________________
કેવળી પ્રભુનો સાથ
મને આવ્યો ન હતો. પરંતુ પ્રભુની આજ્ઞા સ્વીકારી મેં લખવાની શરૂઆત કરી. પાણીના રેલાની જેમ એ લખાણ થતું હતું, તેથી પ્રભુની અપાર કૃપા પામવાનો આનંદ હું માણતી હતી. પ્રભુ જ લખાવતા હોય એવો અનુભવ વારંવાર થતો હતો. આખું લખાણ પૂરું થતાં, છાપવા યોગ્ય કાગળ ઉપર મરોડદાર હસ્તાક્ષરથી એ પ્રકરણો લખ્યાં. આ લખાણ માટે શિર્ષક શું આપવું તે મારાથી નક્કી થઈ શકતું ન હતું; મનમાં દ્વિધા ચાલતી હતી, તે વખતે મારાં સહીપણી અ. સૌ. માલિનીબેન વોરાએ “અપૂર્વ આરાધન” શિર્ષક સૂચવ્યું. અમને સહુને એ શિર્ષક ગમી ગયું. ઈ.સ. ૧૯૮૮માં એ ગ્રંથ વકીલ એન્ડ સન્સમાંથી છપાઈને પ્રગટ થયો. ઘણાં ઘણાંને તેનાં વાંચન મનનથી ફાયદો જણાયો. કેટલાંકના જીવન પલટાઈને સરળ તથા ભાવનાબદ્ધ થયાં. ઘણાંએ ફોન દ્વારા, પત્ર દ્વારા, પ્રત્યક્ષ મળીને એ ગ્રંથના વાંચનથી થયેલા ફાયદા જણાવ્યા હતા. તેમનો આનંદ જાણવાનો અને માણવાનો મને પ્રત્યક્ષ લહાવો મળ્યો હતો, પરંતુ અંતરંગમાં તો શ્રી પ્રભુની અપરંપાર કૃપાનું જ ફળ છે એ અનુભવાતું હતું. તેમાંના કોઈ કોઈ અનુભવ ખરેખર વિશિષ્ટ પ્રકારના હતા.
વાંચનમાં નિયમિતપણે આવતા એક બહેને આ ગ્રંથ વાંચીને પ્રાર્થના કરવાની શરૂ કરી હતી. તે પછીના થોડા જ સમયમાં તેમને મગજનું કેન્સર થયાનું નિદાન થયું. ડો. ભગવતીએ તેમનું મસ્તકનું ઓપરેશન કર્યું. થોડો વખત સારું રહ્યું, પણ પછીથી માથાનો ભયંકર દુ:ખાવો શરૂ થયો. દુ:ખાવો એવો સખત હતો કે તેઓ વારંવાર દિવાલમાં માથા પછાડતાં હતાં. તે બહેને મને મળવાની ઈચ્છા કરી, તેથી તેમની એક સખીએ મને તેની જાણ કરી. હું એ બહેન સાથે બિમાર બહેનને મળવા ગઈ. તે વખતે તેઓ શાંત બની બેઠાં. થોડીવાર મેં પ્રભુની તથા પ્રાર્થનાનાં બળની વાત કરી. તેમણે જણાવ્યું કે મને માથાનો એવો ભયંકર દુ:ખાવો છે કે પ્રાર્થના પણ કરી શકાતી નથી. મેં પ્રભુનું સ્મરણ કરી ફરીથી પ્રાર્થના કરવા સૂચવ્યું અને એક નાની પ્રાર્થના લખી આપી. તેમાં પૂર્વની થયેલી ભૂલની ક્ષમા માગવાની અને આત્માને ખૂબ શાંતિમાં રાખવાની વિનંતિ કરી
૨૬૬