________________
પરિશિષ્ટ-૧
૫૫૭
અરે ! જાગ્રત અવસ્થામાં પણ પોતાના હૃદયગત સર્વ વસ્તુને જાણતો નથી. કારણ કે એક અંતર્મુહૂર્તમાં પણ કેવળગમ્ય અસંખ્ય સૂક્ષ્મ અધ્યવસાયો પસાર થઈ જાય છે, તો આખા એક દિવસમાં તો કેટલાં પસાર થાય ? છતાં છદ્મસ્થ જીવ વડે આ બધાં અનુભવાતાં-જણાતાં નથી. તેમ છતાં કેવળીગમ્ય હોવાથી તેનો સ્વીકાર કરાય છે, તેમ વ્યંજનાવગ્રહ જ્ઞાન સંબંધી પણ જાણવું. અર્થાત્ તે પણ અવ્યક્ત છતાં માનવું જોઇએ.
સૂતેલાં પુરુષનું જ્ઞાન તો વચનાદિ ચેષ્ટાઓ વડે જણાય છે, પણ વ્યંજનાવગ્રહમાં જ્ઞાન હોવાનું જણાવનાર કોઈ ચિહ્ન જણાતું નથી, એમ પણ ન કહેવું. કારણ કે જો વ્યંજનાવગ્રહ એ અજ્ઞાન હોય તો અસંખ્ય-સમય સુધી શ્રોત્રાદિ-ઇન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યનો સંબંધ હોવા છતાં શા માટે ચરમ-સમયે જ શબ્દાદિ દ્રવ્યોમાં જ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય આવે છે ? કહેવાનો આશય એ છે કે શબ્દાદિ દ્રવ્ય અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો અસંખ્ય સમય સુધી સંબંધ હોતે છતે પૂર્વપક્ષ (વ્યંજનાવગ્રહને અજ્ઞાન રૂપ માનનારા) વ્યંજનાવગ્રહને જ્ઞાન રૂપે માનતા નથી, તો પછી (અસંખ્ય સમયના) ચરમ સમયે પણ શ્રોત્રાદિ ઇન્દ્રિય સાથે સંબંધ થયેલ શબ્દાદિ વિષયના દ્રવ્યોમાં અર્થાવગ્રહરૂપ જ્ઞાન કરવાનું સામર્થ્ય શા માટે સ્વીકારે છે ? તે પણ ન માનવું જોઇએ. પણ એ તો તમે માનો જ છો, આથી જ શ્રોત્રાદિ-ઇન્દ્રિય સાથે સંબંધ થતાં પહેલાં સમયથી જ કંઈક જ્ઞાનની માત્રા પ્રગટ થતી માનવી જોઇએ, નહીંતર ચરમ સમયે એકાએક જ અર્થાવગ્રહ રૂપ જ્ઞાનમાત્ર માનવી ઘટતી નથી. જે વસ્તુ છૂટક વસ્તુમાં સર્વથા ન હોય તે વસ્તુ તેના સમુદાયમાં પણ ન આવે. રેતીમાં તેલ નથી તો તેના સમૂહમાં પણ ન હોય. માટે પહેલાં સમયથી જ કાંઇક જ્ઞાન માત્રાનો સ્વીકાર કરાય તો જ અસંખ્ય સમય પછી ઇન્દ્રિય-વિષય(દ્રવ્ય)ના સંબંધ રૂપ વ્યંજનાવગ્રહમાં અર્થાવગ્રહને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય આવે. ઇત્યાદિ વિશેષ હકીકત વિશેષાવશ્યક ભાષ્ય, ગા. ૧૯૫ વગેરે વ્યંજનાવગ્રહ-અધિકારથી જાણવી. ટીકાકારે પણ ઉક્ત વાતનું દિગ્દર્શન ટીકામાં કરાવેલું છે, એમ જાણવું.
સૂ.૨૬, પૃ.૩૭૧, ૫.૨૫ “જે એકને જાણે છે, તે સર્વને જાણે છે.” અર્થાત્ જે જીવ કોઇપણ ઘટાદિ એક વસ્તુને સર્વ પર્યાયોવડે જાણે છે, તે સર્વ વસ્તુને જાણે છે. અહીં
એક વસ્તુને સર્વ-પર્યાયો વડે કોણ જાણે છે? તેનો જવાબ છે, “જે આત્મા સર્વ પદાર્થોને સર્વથા જાણે છે તે જ એક વસ્તુને સંપૂર્ણ-સર્વથા જાણે છે. જે વ્યક્તિ અકારાદિ અક્ષર અથવા પરમાણુ, ઘટ વગેરે દ્રવ્યના અતીત-અનાગત સર્વ પર્યાયોને-અવસ્થાઓને જાણે છે અથવા વસ્તુના સ્વપર્યાયોને અને પર-પર્યાયોને સર્વથા જાણે છે, તે એકને (સર્વથા) જાણે છે. આથી જે વ્યક્તિ સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને ન જાણે, ત્યાં સુધી વિવક્ષિત પરમાણુ-ઘટ વગેરે વસ્તુને પણ (સર્વથા) જાણી શકતો નથી.