________________
SAMBODHI
200
ગ્રંથ સમીક્ષા
III કૌટિલીયના સામાજિક ચિંતન વિશે વધુ વિચાર માગતા કેટલાક મુદ્દાઓ – ગુણકર્મ વિભાગ :
નીતીન દેસાઈ મુજબ “ભારતીય અનેક સુચિંતિત સમતોલ પરંપરાઓની જેમ, મૂળમાં વર્ણવ્યવસ્થા ભગવદ્ગીતાએ સ્પષ્ટ બતાવ્યું છે તેમ, વ્યક્તિના નિસર્ગદત્ત આગવા સહજ ગુણને અનુરૂપ અનુકૂળ કર્મની પ્રેમાળ મનોવૈજ્ઞાનિક ભલામણરૂપ કે માર્ગદર્શનરૂપ હતી..... એમાં ન કોઈ વર્ણના ચઢિયાતાપણાં કે ઊતરતાપણાનો ભાવ હતો ન અહમૂના સંઘર્ષને અવકાશ હતો એક વર્ણ દ્વારા બીજા વર્ણની હેલનાનો કે શોષણનો ભાવ” (પૃ. ૯). રાજધર્મ તો વર્ણાશ્રમધર્મને સુદઢ કરવા માટેનો ધર્મ હતો.
દેસાઈ પ્રમાણે વર્ણવ્યવસ્થા ગુણાશ્રિત હતી. તે વ્યવસ્થા ગુણોને અનુરૂપ કર્મની પ્રેમાળ મનોવૈજ્ઞાનિક ભલામણરૂપ કે માર્ગદર્શનરૂપ હતી. જો એ કેવળ મનોવૈજ્ઞાનિક ભલામણરૂપ જ હોય તો એ સમાજવ્યવસ્થાના અન્ય વિકલ્પો તાર્કિક રીતે નિષ્પક્ષ રીતે ચર્ચાયા હોત, પણ વર્ણસંકરનો ખતરો વારંવાર બતાવીને તેનાં અનિષ્ટો આગળ કરીને એવું દર્શાવાયું છે કે આ વ્યવસ્થાનો વિકલ્પ જ નથી. [Halbrass : 1992 Franco 2003] તે ઉપરાંત કોઈ કાળે સમાજના પ્રતિનિધિઓએ ભેગા મળીને ચર્ચા કરીને તે વ્યવસ્થાઓ બદલવાની મોકળાશ ન હતી. મનોવૈજ્ઞાનિક ભલામણો કે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન જે સિદ્ધાંતો ઉપર રચાયેલું હોય છે તે સિદ્ધાંતો કાયમી કે શાશ્વત હોતા નથી. તેનું અવલોકનઆશ્રિત અસત્યતા પ્રદાન (empirical falsificaton) થઈ શકે છે. અવલોકનઆશ્રિત વિજ્ઞાન અને શાસ્ત્રસંમત વ્યવસ્થાઓ વચ્ચે આ મૂળભૂત તફાવતને ધ્યાનમાં લેવો જ જોઈએ. શાસ્ત્ર આધારિત મનોવિજ્ઞાનનાં કે સમાજવિજ્ઞાનનાં તારણો revise કરી શકાતા નથી. વિજ્ઞાનના સિદ્ધાંતોને વિરુદ્ધ data થી ઉથલાવી શકાય છે. સમીક્ષાક્ષમ યથાર્થતા- દાવાઓ (criticisable validity claims) ન હોય ત્યાં વૈજ્ઞાનિક અભિગમ માની શકાય નહીં.
ગીતા સમર્થિત સત્ત્વ, રજસ, તમસ એ ત્રણ ગુણને આધારે અને તેને અનુરૂપ વર્ણોનાં જુદાં જુદાં કર્મોને આધારે પ્રવર્તતી સમાજવ્યવસ્થામાં કોઈ ઉચ્ચવચ્ચતા ક્રમ (hierarchy) ન હતો, કોઈ અસમાનતા ન હતી અને તે માત્ર મનોવૈજ્ઞાનિક ભલામણ હતી અને તેમાં માત્ર મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન જ હતું તેવો દેસાઈનો મત વધુ ઊહાપોહ માગી લે છે. મનોવૈજ્ઞાન અવલોકનાશ્રિત વિજ્ઞાન છે. તેની ભલામણો અને એ ભલામણ પાછળના તેનાં સિદ્ધાંતો પરિવર્તનક્ષમ છે અને વધુ અવલોકનથી તે જોતાં પણ પડી શકે છે.
જો કે પૃ. ૧૦૫ ઉપર લેખકે જ સ્પષ્ટ કર્યું છે કે અનેક રીતે જગતમાં પ્રવર્તતી ભેદભાવયુક્ત અન્યાયી પ્રથાઓ – વંશશ્રેષ્ઠતાવાદ, ગુલામી પ્રથા, સ્ત્રીયો પ્રત્યે ભેદમૂલક વ્યવહારો વગેરે – ને લીધે જગતમાં વ્યાપેલો લોકવિદ્વેષ માનવ ઇતિહાસના મહાકંલકરૂપ છે. આ ખૂબ આવકાર્ય દૃષ્ટિકોણનાં સંદર્ભે પ્રાચીન ભારતીય પ્રથાઓ ભેદભાવ-આધારિત ન હતી તેમ કહેવાની આવશ્યકતા ન હતી.