Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 5
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું સિંચન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે. આપણા પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણા મહાકાવ્યો રામાયણ - મહાભારતમાં પણ ભરપૂર કથાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ, બૌદ્ધની જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ, ઉપદેશમાળાના કથાનકોનો સમાવેશ થાય છે. ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્વકથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે. જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે - દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓના પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં આવ્યા છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે. કથા-લોકકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ ગરીબ-તવંગર, સાક્ષર-નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે (૭) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવા ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો; જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો. આગમ સાહિત્ય પછી ક્રમશઃ થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાનામોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પદ્માવર્તી શૈલી બની ગઈ, જે શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો, પારાયણો, આખ્યાયિકા, કથાકોશો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે. વિશ્વભરના ધર્મ અને સાહિત્યએ દૃષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વના ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વો પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ અઘરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે. (૮)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 109