Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 269
________________ મીઠા મીઠા સૂર નાટ્યગૃહમાં વહી રહ્યા. * એકાએક શાંત મૃદુ સૂર પલટાયા. ભયંકર ગડેડાટ થયો. મૃદંગ ગર્જી ઊઠ્યાં. આકાશમાંથી જાણે વીજળી પડી. બારે મેઘ જાણે ભટકાઈ પડ્યા. દિશાઓ બહેરી બની ગઈ. એ અવાજની સાથે પૃથ્વીને કંપાવતા ભરતદેવના પગ પૃથ્વી પર ધણધણ્યા. એમના પગના ઘૂઘરા શંખનાદની જેમ ગાજી ઊઠ્યા. ભરતદેવે પ્રચંડ ધનુષ્ય હાથમાં લીધું, કાન સુધી એની પણછ ખેંચીને તીર છોડ્યું ઃ સનનન ! સનનન ! દિશાઓના દેવ ત્રાહ્યતોબા પોકારી ઊઠ્યા. સર્વત્ર ઘોર અંધકાર છવાઈ ગયો. એ અંધારામાં તીર પર તીર પ્રવાસ ખેડવા લાગ્યા. ભરતદેવના તીરની પાછળ પાંચસો પાંચસો સામંતોનાં તીર વછૂટે છે. તીરથી આકાશ છવાઈ જાય છે. સૂર્યનો લાલ ગોળો ઢંકાઈ જાય છે. રે ! ભરતદેવ ચક્રવર્તી પદ હાંસલ કરવા નીકળ્યા છે. ઝટ દોડો, અને એમની ચરણસેવા સ્વીકારી આત્મરક્ષા કરી લો ! પૃથ્વીની દિશા તો ચાર ને ? ચા૨ને જીતતાં કેટલી વાર ? ભરતદેવ પૂર્વ દિશા સાધીને ભયંકર બાણ છોડે છે. પૂર્વ દિશાનો દેવ આત્મરક્ષણ યાચતો આવીને ચરણ પાસે પડી યાચે છે, ત્રાહિ મામ્ દેવ ! ત્રાહિ મામ્ ! પૂર્વના દેવને શરણાગત બનાવી ભરતદેવ પશ્ચિમ દિશાને સાંધીને તીર વછોડે છે. સાગરના સાગર ખળભળી ઊઠે છે. પશ્ચિમ દિશાનો સાગરદેવ રત્નાકરની સમૃદ્ધિ આપીને શરણ સ્વીકારે છે. હવે ભરતદેવ ઉત્તર દિશા તરફ બાણસંધાન કરે છે. આભને અડીને ઊભેલા ડુંગરા થરથર ધ્રૂજી હાલે છે. ઉત્તરપર્વતસીમાનો અધિવાસી દેવ અમૂલ ઔષધિઓ લાવી ચરણકિંકરપદ પ્રાપ્ત કરે છે. દક્ષિણ દિશાના દેવને પૂરું બાણ પણ પહોંચતું નથી, ને તે દેવકન્યા જેવી કન્યાને લઈને હાજર થાય છે. ૨૫૪ * ભરતબાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274