________________
દેવની નયનસુંદર પ્રતિમા જેવી મનોહર રાજા બાહુબલની દેહયષ્ટિ હતી. વાસનાવાળી સ્ત્રીઓ તો બાહુબલ રાજાની એક મીઠી નજર ઉપર દેહ કુરબાન કરવા તૈયાર થતી. પણ બાહુબલ તો ભગવાન ઋષભદેવના પુત્ર હતા. તેઓ સહુને કહેતા કે સૌંદર્યનો ઉપભોગ સંયમ દ્વારા કરતાં શીખો. વાસનાના વીજળી જેવા ક્ષણિક ઝળહળાટમાં ભૂલા ન પડો ! તમારું સૌંદર્ય ચંદ્રની ચાંદની જેવું શુભ્ર ને નિરભ્ર રહેવું ઘટે : ચંદ્રની ચાંદનીથી પૃથ્વી આખી વ્યાપ્ત થઈ જાય. પણ પૃથ્વીની મલિનતા ચંદ્રને સહેજ પણ સ્પર્શે નહિ !
રાજા બાહુબલના રાજમાં યૌવનનો દુરુપયોગ નહોતો, એટલે નિત્યયૌવન હતું. વૃદ્ધો પણ રસની ખુમારીથી જીવતા. એમનાં મોંમાં સ્ત્રીપુરુષના સંબંધોની જૂઠી નિંદા નહોતી !
રાજા બાહુબલ કહેતા : “સુંદર એટલું સ્પૃશ્ય, એ ભાવના જૂઠી છે. આગ સુંદર છે, છતાં આપણે કાં એને અડતા નથી ? કેટલાંક ફુલ દૂરથી સુવાસ લેવા યોગ્ય, ને કેટલાંક જ સ્પર્શવા યોગ્ય હોય છે ! સંસારમાં સૌંદર્યોને પોતાને હસ્તગત કરવા નીકળનાર માણસ પૃથ્વીને પોતાના કાબૂમાં કરવા નીકળનાર મહારથીની જેમ આખરે ચિંતા, સંતાપ ને ક્લેશ મેળવે છે !' - રાજદૂત હંસે જ્યારે માર્ગમાં આ રીતના વિચારપ્રવાહો જાણ્યા, ત્યારે તેને લાગ્યું કે કદાચ છેલ્લું વાક્ય પોતાના મહાન ચક્રવર્તીને લાગુ પડતું હોય ! પણ થોડી વારમાં તેને પ્રતીતિ થઈ ગઈ કે આ લોકો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી રહિત હતા.
હંસ પણ હજી યુવાનીમાં જ હતો. અહીંની સૌંદર્યભરી સૃષ્ટિ ને રસિયાં નર-નાર જોઈ, એ પણ આનંદસાગરમાં ડૂબકી મારી ગયો. એ બધું મુગ્ધ મને નીરખી રહ્યો.
પુષ્પ-ફળથી શોભિત ઉદ્યાનોની પાસેથી એ પસાર થઈ રહ્યો હતો, ત્યાં સરખેસરખી સાહેલીઓનું એક ટોળું, બહાર ધસી આવ્યું. એમનાં મુખમાં રાજા બાહુબલનું ગીત રમતું હતું.
ગીત ગાતી ગાતી એક નવયૌવના બહાર ધસી આવી. એણે પરદેશીનો હાથ પકડીને ઢંઢોળ્યો ને કહ્યું :
ભઈલા ! ભૂલા પડ્યા લાગો છો ? ક્યાં જવું છે ?
હંસ સ્વસ્થ થઈ ગયો. એણે બોલનાર નવયૌવનાના મુખ સામે નીરખ્યું. એના મોં પર કંકુનો રંગ હતો, ને શ્વાસમાં કસ્તૂરીની સુવાસ હતી. લીંબુની ફાડ જેવાં એનાં નયનોમાં જીવનનો ઉલ્લાસ રમી રહ્યો હતો !
બહલી દેશમાં ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org