________________
આશ્રમના ભાવિ હિત માટે ચિંતા વ્યક્ત કરતાં પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું : “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” પ્રત્યુત્તરમાં પ.પૂ.પ્રભુશ્રીજી બોલ્યાઃ “જેની આણે જમનાજી માગ આપે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમે પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે.” તેઓશ્રીના સાતિશય વચનો પ્રમાણે જ પૂ.શ્રી બ્રહ્મચારીજી ૧૧ વર્ષ તેઓશ્રીની સતત સેવામાં રહ્યાં, અને ત્યાર પછી પણ ૧૮ વર્ષ પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ઘર્મની ધુરા સંભાળી પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કર્યો.
એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીની છેલ્લી વિશેષ માંદગી જોઈને આશ્રમના ઉપપ્રમુખ શ્રી પુનશીભાઈ શેઠના ઘર્મપત્ની શ્રી રતનબહેને પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું: “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા : (પૂ.શ્રી બ્રહ્મચારીજીનો હાથ પકડી તેમને બતાવી કહ્યું:) “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમારી આગળ જેમ પેટ ખોલીને વાત કરે છે તેમ બધી વાત આને કરવી. આ (બ્રહ્મચારીજી) કુંદન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે.” આ સાંભળી તેમના મનને શાંતિ થઈ ગઈ.
વિરહાગ્નિ હવે સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના પવિત્ર દિને પ.પૂ. પ્રભુશ્રીજીનું નિર્વાણ થવાથી પૂ. બ્રહ્મચારીજીના માથે સકળ સંઘની જવાબદારી આવી પડી. તેમજ પ્રભુશ્રીજીનો વિરહ પણ તેમના માટે અસહ્ય થઈ પડ્યો. તે વિરહને હળવો કરવા પ.પૂ.પ્રભુશ્રીજીનું જીવન ચરિત્ર તેમણે લખવું શરૂ કર્યું. તેમજ પ.પૂ. પ્રભુશ્રીજી જે જે તીર્થોમાં વિચરેલા તે તે તીર્થોની યાત્રા કરી. પણ તેમ કરવાથી તો પ.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ વિશેષ તાજી થઈ અને વિરહાગ્નિ વઘારે ભભૂકી ઊઠ્યો. આખરે તેનું ફળ, પરમકૃપાળુદેવ લખે છે તેમ, સુખદ આવ્યું કે “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” તે જ પ્રમાણે યાત્રાની અંતિમ રાત્રિએ સંવત્ ૧૯૯૩ના જેઠ વદ ૬ના દિવસે તેઓશ્રીને અપૂર્વ બ્રહ્મ – અનુભવ થયો તે પોતાની ડાયરીમાં “ઘર્મરાત્રિ” નામના કાવ્યમાં પ્રકાશે છે :
ઘર્મરાત્રિ “યાત્રાની અંતિમ રાત્રિએ, જાગૃત ભાવ જણાયો રે; માંગલિક શુભ અધ્યવસાયે, અંધકાર ગમાયો રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં, ઘર્માત્મા જન ગાળે રે;
તો કળિકાળ નડે નહિ તેને, બ્રહ્મ અપૂરવ ભાળે રે.” થોડા સમય બાદ અનુભવ જ્ઞાનની સાક્ષીરૂપ તેમણે “વિવેક બાવની' નામનું કાવ્ય રચ્યું તેમજ “જ્ઞાનસાર” અને “જ્ઞાનમંજરી” જેવા ગહન ગ્રંથોના અનુવાદ પણ કર્યાં.
અનન્ય ગુરુભક્તિ પૂજ્યશ્રીના તીવ્ર સપુરુષાર્થની પાછળ અખૂટ આંતરિક બળ શું હતું? તો કે તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ. તેઓશ્રી કહેતા “જ્ઞાન જ્ઞાનીમાં છે. તેની પ્રાપ્તિ માટે સૌથી સુગમ અને સચોટ ઉપાય આ કાળમાં એક માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ છે.” પોતે તો જાણે સદૈવ પરમકૃપાળુદેવની ભક્તિમાં જ તન્મય હોય એમ તેમની મુદ્રા, વાણી અને વર્તનથી જણાતું.
પૂજ્યશ્રી એક કાવ્યમાં લખે છે –