________________
૧૩૫
ઉત્તમ આર્કિંચન્ય) , પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ક્રોધાદિનો સદ્દભાવ રહે છે, તદનુસાર ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મર્યાદા બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે.
આ સંપૂર્ણ ક્રિયાનું નામ જ પરિગ્રહ પરિમાણવ્રત છે. - જન સામાન્યને આ ચોવીસ પરિગ્રહોની તો ખબર નથી, રૂપિયા-પૈસાને જ પોતાની કલ્પના વડે પરિગ્રહ માનીને એની જ ઉલટ–સુલટ મર્યાદા કરીને પોતાને પરિગ્રહ–પરિમાણવ્રતધારી માની લે છે.
જે રૂપિયા-પૈસાને જગત પરિગ્રહ માની બેઠું છે તે અંતરંગપરિગ્રહ તો છે જ નહીં, પરંતુ ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહો માં પણ એનું નામ નથી. એ તો બાહ્ય પરિગ્રહોનાં વિનિમયનું કૃત્રિમ સાધન માત્ર છે. એમાં સ્વયંમાં એવું કાંઈ પણ નથી જેના લાભ વડે જગત એનો સંગ્રહ કરે. જો એના માધ્યમદ્વારા ધન-ધાન્યાદિ ભોગસામગ્રી પ્રાપ્ત ન થતી હોય તો એનો કોણ સંગ્રહ કરે? દશ હજારની નોટ હવે બજારમાં નથી ચાલતી તો હવે એને કોઈ ઈચ્છે છે? જગતની દ્રષ્ટિમાં એની કિંમત ત્યાં લગી છે જયાં લગી એ ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહો પ્રાપ્ત કરવાનું સાધન છે. સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને જ તેને પરિગ્રહ કહી શકાય છે, પરંતુ ચોવીસ પરિગ્રહોમાં નામ સુદ્ધાં ન હોવા છતાં પણ આજે આ પચ્ચીસમો પરિગ્રહ જ સર્વસ્વ બની બેઠો છે. - રૂપિયા-પૈસાને બાહ્ય પરિગ્રહમાં પણ સ્થાન નહીં આપવાનું એક કારણ આ પંણ રહેલું છે કે એની કિંમતમાં વધ-ઘટ થયા કરે છે. રૂપિયા-પૈસાનો જીવનમાં સીધો તો કોઈ ઉપયોગ છે નહીં, તે ધનધાન્યાદિ જીવન-ઉપયોગી વસ્તુઓની પ્રાપ્તિનું સાધન માત્ર છે. અણુવ્રતોમાં પરિગ્રહનું પરિમાણ જીવન-ઉપયોગી વસ્તુઓનું જ કરવામાં આવે છે. રૂપિયા-પૈસાની કિંમતમાં વધ-ઘટ થતી રહેવાથી માત્ર એનું પરિમાણ કરવાથી મુશ્કેલી થવી સંભવિત છે.
માની લો કે એક વ્યકિતએ દશ હજારનું પરિગ્રહ–પરિમાણ કર્યું. જયારે તેણે આ પરિમાણ કર્યું હતું ત્યારે એના મકાનની કિંમત પાંચ હજાર રૂપિયા હતી, કાલાન્તરમાં એ જ મકાનની કિંમત પચાસ હજાર પણ સંભવે. આ જ પ્રમાણે ધન–ધાન્યાદિની સ્થિતિ પણ સમજવી જોઈએ. તેથી પરિગ્રહ-પરિમાણવ્રતમાં ધન-ધાન્યાદિ નિત્યોપયોગી વસ્તુઓનું પરિમાણ કરવા કહેલું છે.