Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય–૮: અધ્યયન સાર
[ ૧૯૧ ]
(૩) રુક્મિ રાજા પુત્રીના સ્નાન મહોત્સવ સમયે મલ્લીકુમારીના સ્નાન મહોત્સવનું વર્ણન કંચુકી પુરુષ પાસેથી સાંભળીને તેના તરફ આકર્ષિત થયા. (૪) શંખ રાજા, મલ્લીકુમારીનું કુંડળ સમું ન કરી શકવાથી દેશનિકાલ પામેલા અને પોતાના આશ્રયે આવેલા સોનીઓ પાસેથી મલ્લીકુમારીનું વર્ણન સાંભળીને તેના તરફ મોહિત થયા. (૫) અદીનશત્રુ રાજાએ ચિત્રલબ્ધિના કારણે મલ્લીકુમારીના પગનો અંગૂઠો જોઈને તેનું આબેહૂબ ચિત્ર બનાવવા માટે દેશનિકાલ પામેલા અને પોતાના આશ્રયે આવેલા ચિત્રકાર પાસેથી મલ્લીકુમારીનું ચિત્રપટ જોયું અને અનુરાગી થયા. (૬) જિતશત્રુ રાજા, મલ્લીકુમારીની દાસીઓ દ્વારા અપમાનિત ચોક્ષા પબ્રિાજિકા પાસેથી મલ્લીકુમારીનું વર્ણન સાંભળીને તેના તરફ મોહીત થયા.
છએ રાજાઓએ મલ્લીકુમારીની માંગણી માટે કુંભરાજા પાસે દૂતો મોકલ્યા. કુંભરાજાએ મલ્લીકુમારીને આપવાની ના કહીને દૂતોનું અપમાન કરી પાછા મોકલી દીધા. ત્યારે છએ રાજાઓએ સાથે મળીને મિથિલા નગરી પર ચઢાઈ કરી અને યુદ્ધમાં છએ રાજાઓએ કુંભરાજાની સેનાને હતપ્રભ કરી નાંખી. કુંભરાજાને પોતાની સુરક્ષાનો કોઈ માર્ગન જણાતાં પોતે યુદ્ધભૂમિ છોડીને મિથિલા નગરીમાં ચાલ્યા ગયા અને મિથિલાના દ્વાર બંધ કરાવી દીધા. છએ રાજાઓ મિથિલાને ઘેરી ત્યાં પડાવ નાંખીને રહ્યા.
ત્યાર પછી કુંભરાજાએ મલ્લીકુમારીના કહેવાથી છએ રાજાઓને “મલ્લીકુમારી આપીશ,” તેમ કહી, ગુપ્ત રીતે મોહનગૃહમાં પ્રવેશ કરાવ્યો અને છએ રાજાઓને મોહનગૃહના છએ ઓરડામાં બેસાડ્યા. મધ્ય ઓરડામાં રહેલી મલ્લીકુમારીની પ્રતિમા જોઈ છએ રાજાઓ તેને મલ્લીકુમારી માની તેને નીરખવામાં મગ્ન બની ગયા.
તે સમયે મલ્લીકુમારીએ પ્રતિમાનું ઢાંકણું ખોલી નાંખ્યું. ચારે બાજુ કોહવાયેલા અનાજની દુર્ગધ ફેલાઈ ગઈ અને તે દુર્ગધથી છએ રાજાઓ અકળાઈ ગયા. તે સમયે મલ્લીકુમારીએ છએ રાજાઓને સંસારની અસારતા સમજાવી અને પૂર્વભવોનું સ્મરણ કરાવ્યું. છએ રાજાઓ વૈરાગી બની દીક્ષા લેવા તૈયાર થઈ ગયા.
વાર્ષિક દાન આપી મલ્લીકુમારીએ દીક્ષા લીધી અને તે જ દિવસે કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી. છએ રાજાઓ પણ તેમની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા.
મલ્લી ભગવાન પણ કાળક્રમે સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા.