________________
પણ સમતામાં રહેવું છે એ ઉપયોગ આવે છે? તપમાં એ ઉપયોગ આવવો જોઈએ કે આહારના ત્યાગનો પરિણામ છે કે નહીં? મારા આત્માનો સ્વભાવ શું છે? એ નિર્ણય પાકો થશે તો જ ઉપયોગ આવશે કે આહાર કરવો એ મારો સ્વભાવ નથી પણ જ્ઞાનાદિ રમણતા એ મારો સ્વભાવ છે તે પ્રગટ થાય તે માટે વર્તમાનમાં હું આહારના ત્યાગરૂપ ઉપવાસાદિ તપનો અભ્યાસ કરું છું જેથી ચારે આહારનો કાયમ માટે ત્યાગ થઈ જાય. વર્તમાનમાં આપણે આહાર દ્વારા તૃમ થઈએ છીએ પણ હવે આપણે આપણા સ્વભાવ દ્વારા તૃપ્ત થવાનું છે અને એનો આનંદ અનુભવાય ત્યારે તપનો પરિણામ થયો કહેવાય અને તે અનુભવ થાય તો નિર્જરા થાય અને અનુભવ ન થાય તો અકામ નિર્જરા થાય.
અજીવ દ્રવ્યો બધા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને આપણે જીવ થઈને પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તએ તો એનાથી બીજો અનર્થ આત્મા માટે શું હોઈ શકે? આમ થવાનું કારણ એ છે કે અનાદિકાળથી આત્મા પુદ્ગલ સાથે જોડાયેલો છે અને તેના કારણે તે પુદ્ગલમય બની ગયો છે, એને એવી ભ્રાન્તિ થઈ છે કે હું હવે શરીર જ છું. હવે જ્યારે આત્માનો આ ભ્રમ દૂર થશે કે હું આત્મા છું, શરીર નથી ત્યારે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા તૈયાર થશે. આત્મા ધર્મને તત્ત્વથી મનુષ્ય ભવમાં જ સમજી શકે છે અને ભ્રમને ભાંગવા માટે આત્માના અને પુદ્ગલના પરિણામનો જીવે અભ્યાસ કરવો જ પડશે, પછી જ નિર્ણય થશે. સમ્યગ્દર્શન આવે પછી જ ધર્મમાં આવ્યો ગણાશે અને એની માટે જ્ઞાની ભગવંતોએ જીવાદિ નવતત્ત્વને જાણવાની વાત કરી છે અને આત્માને સતત જણાવવાની છે. આત્માએ સતત આત્માની સાથે જ વાતો કરવાની છે, માટે જ મુનિ મૌન બનીને આત્મરમણતા કરે. તેઓ જગત સાથેનો તમામ વ્યવહાર બંધ કરીને, તમામ વ્યવહાર પોતાના આત્મા સાથે જ કરે. માટે મુનિ અને માત્ર મૌનમ્ આખો દિવસ પોતાના આત્મા સાથે જ બોલ્યા કરે. આપણને બહારમાં મિત્રો સાથે બોલવાનું મન થાય પણ આત્મા સાથે નહીં. આત્માને મિત્ર બનાવવો એ ખૂબ જ દુષ્કર છે. માટે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન બતાવ્યા છે. પોતાના જ પ્રભુ સાથે પોતે પ્રીતિ બાંધવાની છે, આ ન સમજ્યા એટલે આપણે બહાર શોધ કરી. પણ આપણું ઠેકાણું ન પડયું. માટે જ્ઞાનીઓએ કહ્યું કે જગત માટે હવે તું આંધળો, બહેરો ને મૂંગો બની જા, તો જ આત્માના આનંદમાં મહાલતા સાધુના સુખને જોઈને સાધુ બનવાનું મન થાય.
અજીવ તત્વ | 103