________________
204
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
1770) પછી ભલે તે મૂલ્યો વિશ્વવ્યાપી બન્યા હોય, પણ આ મૂલ્યો આધુનિકતા-પૂર્વે પણ પાશ્ચાત્ય મૂલ્યો જ હતા. આ વાતને ધ્યાનમાં લઈને કેટલાક એમ કહે છે કે Asian values અને Western Values જુદા જ છે અને તેથી વ્યક્તિવાદને સ્થાને Asia માં સમુદાયવાદ (Communitarianism) આજ્ઞાંકિતતા, શિસ્તબદ્ધ શાસનવ્યવસ્થા જેવા એશિયા–વિશિષ્ટ મૂલ્યો પ્રવર્યા છે. પૂર્વના અભિગમની પશ્ચિમના અભિગમ સાથે ક્યાંય પણ તુલના કર્યા પહેલાં Asian values નો વિચાર કેન્દ્રમાં મૂકવો જોઈએ.
સેનને આ જાતનું વિશ્લેષણ મંજૂર નથી. સેન પ્રમાણે વિજ્ઞાન અને ગણિત કેટલીક રીતે ભારતમાં પણ વિકસ્યા હતાં તેથી તર્કનિષ્ઠા અને વૈજ્ઞાનિકતાનો કેવળ પાશ્ચાત્ય અભિગમાં જ નિઃશેષ રીતે સમાવેશ ન કરવો જોઈએ. તે જ રીતે વ્યક્તિ સ્વાતંત્ર્ય વગેરે મૂલ્યો પણ સેન મુજબ pre-modern ભારતમાં પણ વિચારાયાં હતાં.
સેન એક બાજુ વ્યક્તિ સ્વાતંત્ર્ય કરતાં શિસ્ત અને સામાજિક વ્યવસ્થા ઉપર વધુ ભાર મૂકતા પ્લેટો અને સંત ઓગસ્ટાઈનને કૌટિલીય સાથે સરખાવે છે અને ગુલામો કે સ્ત્રીઓ સિવાયના કેટલાક મુક્ત નાગરિકોનું સ્વાતંત્ર્ય સ્વીકારનાર એરિસ્ટોટલની તુલના સેન સમ્રાટ અશોક જોડે કરે છે. આમ તુલના કરવાથી, એટલે કે વિચારસામગ્રીને આધારે તુલના કરવાથી વધારે સ્પષ્ટતાઓ થાય છે. કેવળ પૂર્વ-પશ્ચિમ એ રીતે રજૂઆતો કરીને તેમાંથી કોઈ એકને શ્રેષ્ઠ ગણીને બીજાને ઉતરતા ગણીને તુલના કરવાનો અર્થ નથી. પશ્ચિમમાં authoritarian અને વંશ શ્રેષ્ઠતાવાદી અભિગમો પ્રવર્યા છે. તેને બાજુએ મૂકીને કેવળ ત્યાંના સ્વાતંત્ર્યવાદી-સમાનતાવાદી દૃષ્ટિકોણને જ આગળ કરીને તુલના કરવી સેન મુજબ યોગ્ય નથી. તે જ રીતે, ભારતમાં ભલે કેટલાક જ વર્ગના સભ્યોનું સ્વાતંત્ર્ય માન્ય થયું હોય, પરંતુ તે હકીકતને અવગણીને ભારતની ભેદયુક્ત અફર સમાજવ્યવસ્થાને જ આગળ કરીને તુલના કરવાનો પણ અર્થ નથી. ભારતના ભવ્ય ભૂતકાળમાં જગતનું આખરી સત્ય શોધાઈ ગયું છે. તેમ માનનારે તો તુલનાત્મક સંશોધન કરવાનો પરિશ્રમ ન લેવો જોઈએ.
સેન કહે છે કે કૌટિલીય કંઈ લોકશાહીના પ્રબળ પક્ષકાર નથી. કૌટિલીય આજના પ્રચલિત અર્થમાં સમાજવાદી પણ નથી કે સમાનતાવાદી પણ નથી. જો કે કૌટિલીયે ઉપલા આર્યવર્ગોની સ્વતંત્રતા જરૂર સ્વીકારી છે. એટલે liberty અને equality હંમેશાં પ્રાચીન કે અર્વાચીન પાશ્ચાત્ય સમાજોનાં જ મૂલ્યો છે તેવું ફલિત થતું નથી. liberty અને equality નો મર્યાદિત વર્ગો પ્રત્યે સ્વીકાર થયો હતો અને ભારતની પ્રાચીન વ્યવસ્થાના અંગભૂત તત્ત્વ તરીકે તેને ગણી શકાય છે. અશક્ત, માંદા, નબળા, વૃદ્ધ કે દુઃખી લોકો પ્રત્યે રાજ્યને કોઈ નિસ્બત ન હતી તેવું પણ કૌટિલીયને અભિપ્રેત ન હતું (સન : ૨૦૦૦).
આમ પૂર્વ એટલે જુલ્મી આપખુદશાહી અને પશ્ચિમ એટલે મુક્ત સમાજવ્યવસ્થા એવું સાદું સમીકરણ સેનને માન્ય નથી. આધુનિકતા પૂર્વેના ભારતમાં ક્યાંક સ્વાતંત્ર્ય અને સહિષ્ણુતાને સ્થાન હતું તો વળી આધુનિકતા પૂર્વેના યુરોપીય સમાજોમાં પણ રાજાશાહી અને સત્તાશાહી પ્રવર્તતાં હતાં.