Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ મહારાજા શ્રેણિક ! ઘજાનાં દર્શને મંદિર જેમ સ્મૃતિપથમાં આવી જ જાય, લીલાછમ બગીચાનાં દર્શને જેમ માળી આંખ સામે આવી જ જાય, મીઠાઈ જીભ પર મુકાતાંની સાથે જ એમાં એકરૂપ થઈ ગયેલ સાકર જેમ ખ્યાલમાં આવી જ જાય, બસ, એ જ રીતે આપનું નામ જીભ પર આવતાંની સાથે જ પરમાત્મા મહાવીરદેવ પ્રત્યેની આપની અવિહડ ભક્તિ યાદ આવી જ જાય. પ્રભુ મહાવીરદેવે સમવસરણમાં જે મહારાણી ચેલણા માટે ‘મહાસતી’ શબ્દ પ્રયોજ્યો હતો એ મહારાણી ચેલણાએ એક વખત આપની પાસે એક રત્નકંબલની માગણી કરી હતી કે જેનું મૂલ્ય સવા લાખ સોનામહોર હતું, આપે એવી કીમતી રત્નકંબલ ખરીદવાની અશક્તિ એમની સમક્ષ જાહેર કરી હતી પણ, “પ્રભુ મહાવીરદેવ સુખશાતામાં બિરાજમાન છે” એવા સમાચાર દૂર દેશમાંથી આવનાર કોક જ્યારે આપને આપતું હતું ત્યારે આપ એને આવા શુભ સમાચાર આપવાની વધામણીમાં મસ્તક પરના મુગટને છોડીને શરીર પર રહેલા તમામ અલંકારો કે જેની કિંમત કદાચ લાખોમાં થતી હતી, ભેટમાં આપી દેતા હતા. આવો હતો આપનો પરમાત્મા મહાવીરદેવ પરનો અવિહડ નેહ અને આવી હતી આપની પ્રભુ વીર પ્રત્યેની ગજબનાક ભક્તિ. આ જ નિર્મળ અને દુર્લભ મૂડીના સહારે આપ ક્ષાયિક સમ્યકત્વના માલિક તો બની જ ચૂક્યા હતા પણ તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર બનવાનું પણ આપ એ ભવમાં નક્કી કરી ચૂક્યા હતા. પણ, આપનો આત્મા અત્યારે નરકગતિમાં જાલિમ વેદનાઓ ભોગવી રહ્યો છે, પરમાધામીઓના હાથે માર ખાઈ રહ્યો છે, કાતિલ પીડાઓથી ત્રાસી જઈને ચીસો પાડી રહ્યો છે. અને આ વેદનાઓ અને પીડાઓ વચ્ચે આપે ચોર્યાશી-ચોર્યાશી હજાર વરસો વિતાવવાના છે એ હકીકત જ્યારથી શાસ્ત્રોનાં પાને વાંચવા મળી છે ત્યારથી મન બેચેન બેચેન બની ગયું છે. આપના જેવા પ્રભુભક્તની આ હાલત ? આપ ખુદ તીર્થકર બનવાના અને છતાં આપની આ દયનીય સ્થિતિ? આપના નામસ્મરણ માત્રથી અમે અશુભકર્મોનો ખાત્મો બોલાવી રહ્યા છીએ અને અશુભ કર્મો આપને અત્યારે આ હદે પીડા આપી રહ્યા છે? પણ, આ દુઃખદ પરિસ્થિતિ પાછળનો એક ઇતિહાસ જાણવા મળ્યો છે અને મન થથરી ગયું છે. અંતઃકરણ કંપી ઊહ્યું છે. એ સમય હતો કે જ્યારે આપ પ્રભુ મહાવીરદેવને પામ્યા જ નહોતા. આપ શિકારના શોખીન હતા. શરીર પર યુવાનીનું જોર હતું, વિપુલ સંપત્તિ અને ભરપૂર સત્તા એ બંનેમાં ભળ્યો હતો અવિવેક. પરપીડાનો આનંદ ન અનુભવાય તો જ આશ્ચર્ય ! એક વાર આપ જઈ ચડ્યા છો જંગલમાં શિકારના આપના શોખને બહેલાવવા. આપની નજરે ચડી ગઈ છે એક હરણી. દૂરથી આપે તાક્યું છે નિશાન અને જીવ બચાવવા હરણી તેજ ગતિથી ભાગી રહી હોવા છતાં આપે છોડેલું બાણ સીધું ઘૂસી ગયું છે હરણીના પેટમાં અને હરણી ત્યાં જ ઢળી પડી છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100