________________
કેટલાક તિર્યંચો સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર જ ઇન્દ્રિયવાળા હોય છે. તે પણ વીંછી, ભમરા, ભમરી, તીડ, ડાંસ, મચ્છર વગેરે જુદી જુદી જાતના અને જુદા-જુદા આકારવાળા હોય છે.
કેટલાક તિર્યંચો સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયવાળા હોય છે. તેમાં પણ કાચબો, માછલી, કબૂતર, પોપટ, કાગડો, હાથી, ઘોડો, ગાય વગેરે જુદી-જુદી જાતના જીવો હોય છે.
પાંચે ઇન્દ્રિયવાળા તિર્યંચોમાં પણ કેટલાક મન વિનાના (અસંજ્ઞી) હોય છે. તો કેટલાક મનવાળા (સંજ્ઞી) પણ હોય છે. તેમાં પણ કેટલાક જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાની હોય છે. તેમાં પણ કેટલાક મોહનીયકર્મના ઉદયથી ક્રોધી હોય છે. તો કેટલાક માની, કેટલાક માયાવી અને કેટલાક લોભી હોય છે. તેમાં પણ કેટલાક સ્ત્રી હોય છે. તો કેટલાક પુરુષ હોય છે. તો કેટલાક નપુંસક પણ હોય છે. ઇત્યાદિ અનેક જાતના ઔદાયિકભાવવાળા જીવો હોય છે. તે જ જીવો તીવ્ર-મંદાદિ અસંખ્યભેદે ક્ષાયોપથમિકભાવવાળા પણ હોય છે. તે જ જીવો ક્યારેક પથમિકભાવને પામે છે. ક્યારેક ક્ષાયિકભાવને પણ પામે છે. સમયે સમયે પર્યાયોનું પરિવર્તન થયા કરે છે. એટલે એકએક ગુણઠાણામાં જુદી જુદી જાતના પર્યાયવાળા અનેક જીવો હોય છે. તે સર્વે જીવોનું વ્યક્તિગત રીતે બંધસ્વામિત્વ જાણવાને માટે છદ્મસ્થ જીવો અસમર્થ છે, એટલે મિથ્યાત્વાદિ એક-એક ગુણઠાણામાં રહેલા અનંતા-અસંખ્યાતા કે સંખ્યાતા જીવોમાંથી કયા જીવો કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે. એ સહેલાઈથી જાણી શકાય, એ હેતુથી શાસ્ત્રકાર ભગવંતોએ એક સરખા પર્યાયવાળા જીવોનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો કુલ ૬૨ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. એ વિભાગને શાસ્ત્રીય પરિભાષામાં “માર્ગણા” કહે છે.