________________
પરિણામ આધેયથી . કે આધારથી ?.
સાધનાઓ આપણને મહાન લાગી છે ખરી ?
પ્રશ્ન એ નથી કે આધેય કેટલું મોટું છે ? પ્રશ્ન એ છે કે આધાર કેવો છે?
હાથી ભલે ને ગમે તેટલો મોટો છે, એના પ્રતિબિંબને ઝીલનારું દર્પણ જો નાનું જ છે તો એ દર્પણમાં હાથીનું કદ નાનું જ ઝીલાવાનું છે.
સંયમીનો વેશ પહેરાવીને જગતની વચ્ચે આપણને વંદનીયની કક્ષામાં મૂકી દેનારા ગુરુદેવશ્રી ભલે ને અનંતોપકારી છે.
પરંતુ હૃદય આપણું જો તુચ્છ છે, મન આપણું જો સાંકડું છે, દૃષ્ટિ આપણી જો સંકુચિત છે, અંતઃકરણ આપણું જો મલિન છે તો એ અનંતોપકારી પણ ગુરુદેવશ્રી આપણને શુદ્ર, તુચ્છ અને દોષસભર જ લાગવાના છે.
સાવધાન ! દિલને ઉત્તમ બનાવી દો. નહિતર આ જગતમાં કોણ અધમ નહીં લાગે એ પ્રશ્ન છે.
સ્વાધ્યાયયોગ કેટલો બધો મહાન ? પ્રતિલેખન અને પ્રતિક્રમણનો યોગ કેટલો બધો મહાન ? ગુરુદેવનું સાંનિધ્ય કેટલું બધું મહાન ? સહવર્તી મુનિ ભગવંતોનો સહવાસ કેટલો બધો મહાન ? અરે, આપણા હાથમાં આવી ગયેલ સંયમજીવન ખુદ કેટલું બધું મહાન?
પણ સબૂર !
આ તમામ મહાન સાધનાઓ અને મહાન યોગો આપણને મહાન ત્યારે જ બનાવે કે જ્યારે એ સાધનાઓ અને યોગો આપણને પણ માન લાગે.
પ્રશ્ન સાધનાની મહાનતાનો નથી, આપણાં અંતઃકરણની મહાનતાનો છે. એ જો અધમ હશે તો મહાન પણ સંયમજીવન આપણા માટે કદાચ નિરર્થક જ બની રહેશે.
આવો, બહુમાનભાવ, અહોભાવ, સમર્પણભાવ અને સદ્ભાવને વિકસાવતા રહીએ. આપણું કામ થઈ જશે.
(૩૪)