________________
નિદ્રા આવે છે. સમાધિ રાખવી પડે છે
બનીએ આહાર સંયમી
સમાધિ અને નિદ્રા વચ્ચેનો એક મહત્તમ તફાવત ખ્યાલમાં છે ? નિદ્રા આપણે લાવી શકતા નથી, એ પોતાની મેળે આવી જાય છે, જ્યારે સમાધિ આપણી પાસે સામેથી આવતી નથી, આપણે રાખવી પડે છે. ટૂંકમાં, સામેથી આવે તેનિદ્રા અને આપણે રાખવી પડે તે સમાધિ.
આનો અર્થ ? આ જ કે જાગૃતિ, સાવધગીરી અને અભ્યાસ નહીં હોય તો પ્રતિકૂળતામાં સમાધિ આપણે રાખી શકવાના નથી.
જવાબ આપો. પ્રતિકૂળતાને સામે ચડીને આમંત્રણ આપતા રહીને સમાધિને અભ્યસ્ત કરતા રહેવાના અત્યારે આપણા પ્રયાસો ખરા ? સામેથી આવી ગયેલ પ્રતિકૂળતાઓને સ્વીકારી લઈને મનની સમાધિ ટકાવી રાખવામાં આજની તિથિએ આપણે સફળ ખરા?
જો ના, તો કહું છું આપણું ભાવિ ખતરામાં છે કારણ કે સમાધિ એ જ તો સદ્ગતિના દરવાજા પર લાગેલ તાળાની ચાવી છે.
સંયમજીવન આમ તો અનેક પ્રકારના સંદર્ભો લઈને બેઠું છે પણ આપણા સત્ત્વને આંખ સામે રાખીને પ્રાપ્ત સંયમજીવનને જો આપણે ચરિતાર્થ કરી દેવા માગીએ છીએ તો સૌપ્રથમ આપણે ‘આહાર સંયમ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરી દેવાની જરૂર છે.
તપશ્ચર્યા એ તો આહાર સંયમ છે જ પરંતુ એ તપશ્ચર્યાય જો ત્યાગપૂર્વકની છે તો તો એ આહાર સંયમને ચાર ચાંદ લાગી જાય તેમ છે.
કદાચ ત્યાગના ક્ષેત્રેય આપણે સત્ત્વહીન પુરવાર થતા હોઈએ તો નિર્દોષ ગોચરીનો આગ્રહ પણ આહાર સંયમમાં આપણને સફળ બનાવી શકે તેમ છે અને એમાં ય આપણે જો બોદા પુરવાર થઈએ છીએ તો છેવટે પસંદગીનાં દ્રવ્યોનો આગ્રહ ન રાખીએ તો ય આપણે આહાર સંયમી બની શકીએ તેમ છીએ. આ બાબતમાં આપણે તૈયાર ખરા?