________________
• જિન શાસનની સ્થાપના કોના માટે? :
અનાદિકાળથી આપણે આત્મ દ્રવ્ય હોવા છતાં પુદ્ગલ સંબંધે આપણે જે જોડાયા છીએ તેના કારણે પોતાના કર્તવ્ય પ્રમાણે સ્વભાવમાં વર્તવું જોઈએ તે વર્તી શકતા નથી અને પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પરિણામ પામીએ છીએ અને તે જ સંસાર. અર્થાત્ પર પરિણામ રૂપે થવું તે સંસાર ને સ્વ પરિણામ રૂપે થવું તે જ મોક્ષ. મોક્ષ શબ્દ પ્રથમ લખવાનું કારણ જ એ છે કે આત્મા અનાદિથી પર સ્વરૂપે થયેલો છે તેમાંથી આત્માએ છૂટા થવું અને તેની માટેની પ્રક્રિયા તેનું જ નામ વ્યવહાર ધર્મ. ધર્મ એ બીજું કોઈ જ નથી. માટે ધર્મનો વ્યવહાર, ધર્મની સ્થાપના, તીર્થની સ્થાપના આ બધું જ સ્વભાવમાં રહી શકતા નથી અને જે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે થઈ શકવાની યોગ્યતા ધરાવે છે અને એ પ્રમાણે થવાની ભાવના છે તેની માટે જ છે, જેને એ પ્રમાણે થવું નથી તે અહીં આવી સ્વ-પરનું બગાડશે. પરમ શાસન, પરમ વ્યવહારને પણ બગાડશે. જેને સ્વપરિણામ રૂપે થઈ જવાની ભાવના છે તેને જ અહીં પ્રવેશ છે. જેને ભવનો નિર્વેદ થયો તે જ યોગ્ય છે. • જિનશાસન એ પૂર્ણ સત્યનો પ્રકાશ છેઃ
પરમાત્માનું શાસન કોઈ સંપ્રદાય નથી પણ એક પૂર્ણ સત્યનો પ્રકાશ છે. સત્યનો જે સ્વીકાર કરે તેને શાસન મળે. કુળથી, વારસાગત મળી જાય તેવું નથી. જાતિ, જ્ઞાતિ, કુળ અહીં મહત્વના નથી. માત્ર એક જ વાત, સ્વીકારવાની યોગ્યતા છે કે નહીં, નહીં તો સ્વ-પરના નુકશાનનું કારણ માત્ર બનશે. મોહની મુક્ત થવાની ભાવનાવાળો જ વાસ્તવિક મુમુક્ષુ છે, બીજાને મુમુક્ષુ કહેવાય નહીં. શાસન દ્વારા, ધર્મ દ્વારા આ મળો ને તે મળો એ વાત જ ક્યાંથી આવે? અહીં તો છોડવાની વાત છે, મેળવવાની વાત છે જ નહીં. મોહને છોડવાનો અને તેના માટે તેના કારણોને છોડવાના છે. આ વાત ન ગમી તેણે વચલો રસ્તો કાઢ્યો છે. મોહને જ છોડવાનો છે તો મોહને છોડો એના કારણોને છોડવાની જરૂર નથી. રાગ-દ્વેષ ન કરવા પરંતુ પરમાત્મા તો મોહ ને મોહના કારણો બધાને જ છોડવાનું કહે છે. મોતનું કારણ પુદ્ગલના ૧૦ પરિણામો છે અને એ નિમિત્તે થતાં મોહને છોડવાનો છે. પુગલના સંયોગમાં એવી રીતે રહેવું કે જેમ અગ્નિથી કાર્ય થાય, દઝાય નહીં અને કાર્ય પૂર્ણ થતાં અગ્નિને બુઝાવી દઈએ. એ જ રીતે પુદગલ સાથે સંયોગ રાખવાનો છે. ક્રિયા પણ તેટલી જ કરવાની જેટલી જરૂરિયાત છે, સાવધાની પણ ખૂબ જ રાખવાની છે. પુદ્ગલને અગ્નિ રૂપે માનવાનું છે તો એ પ્રમાણે કાર્ય થશે.
અજીવ તત્ત્વ 173