________________
કેવળી પ્રભુનો સાથ
લાલનપાલન કે શોભા માટે કોઈ પણ પદાર્થ અંગીકાર ન કરવાની નેમ તેમણે સેવી છે, જેથી આત્મશુદ્ધિના લક્ષવેધમાં અંશ પણ ખામી આવી શકે નહિ. કેશ, રોમ, નખ કે શરીરના કોઈપણ અંગનું આકર્ષણ વધે – વધારે એવા કોઈ જ પદાર્થનો ઉપયોગ ન કરવાની તેમની ધારણા છે. જેમકે વાળને આકર્ષક બનાવનાર તેલ, દાંતિયો, અરિસો આદિનો ઉપયોગ ન કરવો, વસ્ત્રો પરિધાન કરી દેહની શોભાને જાળવવાનો પ્રયત્ન ન કરવો, શરીરની સાફસફાઈ કરી માયાભાવમાં ન જવું; શરીરને આકર્ષક કરનાર સુગંધી પદાર્થોનો સર્વથા ત્યાગ કરી વિભાવભાવનું પોષણ છોડવું વગેરે કરી; તે ન કરવાના કારણે ધારણ કરવા પડતા પરિગ્રહથી અને તેની સારસંભાળથી છૂટી જવું. વળી, એ પદાર્થો ખૂટે ત્યારે નવા મેળવવા માટે યાચના કરવામાંથી પણ બચી જવું. જે બધું જીવ અનાદિકાળથી દેહ માટે કરતો આવ્યો છે અને પરવશપણાની વેદના ભોગવતો આવ્યો છે, તે બધાનો ઇચ્છાપૂર્વક ત્યાગ થતાં અનાદિકાળથી ચાલી આવતી દેહની મમતા છૂટતી જાય છે. દેહશોભાના અને મમત વધારનારા આ બધાં સાધનો આત્મ આરાધનમાં સતત ખલેલ પહોંચાડનારા છે, તેના ત્યાગથી આત્મારાધનનું સાતત્ય પોતે વધારી શકે એવા ભાવથી આ આદર્શ તેમણે જાળવ્યો છે. આ ઉપરાંત આ બધાનો ત્યાગ આત્મ આરાધનના ઊંડાણમાં તથા સ્વરૂપ સ્થિરતા વધારવામાં મદદરૂપ થાય છે તેનું સભાનપણે જે તેમને આવ્યું હતું તે “દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો” એ પંક્તિમાં વિશેષતાએ ફૂટ થાય છે. યથાર્થ વ્યવહાર શુદ્ધિ સાથેનું આચરણ કરી તેઓ દ્રવ્યથી તેમજ ભાવથી “સંયમમય સ્થિતિ” આજ્ઞાધીનપણે વર્તવાની વૃત્તિને બળવાનપણું આપે છે.
આ કડીનો જરા વિસ્તારથી વિચાર કરીએ તો, સમજાય છે કે આજ્ઞારૂપી તપનું યથાર્થ આચરણ જ્યારે મુનિ અવસ્થામાં કરવામાં આવે છે ત્યારે કર્મની નિર્જરા અને સંવર ખૂબ બળવાનપણે થાય છે. મુનિ દિગંબર દશા, કેશ લુંચન, અજ્ઞાનતા, અદંતધોવન, શૃંગાર માત્રનો સર્વથા ત્યાગ આદિનું ઉત્તમ ભાવ સહિત પાલન કરી, આશ્રવના સર્વ દ્વારો બંધ કરી સંવરની બળવાન આરાધના કરે છે, સાથે સાથે જે આજ્ઞાસહિત આ બધાનું પાલન થાય છે તેમાં થતા આજ્ઞારૂપી તપના આરાધનથી પૂર્વ