________________
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઈતિહાસ
સાધુ શ્રુતિપ્રકાશદાસ
શિક્ષાપત્રી રચના પૂર્વે
અરબી સમુદ્રના કિનારા પર વસેલ સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ લોજ, જયાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. અહીં મુક્તાનંદ સ્વામી વગેરે પચાસેક સાધુઓ રહેતા હતા. આજુબાજુના ગામોમાં ભિક્ષાવૃત્તિ કરતા અને મુમુક્ષુઓને ઉપદેશ આપતા હતા.
આષાઢી સંવત ૧૮૫૬ના શ્રાવણ વદી છઠ્ઠની સવારે આ ગામમાં એક ૧૯ વરસના ઉત્તર હિન્દુસ્તાનના બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારીને માથા ઉપર પીળા કેશ, ગળામાં તુલસીની બેવડી માળા, કેડે આડબંધ, ખભે મૃગચર્મ, કઠારી, માળા, રૂમાલ, પાણીગરણ અને પંચરત્ન ગુટકો છે. શરીરની નાડીઓ નીલવર્સી દેખાય છે. રૂધિર જણાતું નથી, ભાષા અવધ છે. આ ગામમાં તેમનું કોઈ પરિચિત હતું નહિ.
પરંતુ વર્ણીની મોહક મૂર્તિ, જોગકળામાં કુશળતા અને દિવ્યતાથી સમગ્ર ગામને આ વર્ણી ચિરપરિચિત લાગ્યા. ગામમાં રહેલ રામાનંદ સ્વામીના આશ્રમના સાધુઓને પણ પરિચિત લાગ્યા. ૪૨ વરસના જ્ઞાની મુક્તાનંદ સ્વામીને પણ પરિચિત લાગ્યા. આશ્રમમાં પધરાવ્યા. રહેવા માટે પ્રાર્થના કરી. વર્ણીએ આશ્રમના સ્વચ્છતા, સાધુઓની નમ્રતા વગેરે જોઈ રહેવા વિચાર્યું હશે. પરંતુ આશ્રમનું તત્ત્વજ્ઞાન જાણવા પાંચ પ્રશ્નો પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ સંબંધી પાંચ પ્રશ્નોના ઉત્તરો મુક્તાનંદ સ્વામીના મુખ થકી સાંભળી વર્ણી પ્રસન્ન થયા. રામાનંદ સ્વામીનાં દર્શન થાય ત્યાં સુધી રહેવા સંમત થયા.
તત્ત્વજ્ઞાન સંબંધી વર્ણીની અને આશ્રમવાસીઓની રુચિ એક જણાઈ; પરંતુ ત્રણ દિવસ બાદ શ્રાવણ વદી નવમીના દિવસે ધર્મસંબંધી નીલકંઠ અને આશ્રમવાસીઓની રુચિ જુદી પડી. મુક્તાનંદ સ્વામી જીવરાજ શેઠના ડેલામાં કથા કરતા હતા. ત્યાગી કથાકારની બરાબર સામે અને ગૃહસ્થ પુરુષોની બરાબર બાજુમાં સ્ત્રીભક્તોને કથા સાંભળતાં જોઈ તેમને તે ન ગમ્યું. તેમણે સાધુઓની જુદી કથા કરવાનો આદેશ આપ્યો. વર્ણીની પ્રતિભાથી આશ્રમવાસી સંતો-ભક્તોએ આ વાતને સ્વીકારી.