________________
પ્રભુ ! મને દોષોની વેદના આપો
કલ્યાણમિત્ર જ બનીએ કલ્યાણમિત્ર જ બનાવીએ
દુઃખોની વેદના તો આપણે નથી ઇચ્છતા તો ય કર્મસત્તા આપણા લમણે ઝીંકતી જ રહે છે. આપણે એક અલગ પ્રકારની જ વેદના પ્રભુ પાસે માગવા જેવી છે. એ વેદના છે, દોષોની વેદના.
આંખોમાં અવારનવાર વિકારોનાં સાપોલિયાં આંટા તો લગાવી જાય છે પણ એની આપણને વેદના ક્યાં? અનંતોપકારી ગુરુદેવશ્રી સાથે ય આપણે ક્યારેક માયા કરી બેસીએ છીએ પણ એની આપણને વ્યથા ક્યાં? અપેક્ષા તૂટતાં કે સ્વાર્થભંગ થતા આવેશના, ઉદ્વેગના, સંક્લેશના શિકાર આપણે અવારનવાર બનતા તો રહીએ જ છીએ પણ આપણને એની વેદના ક્યાં ?
આવો, અશ્નપૂર્ણ આંખે પ્રભુ પાસે આપણે આ દુર્લભ અને વંદનીય વેદના માગીએ. એ વેદના આપણને મળી નથી અને દોષોએ જીવનમાંથી દૂર થઈ જવાની તૈયારી શરૂ કરી નથી !
આપણી પાસે સાપેક્ષ યતિજીવન છે. અનેકની વચ્ચે રહીને આપણે સંયમજીવન જીવવાનું છે. આપણે ખુદ કર્મોને અને કુસંસ્કારોને આધીન છીએ તો આપણા પરિચયમાં જે પણ આવશે
એ ય કર્મોને અને કુસંસ્કારોને આધીન છે. આ સ્થિતિમાં શું બચાવી રાખવું આપણે આપણાં અને સામાના પણ સંયમજીવનને ?
બે બાબતમાં આપણે એકદમ ચોક્કસ થઈ જવા જેવું છે. જે પણ આપણા પરિચયમાં આવે, આપણે એના કલ્યાણમિત્રજ બન્યા રહીએ અને આપણા માટે જે કલ્યાણમિત્ર જ બન્યા રહેતા હોય એના જ પરિચયને આપણે સંબંધમાં રૂપાંતરિત કરતા રહીએ.
જો આ બંને બાબતમાં આપણે એકદમ ચોક્કસ બની ગયા તો પછી તાકાત નથી કોઈ પરિબળની કે જે આપણા માટે અને આપણા પરિચયમાં આવનાર માટે નુકસાનકારક બની શકે.