નજર બગાડી બેઠો છે? મારે આ પાપલીલાને આગળ વધતી રોકવી જ જોઈએ.
તમે કમઠને સમજાવવાના પ્રયત્નો કરી જોયા પણ વ્યર્થ ! તમારી પત્નીને ય તમે સમજાવી જોઈ પણ વ્યર્થ ! આખરે તમે રાજા પાસે જઈને આ અંગેની ફરિયાદ કરી અને રાજાએ કમઠને દેશનિકાલની સજા ફરમાવી દીધી.
અલબત્ત, કમઠની ઘરમાંથી થયેલ હકાલપટ્ટી તમને પસંદ તો ન પડી પણ તમે લાચાર હતા. મીણ અને આગ, બંને સાથે રહે અને મીણ ઓગળી ગયા વિના રહે એ જેમ સંભવિત નહોતું તેમ વાસનાભૂખ્યા બે વિજાતીય પાત્રો સાથે જ રહે અને છતાં વાસનાના નગ્ન નાચો ન ચાલે એ સંભવિત જ નહોતું એની તમને સ્પષ્ટ પ્રતીતિ થઈ ગઈ હતી અને એટલે જ મને કે ક-મને તમે કમઠની હકાલપટ્ટીને સ્વીકારી લીધી.
હા,
કમઠના ઘૂઘવાટનો પાર નહોતો. તમારા પ્રત્યેનો એનો દ્વેષ પરાકાષ્ટાએ પહોંચી પહોંચી ગયો. પોતાની ઘરમાંથી થયેલી હકાલપટ્ટી રાજાને આભારી નથી પણ તમને જ આભારી છે. આ વાત એના મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને એણે તાપસ બની જવાનો નિર્ણય કરી લીધો.
એ તાપસ બની પણ ગયો અને એ સમાચાર તમારા કાને પણ આવી ગયા. અને તમારું મન ગ્લાનિથી ભરાઈ ગયું. “અરર, મારા નિમિત્તે એને તાપસ બની જવું પડ્યું. મેં જો રાજાને ફરિયાદ કરી જ ન હોત તો એને આ વેશ સ્વીકારવો જ ન પડત’ અને આ ગ્લાનિસભર ચિત્ત સાથે પસાર થઈ રહેલ દિવસોમાં એક દિવસ તમારા મનમાં આ વિચાર આવી ગયો.
એના આશ્રમમાં પહોંચી જઈને સામે ચડીને હું એક વાર એની ક્ષમા શા માટે ન માગી લઉં? આખરે એ છે તો મારો ભાઈ જ ને? એના મનમાં મારા પ્રત્યેના દુર્ભાવની ગાંઠ ઊભી રહી જાય તો ભવાંતરમાં એનું થાય શું? તમારા મનનો આ વિચાર તમે રાજાને જણાવ્યો અને રાજાએ તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું.
ક્ષમા માગવા એની પાસે જવાની જરૂર નથી”
‘પણ, મારું મન ડંખ્યા કરે છે” ‘તું મનોમન એની સાથે ક્ષમાપના કરી લે’
એ રીતે ક્ષમાપના કરી લેવા મારું મન તૈયાર નથી” ‘પણ, એ નાલાયક છે. તું ક્ષમા માગી પણ લઈશ તો ય એ તને માફ કરી દેવા તૈયાર થશે કે કેમ એમાં મને તો શંકા છે.”
૧૪