________________
૧૦ ૦ અનેકાન્ત ચિંતન પરમાણુ નામક જડ સતુ-તત્ત્વોમાં સ્થાન આપે છે.
આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતનો પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તો સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાઓ કોઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરનો નહીં પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવનો હાથ છે, એટલે કે તેવી ઘટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારો ધરાવે છે.
વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્ત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક તેમજ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનનો થોડો મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમજ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હોવા છતાં એ દેશકાળની અસર ધારણ કર્યા સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હોય, પણ જો જીવ યોગ્ય દિશામાં પ્રયત્ન કરે તો એ પોતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી પોતે જ ઈશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઈશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનો આદર્શ સામે રાખી પોતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રદાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદર્શન પ્રમાણે જીવનો બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવનો પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કશો જ ભેદ નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org