Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય—૧૮ : અધ્યયન સાર
અઢારમું અધ્યયન
અધ્યયન સાર
૪૩૯
***********
આ અધ્યયનનું નામ ‘સુસુમા(સુષમા)' છે. તેમાં ધન્યસાર્થવાહની પુત્રી સુસુમાનું વર્ણન છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ-ભદ્રાસાર્યાવાહી તેમના પાંચ પુત્રો અને સૌથી નાની લાડકી પુત્રી સુસુમા સાથે રહેતા હતા. ધન્યશેઠે સુસુમાને રમાડવા, તેનું ધ્યાન રાખવા એક ચિલાત નામના નોકરને રાખ્યો હતો. તે ચિલાત સુસુમાને ઘરની બહાર અન્ય બાળ સમુદાયમાં રમાડવા લઈ જતો હતો અને ત્યાં અન્ય બાળકોની કોડી, લખોટી, દાગીના વગેરે ચોરી લેતો હતો. તે બાળકોના મા-બાપો ધન્યશેઠને ચિલાતની ફરિયાદ કરતાં હતાં. વારંવારની ફરિયાદોથી કંટાળી, ગુસ્સે થઈને શેઠે ચિલાતને રજા આપી દીધી.
ચિલાત નિરંકુશ, સ્વચ્છંદી બની, દુર્વ્યસની બની ગયો અને વિજય ચોરનો આશ્રય લઈચોરવિદ્યામાં પ્રવીણ થઈ ગયો. કાળક્રમે તે ચોર પલ્લીપતિ થયો. એકવાર તેણે ૫૦૦ ચોરો સાથે ધન્યસાર્થવાહના ઘેર ધાડ પાડી અને ધન, સૌના વગેરે માલ-સામાન સાથે સુંસુમાને પણ તે ઉપાડી ગયો.
ધન્યસાર્થવાહે પોતાના પુત્રો તથા નગરરક્ષકોને સાથે લઈ ચિલાત ચોરનો પીછો કર્યો. નગર રક્ષકોએ ૫૦૦ ચોરને હરાવી ધન તો લઈ લીધું પણ ચિલાત હાથમાં ન આવ્યો. તે સુંસુમાને ખંભે નાંખી સઘન જંગલમાં ભાગી ગયો. નગરક્ષકો તો પાછા ફરી ગયા પણ પિતા-પુત્રો પ્રાણપ્યારી સુંસામાને પાછી લાવવા માટે ચિલાતની પાછળ-પાછળ ગાઢ જંગલમાં પ્રવેશ્યા. ભાગતા-ભાગતા ચિલાત જ્યારે સુંસુમાને ઉપાડવા અસમર્થ બની ગયો ત્યારે તેણે સુસુમાનો વધ કરી તેના ધડને ત્યાં જ મૂકીને, મસ્તકને હાથમાં લઈને દોડતો રહ્યો અંતે ભૂખ-તરસથી તે અટવીમાં જ મૃત્યુ પામ્યો.
પિતા-પુત્રો ચિલાતને પકડવા અટવીમાં ઘણું રખડયા પણ અંતે હારી-ચાકીને પાછા ફર્યા. ત્યાં સુંસુમાના ધડને જોઈ આક્રંદ કરવા લાગ્યા. દુર્ગમ અટવીમાં આહાર-પાણી ન મળતાં બધાના પ્રાણ જવાની શક્યતા જોઈ પિતાએ પોતાને મારી, તે આહારથી પુત્રોને પ્રાણ બચાવવા વિનંતિ કરી. ત્યારે પાંચે પુત્રોએ ક્રમશઃ પિતા તથા અન્ય ભાઈઓના પ્રાણ બચાવવા પોતાને મારવાનો આગ્રહ રાખ્યો. પ્રાણ બચાવવાનો અન્ય કોઈ ઉપાય ન રહ્યો ત્યારે પ્રાણરહિત, સુંસુમાના શરીરના માંસ-શોણિત દ્વારા પિતા-પુત્રોએ પ્રાણ બચાવી રાજગૃહ નગરમાં પહોંચ્યા.
આ પ્રકારના આહાર સમયે પિતા કે પુત્રોના મનમાં અંશમાત્ર આસક્તિના ભાવ ન થયા હોય, તે સહજ રીતે સમજી શકાય છે. પ્રાણ ટકાવવા અને ઘરે પહોંચવું, તે જ તેઓનું લક્ષ્ય હતું, તે આહારમાં તેઓને જરા પણ આનંદ ન હતો.
તે જ રીતે સાધકોએ માત્ર દેહને ટકાવવા અનાસક્ત ભાવ રાખી આહાર કરવો જોઈએ. સાધકોને આારની અનાસક્તિ સમજાવવા માટે આ સર્વોતમ દૃષ્ટાંત છે.
સુસુમામાં આસકત ચિલાત ચોર દુષ્કર્મોમાં લીન બની અટવીમાં મૃત્યુ પામ્યો. તેમ વિષયાસકત જીવો પાપકર્મ કરી સંસાર અટવીમાં અનેક પ્રકારે દુઃખ પામે છે.