Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 67
________________ રુહ ર મહારાજા કોણિક ! પરમાત્મા મહાવીરદેવના રાજગૃહી પ્રવેશને તમે જે ભવ્યતા અર્પે છે એનું વર્ણન શાસ્ત્રોનાં પાને વાંચ્યા પછી મગજમાં આ વાત બેસતી જ નથી કે તમને મોતના મુખમાંથી ઉગારનાર, પરમાત્મા મહાવીરદેવના અનન્ય ભક્ત, ક્ષાયિક સમકિતના માલિક, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર અને તમારા ખુદના પિતા મહારાજા શ્રેણિકને, એમની પાછલી વયમાં તમે જેલમાં ધકેલી દીધા છે અને જેલરના હાથે એમના બરડે તમે રોજ કોરડાના માર ઝીંકાવ્યા છે. પણ, ના, મગજમાં ન બેસતી આ વાત વાસ્તવિક બની જ છે. ઇતિહાસના ચોપડે તમારું નામ “પિતૃઘાતી' તરીકે જ લખાયું છે. બાકી, સમય તો એ હતો કે તમારી ખુદની માતાએ બાલ્યવયમાં તમને ઉકરડે નાખી દીધા હતા અને ઉકરડામાં કુકડાએ તમારા હાથની એક આંગળી પણ કરડી ખાધી હતી. અલબત્ત, કારણ આની પાછળ એ હતું કે તમે ગર્ભમાં હતા ત્યારે તમને પિતાના હત્યારા થવાના એંધાણ આપતા દોહદો તમારી માતાને ઉત્પન્ન થયા હતા. તમારી માતાને આ દોહદોથી ખ્યાલ આવી જ ગયો હતો કે તમે પિતા માટે ભવિષ્યમાં આફતરૂપ પુરવાર થવાના જ છો. એ સંભિવત અપાયથી બચવા જ તમારી માતાએ તમને ઉકરડે નખાવી દીધા હતા પણ, તમારા પિતાજીની જાણમાં આ હકીકત આવી જતાં ઉકરડેથી એ તમને લઈ આવ્યા છે રાજમહેલે અને કુકડાએ કરડી ખાધેલ આંગળીને પોતાના મોઢામાં રાખીને તમારી એ આંગળીને પરુરહિત બનાવી દીધી છે. આવા ઉપકારી પિતાજીને પણ તમે એમની પાછલી વયે જેલમાં ધકેલી દીધા છે અને કોરડાના માર મરાવ્યા છે. અલબત્ત એક દિવસ તમારો જ ખુદનો દીકરો તમારા ખોળામાં બેઠો બેઠો પેશાબ કરી ગયો છે અને એના પેશાબના ઊડેલા છાંટા ભોજનની થાળીમાં જવા છતાં તમે એ ભોજન આરોગી ગયા છો અને એ વખતે તમારી માતાને તમે પૂછ્યું છે કે – મારા જેવો પુત્રપ્રેમ તમે ક્યાંય જોયો છે ખરો?’ તમારા આ પ્રશ્નના જવાબમાં તમારી માતાએ તમારી સમક્ષ તમારા બાલ્યવયના એ પ્રસંગને તીવ્ર દુ:ખ સાથે રજૂ કરી દીધો છે કે જેની તમને ખુદને જાણ જ નહોતી. ‘બેટા ! જે બાપે તને બચાવ્યો એ બાપને તે આજે જેલમાં કેદ કર્યો છે અને અધૂરામાં પૂરું તું એમના બરડે રોજ કોરડાના માર મરાવી રહ્યો છે” આટલું બોલતાં બોલતાં તમારી માતા રડી પડી છે. આ સાંભળીને તમે અંદરથી દ્રવી ઊઠ્યા છો. પિતાને કરી દીધેલ આ સજા બદલ તમારું અંતર રડી ઊઠ્યું છે. તમે એ જ પળે પિતાજીને કેદમાંથી મુક્ત કરી દેવા કેદ તરફ જવા રવાના તો થઈ જ ગયા છો પરંતુ જેલના કમરે લગાવી દીધેલ તાળાની ચાવી સાથે લઈ લેવા જેટલી રાહ પણ જોવા તમે તૈયાર ન હોવાના કારણે હાથમાં કુહાડો લઈને દોડ્યા છો. ‘કુહાડાના એક જ ઘાએ તાળું તોડી નાખું, પિતાજીના ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડી લઉં. પિતાજીની ક્ષમા માગી લઈને એમને જેલમાંથી મુક્ત કરી દઉં” આ ખ્યાલ સાથે તમે જેલ તરફ દોડ્યા તો છો પણ, તમને હાથમાં કુહાડી સાથે જેલ તરફ આવતા જોઈને તમારા પિતાજી એક જુદા જ વિચારમાં ચડી ગયા છે. ၄ ၄

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100