________________
૮૦.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
જેણે વસ્તુની સુંદરતા જાળવવી હોય, તેણે કચરો ન પડે તેની કાળજી રાખવી જોઈએ. ચિત્રકાર ચિત્ર દોર્યા કરે, પણ તેના પર ધૂળ પડે તો ચિત્ર રદ થાય, માટે બારી બંધ કરે તેમાં વાંધો છે ? એની ભાવના ચિત્ર મલિન ન થાય એ છે. એક પણ અયોગ્ય વિચારને શાસન ન નિભાવે, તે શાસનની સુંદરતા માટે જરૂરનું ખરું ને ? કોઈ કહે કે જીવનાર હશે તો જીવશે : આયુષ્ય નહિ હોય તો જીવનાર નથી એમ માની અગ્નિથી બચાવ ન કરે, અગ્નિની ચિતામાં પડે, અગ્નિની વાળા આવે તોયે ખસે નહિ, અગ્નિ બુઝાવવાના ઉપાયો ન કરે, તો એ યોગ્ય છે ? ઘરમાં રહેલી મિલકતને પાણીથી તણાતી, અગ્નિથી બળતી, કે ચોરથી ચોરાતી બચાવો કે નહિ ? વિશ્વાસઘાત કરી કોઈ લઈ ન જાય તેની કાળજી રાખો કે નહિ ? સાચવવાના પ્રયત્ન કર્યા પછી જાય તો કહો કે પ્રયત્ન કર્યો પણ ગયું, તેનો ઉપાય નહિ. પ્રયત્ન ન કરો ને જાય તો દુનિયા તમને ડાહ્યા કહે કે મૂર્ખ ? શ્રી મહાવીરદેવે કહ્યું કે શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું એ નક્કી : પણ સાથે એ પણ કહ્યું કે સાચવનાર યુગપ્રધાન પણ ૨૦૦૪ થવાના. એ થશે જ માટે એ રહેશે જ. પેઢીને ચલાવનારા હશે તો પેઢી રહેશે ને ? યંત્રથી ચાલનારી ચીજોની ચાવી તો ફેરવવી પડે ને ? કોઈ કહે કે શાસન ટકવાનું છે, માટે મહેનત કરવાની જરૂર નથી : તે ક્યાં સુધી સાચો છે તે વિચારો.
અનંતજ્ઞાનીઓએ જે જોયું છે તે બનવાનું તો છે જ : એમાં પરિવર્તન કોઈ કરી શકે તેમ નથી પરંતુ અલ્પજ્ઞાની આત્માઓની ફરજ છે કે એની રક્ષા માટે ઘટતો પ્રયત્ન કરવો જોઈએ. જેઓ મહેનત કરવાની શું જરૂર છે એમ કહે છે, એ સૂચવે છે કે તેઓને હજી વસ્તુની મહત્તા ઠસી નથી. જે વસ્તુ માટે પૂરો પ્રેમ હોય, તે વસ્તુ માટે અસદ્ભાવના જાગતી નથી. શ્રી કુમારપાલ મહારાજાને મરણાંત કષ્ટમાં પણ એ ભાવના ન થઈ કે ક્યાં આ ધર્મ સ્વીકાર્યો કે જેથી દુર્દશા થઈ ! જે વસ્તુ પ્રત્યે સદ્ભાવ હોય-પ્રેમ હોયમમત્વ હોય, એ વસ્તુની રક્ષા માટે ચાહે તેવા સંકટો આવે તો પણ આત્મા નારાજ નથી બનતો. ગૃહસ્થાવાસમાં તમને ઓછી મુશ્કેલીઓ આવે છે ? કોઈ દિવસ કંટાળ્યા ? પ્રેમ છે : મારું છે, એમ નક્કી કર્યું છે. ઘર ચલાવવામાં ઓછી જોખમદારી નથી : જુદા જુદા માણસો સાથે કેમ બોલવું, ચાલવું, આ બધું તમારે શીખવું પડે છે : પણ ત્યાં કંટાળો આવે છે ? છોડી દઉં, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org